મુખ્યમંત્રી કાર્યાલયમાં સતત 20 વર્ષ સુધી ફરજ બજાવ્યા બાદ ડાયરેકટર સિવિલ સપ્લાય અને ફૂડ, સિવિલ સપ્લાય અને કન્ઝ્યૂમર અફેર્સ ડિપાર્ટમેંટના ડેપ્યુટી સેક્રેટરી તરીકે તા. 31 ઓગસ્ટને આવતીકાલે નિવૃત થઈ રહેલા અમૃત પટેલને રાજ્ય સરકાર દ્વારા ગુજરાત રાજ્ય અન્ન આયોગના ચેરમેન તરીકે નિયુક્ત કરાયા છે.
અમૃત પટેલ સૌ પ્રથમ વખત 1995માં કેશુભાઈ પટેલ મુખ્યમંત્રી બન્યા હતા ત્યારે તેઓ અંગત મદદનીશ તરીકે મુખ્યમંત્રી કાર્યાલયમાં નિયુક્ત થયા હતા. ત્યાર બાદ તેઓ તત્કાલિન મંત્રી જયનારાયણ વ્યાસની સાથે અંગત મદદનીશ તરીકે દસ મહિના સુધી રહ્યા હતા. આ પછી તેઓ પોતાના વિભાગમાં ગયા હતા. આ પછી 1998માં કેશુભાઈ પટેલ ફરીથી મુખ્યમંત્રી બન્યા ત્યારે તેમને સીએમઓમાં અંગત મદદનીશ તરીકે નિયુક્ત કરાયા હતા. ત્યારે તેઓ નરેન્દ્ર મોદી, આનંદીબેન પટેલ અને છેલ્લે વિજય રૂપાણી સાથે સતત 20 વર્ષ જેટલો અંગત મદદનીશ અને અંગત સચિવ તરીકે ફરજ બજાવી હતી.
જો કે ત્યાર બાદ તેઓ 2017માં આઇએએસ અધિકારી થતાં તેઓની ડાયરેકટર સિવિલ સપ્લાય અને ફૂડ, સિવિલ સપ્લાય અને કન્ઝ્યૂમર અફેર્સ ડિપાર્ટમેંટના ડેપ્યુટી સેક્રેટરી તરીકે નિમણૂક કરાઈ હતી. જ્યાં તેઓ આજે પણ પ્રવર્તમાન છે.
ગુજરાત રાજ્ય અન્ન આયોગએ નેશનલ ફૂડ સિક્યોરિટી એક્ટના ગ્રેનેટ હેઠળ રાજ્યના લાભાર્થીઓને પૂરતા પ્રમાણમાં નિયત ભાવે અનાજ મળી રહે અને કોઈ ગરીબ અનાજથી વંચિત ન રહી જાય તેવા હેતુથી ગુજરાત રાજ્ય અન્ન આયોગની રચના કરાઈ છે. આ આયોગના ચેરમેન તરીકેની જગ્યા હાલમાં ખાલી પડેલી છે.