આજે પણ સ્માર્ટ સીટી માટે આદર્શ બની શકે તેવુ ઈ.સ.પૂર્વે 2300 સાલનું લોથલ…

ગાંધીનગર,તા.15

દેશમાં સ્વચ્છ અને સ્માર્ટ સિટીની વાતો થાય છે પરંતુ હકીકતમાં ગુજરાતનો પુરાણકાળ જોઇએ તો આવા સ્માર્ટ સિટી તે સમયે જોવા મળતા હતા. સમગ્ર વિશ્વ આજે દરિયાકિનારાના વેપારમાં જાન રેડી રહ્યું છે પણ નવાઇની બાબત એવી છે કે બંદરોના ઇતિહાસની તુલના કરવામાં આવે તો ગુજરાતને વિશ્વના દેશો ભૂલી શકે તેમ નથી, કારણ કે ઇતિહાસકારોના મતે દુનિયાનું સૌથી પહેલું સમુદ્રી બંદર લોથલમાં બાંધવામાં આવ્યું હતું. ઇ.સ.પૂર્વે 2300ની આસપાસના સમયમાં લોથલ એ બંદર ઉપરાંત સુનિયોજીત નગર હતું અને તેની રચના પૂર સબંધિત સમસ્યાઓનો વિચાર કરીને કરવામાં આવી હતી.

સ્માર્ટ સીટી માટે આદર્શ બની શકે તેવુ લોથલ..

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કહેવાથી આજે સમગ્ર દેશમાં સફાઇ ઝૂંબેશ ઉપાડવામાં આવી છે ત્યારે લોથલના પુરાવાના આધારે કહી શકાય તેમ છે કે અહીં જાહેર સ્વચ્છતાનો પૂરો ખ્યાલ રાખવામાં આવ્યો હતો. સ્નાનખંડોનું ગંદુ પાણી ગટર મારફતે ખાળકૂવામાં વહી જતું દર્શાવવામાં આવ્યું છે. આ પરંપરા આજે પૌરાણિક ગામડાઓમાં પણ જોવા મળે છે. જાહેર માર્ગો પણ પહોળા અને આયોજનબદ્ધ હતા.

લોથલમાં સંશોધનના આધારે અદ્દભૂત આર્કિટેક્ટની અનુભૂતિ થાય છે. જો તેના આધારે ગુજરાતનો અને તેના શહેરોનો વિકાસ થાય તો નાગરિકોને કોઇ મુશ્કેલી અનુભવવી પડે નહીં. પૌરાણિક લોથલમાં પાણી નિકાલની અદ્દભૂત સિસ્ટમ જોવા મળે છે. મોદીએ હકીકતમાં દેશના આર્કિટેક્ટ્સને લોથલનો અભ્યાસ કરવા મોકલવા જોઇએ. જો તેમ થશે તો લોથલ જેવું સ્માર્ટ સિટી દેશ બનાવી શકશે.

લોથલમાં વ્યાપાર માટે આવતા જહાજો લાંગરે તે માટે ડોકયાર્ડ હતું જે વિશ્વમાં આવી બનાવટોમાં સૌ પ્રથમ હતું. આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા દ્વારા વિખ્યાત પુરાતત્વવિદ્ ડો. એસ.આર.રાવને નવેમ્બર-1945માં લોથલ માઉન્ડની વિગતો મળી આવી હતી. આ વિગતોના આધારે 1955 થી 1960 સુધી ચાલેલા ઉત્ખનનના અંતે પ્રાચીનયુગના અદ્દભૂત અવશેષો શોધી કાઢવામાં આવ્યા હતા. એ સમયે ડોકયાર્ડની શોધના કારણે વિશ્વભરના ઇતિહાસકારોમાં લોથલ ચર્ચાનું મુખ્ય કેન્દ્ર હતું. અમદાવાદથી 80 કિલોમીટર દૂર દક્ષિણ પૂર્વમાં લોથલની સાઇટ આવેલી છે.

એવું કહેવાય છે કે કુદરતી આપત્તિઓ સામે બચવા માટે માનવી તરફથી દર્શાવવામાં આવેલી તાકાત એટલે લોથલનો ઇતિહાસ. 2400 થી 1600 સુધીના કાળખંડમાં આ નગરીનો ઇતિહાસ વહેંચાયેલો હોવાનું અનુમાન છે. મોરહેન્જો દડો અને હરપ્પા પછી સિંધુ સભ્યતાનું આ સૌથી મોટું નગર હતું. સાબરમતી નદીના પાણી ખંભાતના અખાતમાં થઇને અરબી સમુદ્રને મળતા હતા.

ઇતિહાસમાં નોંધાયેલું છે કે લોથલ બંદરે થી દુનિયાના દેશોમાં માલસામાનની મોટાપાયે હેરફેર થતી હતી. સંશોધન થયેલી સામગ્રીમાં ઉચ્ચ ગુણવત્તાવાળી પાકી ઇંટો દ્વારા બનાવાયેલો જહાજવાડો મળી આવ્યો છે જેની પાણીની તાકાતને રોકવાની ક્ષમતા વિશેષ આંકવામાં આવી છે. વિશ્વના કોઇપણ ખૂણે આ પ્રકારની ઇજનેરી વ્યવસ્થાનો નમૂનો જોવા મળ્યો નથી. મરીન એન્જીનિયરીંગ ક્ષેત્રે વિશ્વની સંસ્કૃતિને મળેલી આ અણમોલ ભેટ છે.

કહી શકાય કે વહાણને લાંગરવાની સ્થાપત્યકલા પહેલા ગુજરાતમા વિકસી હતી. 215 મીટર લાંબો, 38 મીટર પહોળો અને એક મીટર ઉંડો કોટયાર્ડ-ધક્કો પાકી ઇંટો દ્વારા બાંધવામાં આવ્યો હતો. ઇ.સ.પૂર્વે ત્રીજી સહસ્ત્રાબ્દીનો આ એકમાત્ર ધક્કો છે. ફિનિશિયન અને રોમન ધક્કાઓ કરતાં આ ધક્કો વધુ વિકસિત હતો. ઉત્તર અને દક્ષિણ બાજુએ અનુક્રમે પ્રવેશ અને નિર્ગમના માર્ગ માટેના ગાળા રાખવામાં આવ્યા હતા. અહીં વહાણોને તરતા રાખી શકાતા હતા. મુંબઇ અને વિશાખાપટ્ટનમના આધુનિક ધક્કાઓ કરતાં પણ લોથલનો ધક્કો ઘણો મોટો હતો.

શું છે લોથલનો અર્થ?

લોથલ શબ્દનો અર્થ ભગવદગોમંડળના આધારે જોઇએ તો લોથ-અલ થાય છે. લોથ એટલે ઉપાધી-પીડા અને અલનો અર્થ નાનો વસવાટ એવો થાય છે. 60 વર્ષના ઉત્ખનન પછી ઇતિહાસકારોએ તેમના પાના લોથલ સાથે સાંકળ્યા છે.