આણંદ નગરપાલિકાના વિરોધ પક્ષ કોંગ્રેસના દંડક અને કાઉન્સિલર કેતન બારોટ ભાજપમાં જોડાય એવી શક્યતા છે. પ્રદેશ પ્રમુખના જમણા હાથ ગણાતા કેતન બારોટ દ્વારા રાજીનામું આપવા પાછળ ધનપતિ બનેલા ભાજપના નેતાઓની મોંઘી ઓફર કારણભૂત માનવામાં આવે છે. વળી શિક્ષણ સમિતિની ચૂંટણીમાં સભ્યપદની તક નહીં મળતાં નારાજગી ઉકેલવામાં અમિત ચાવડા નિષ્ફળ રહ્યા છે. આણંદ નગરપાલિકાના રાજકારણમાં છેલ્લા ઘણા વખતથી વિવાદ સર્જાયો છે, જેને પ્રદેશપ્રમુખ અંકુશમાં લાવી શક્યા નથી. આણંદ કોંગ્રેસનું રાજકીય ભંગાણ થઈ રહ્યું છે. આણંદ મત વિસ્તારમાંથી ગુજરાત પ્રદેશ કોંગ્રેસને બે પ્રદેશ અધ્યક્ષ મળ્યા છે, જો કે તે જ વિસ્તારમાંથી પ્રદેશ અને જિલ્લા કોંગ્રેસના આગેવાનો કોંગ્રેસથી છેડો ફાડી રહ્યા છે.
થોડા સમય અગાઉ કેતન બારોટે કેટલાક પક્ષના લાગવગિયા હોદ્દેદારોની કાર્યપદ્વતિથી નારાજગી વ્યક્ત કરીને કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું હતું, પરંતુ આગ્રહના કારણે પુન: કોંગ્રેસમાં સક્રિય બન્યા હતા. જો કે હવે પુન: કેતન બારોટે કોંગ્રેસ સાથેનો છેડો ફાડવા સાથે ભાજપમાં જોડાવાનું જાહેર કરી દેતાં કોંગ્રેસના બની બેઠેલા નેતા ભરતસિંહ સોલંકી અને તેમના ભાઈ તથા પક્ષના પ્રમુખ અમિત ચાવડાના વિસ્તારમાં કોંગ્રેસને નીચા જોવા જેવું થયું છે. કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાના વિસ્તારમાં કોંગ્રેસમાં કકળાટ અને કમઠાણ હોવા છતાં તેને ઠારવા માટે કોઈ પ્રયાસ થયો નથી.
જુલાઈમાં પણ રાજીનામું આપ્યું હતું
15 જુલાઈ 2019માં પણ આણંદ નગરપાલિકાના કોંગ્રેસના યુવા કાઉન્સિલર કેતન બારોટે કોંગ્રેસ પક્ષના તમામ હોદ્દા પરથી રાજીનામું આપ્યું હતું. તેઓ આણંદ નગરપાલિકા પક્ષના દંડક અને આણંદ યૂથ કોંગ્રેસના પ્રમુખ હતા, જેમણે કોંગ્રેસના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપી દીધુ હતું. 28 જાન્યુઆરી 2019માં કેતન બારોટને ગુજરાત પ્રદેશ યુવા કોંગ્રેસમાં સંયુક્ત મંત્રી બનાવવામાં આવ્યા હતા. તેઓ પ્રજા માટે સતત લડતા રહ્યા હતા.
15 દિવસમાં કોંગ્રેસમાં બીજું રાજીનામું પડ્યું હતું
સભ્યોનાં નામની પસંદગીમાં અમિત ચાવડા દ્વારા કેતન બારોટને વિશ્વાસમાં લેવામાં ન આવતાં અસંતોષની આગ ભભૂકી હતી. આણંદ નગરપાલિકાની શિક્ષણ સમિતિની બિનહરીફ ચૂંટણી બાદ આણંદ શહેર કોંગ્રેસમાં વિખવાદ થયા હતા. પ્રદેશ પ્રમુખના જમણા હાથ ગણાતાં કેતન બારોટે આણંદમાં રાજીનામું આપતાં કાર્યકરોએ પોતાના નેતાની આવડત પર આંગળી ચીંધી હતી. જે-તે સમયે પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા બારોટને રાજીનામું પરત લેવા સમજાવવા સફળ થયા હતા.
47 રાજીનામાં આપવા તૈયાર હતા
કેતન બારોટના ઘરે અગાઉ જુલાઈમાં આણંદ શહેર અને તાલુકા કોંગ્રેસના હોદ્દેદારોની બેઠક યોજાઈ હતી, જેમાં અલ્પેશ પઢિયાર જૂથ તરફથી થઈ રહેલી સતત અવગણના સામે બાંયો ચઢાવવાનો ફેંસલો લેવાયો હતો. જેમાં 47 સભ્યો લડી લેવા તૈયાર થયા હતા, જેના ભાગરૂપે તેમણે રાજીનામાં આપવાની તૈયારી બતાવી હતી. પહેલા કેતન બારોટે રાજીનામું આપ્યું હતું. આ બેઠકમાં જો અમિત ચાવડા આ પ્રશ્ન ન ઉકેલે તો ક્રમવાર રાજીનામાં આપવાનું નક્કી કરાયું હતું, પરંતુ અમિત ચાવડાએ બધાને સમજાવી દીધા હતા. જો કે અન્યાયની આગ તો નવેમ્બર 2019 સુધી ચાલુ રહી હતી.
પાલિકામાં ભાજપની બહુમતી
નગરપાલિકામાં ભાજપની સંપૂર્ણ બહુમતી હોવા સાથે માત્ર ત્રણ-ચાર અપક્ષ છે તે પણ ટેકો આપી રહ્યા છે, ત્યારે પાલિકામાં ભાજપને કોઈના ટેકાની પણ જરૂર નથી. છતાં અહીં કોંગ્રેસનું પ્રભુત્વ તોડવા માટે ભાજપ પોતે કોંગ્રેસની ખરીદી કરે છે.
કોંગ્રેસ પ્રમુખના વિસ્તારમાં જૂથવાદ
આણંદ નગરપાલિકાના વિપક્ષ નેતા અલ્પેશભાઈ પઢિયારના જૂથે પાલિકાની શિક્ષણ સમિતિની ચૂંટણીમાં કાઉન્સિલર્સ, કોંગ્રેસના આગેવાનો, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કે કોઈને પણ વિશ્વાસમાં લીધા ન હતા. બિનહરીફ ચૂંટણીમાં કોંગ્રેસ તરફથી ત્રણ નામ સભ્ય તરીકે આપી દીધાં હતાં. જેમાં એક નામ અલ્પેશ પઢિયારનું પોતાનું હતું. કોઈને પણ જાણ કર્યા વિના થયેલી ત્રણ સભ્યોનાં નામની પસંદગીના લીધે વિવાદ ઊભો થયો હતો. અલ્પેશ પઢિયાર જૂથ દ્વારા કેતન બારોટની ટીમની સતત અવગણના થઈ રહી હતી. આથી આ વિવાદના પગલે કેતન બારોટે કોંગ્રેસ સાથે છેડો ફાડી દીધો હતો.
ધારાસભ્યનો ક્ષત્રિયવાદ
આણંદના ધારાસભ્ય કાંતિ સોઢાએ જૂથબંધી કરી છે. તેના જૂથ દ્વારા એક જ જ્ઞાતિને મહત્ત્વ અપાતું હોઈ કેટલાક કાઉન્સિલર્સ નારાજ રહેતા આવ્યા છે. તે અંગે કોંગ્રેસના સોશિયલ મીડિયામાં આ બાબતે રીતસરનું યુદ્ધ છેડાયું હતું. આણંદના ધારાસભ્ય દ્વારા આ બાબતે જૂથવાદ ચલાવાતો હોવાના આક્ષેપ કેતન બારોટે કર્યા હતા. તેઓએ ફેસબુક મેસેન્જર દ્વારા મિત્રો સાથે સંવાદ કરતાં સ્પષ્ટતા પણ કરી હતી કે આવું તો પરિવારમાં ચાલતું હોય છે. ત્યારથી જ કેટલાક કાઉન્સિલર્સ ભાજપમાં જોડાવાની ગોઠવણ કરી રહ્યા હતા. ભરતસિંહ અને અમિત ચાવડાએ કોંગ્રેસ અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં ઠાકોર સમાજને 74 જેટલા મહત્ત્વના હોદ્દા આપેલા છે. ઠાકોર મોટી કોમ છે, જે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતમાં સારી વગ ધરાવે છે. જેમની સામે કોઈ બોલી શકતું નથી. તેઓ ધારાસભ્યને ઓબીસી વાદ ચલાવવાની સંપૂર્ણ છૂટ આપી રહ્યા છે.
ધારાસભ્યનો પુત્રપ્રેમ
આણંદ વિધાનસભા બેઠકના કોંગ્રેસના ધારાસભ્ય કાંતિ સોઢાના બે પુત્ર મહેન્દ્ર અને રણજિત સહિત કુલ 8 લોકો સામે આણંદ પોલીસે ફરિયાદ નોંધી હતી. ક્ષત્રીય સમાજના 11 મે 2019ના દિવસે ડાયરાના કાર્યક્રમમાં રાત્રે ૧૨ વાગ્યે ગાયક કલાકાર રાજભાઈ ગઢવીના આગમન સમયે ખુલ્લેઆમ હવામાં ફાયરિંગ કરીને લોકોમાં ભયનું વાતાવરણ ઊભું કરવાના આરોપસર પોલીસે આર્મ્સ એક્ટ અને IPC હેઠળ આ ફરિયાદ દાખલ કરી હતી. આ ફાયરિંગનો વીડિયો વાઈરલ થયો હતો. સુરક્ષા માટે હાજર પોલીસ સ્ટાફના માણસો દ્વારા આ લોકોને રોકવામાં આવ્યા ત્યારે તેઓએ એમ કહ્યું કે, ‘અમારી પાસે લાઈસન્સવાળી બંદૂક છે, એટલે અમે ફાયરિંગ કરીશું.’ આમ કોંગ્રેસ પ્રમુખના મત વિસ્તારમાં આવું વર્તન થતાં લોકો નારાજ છે. ભાજપનું વર્ષો સુધી અહીં કુશાસન છે તેથી લોકો કોંગ્રેસના ધારાસભ્યને મતથી ચૂંટ્યા હતા.
ભાજપ સામે મજબૂત વિરોધ પક્ષ નહીં
થોડા દિવસ અગાઉ આણંદ જિલ્લા કોંગ્રેસ સમિતિના મહામંત્રીએ આંતરિક અસંતોષના કારણે તમામ હોદ્દા પરથી રાજીનામું આપી દીધા બાદ 15 જુલાઈ 2019માં આણંદ નગરપાલિકા વિરોધ પક્ષના મુખ્ય દંડક અને કાઉન્સિલર કેતન આર. બારોટે પણ કોંગ્રેસ પક્ષના તમામ હોદ્દા પરથી રાજીનામું આપી દેતાં ભાજપની સામે મજબૂત વિરોધ પક્ષ રહ્યો નથી. કોંગ્રેસના નેતા હાર્દિક પટેલના ખેડૂતોના દેવાની માફીની માગણી સાથે 2017માં કોંગ્રેસ દ્વારા અપાયેલા રાજ્યવ્યાપી ચક્કાજામને એલાનને લઈને આણંદ જિલ્લામાં ઠેરઠેર ચક્કાજામ કરી કોંગ્રેસના કાર્યકરોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. યૂથ કોંગ્રેસ દ્વારા ટાટા મોટર્સ નજીક યૂથ કોંગ્રેસના અલ્પેશ પઢિયાર, કેતન બારોટ સહિત કાર્યકરો દ્વારા ચક્કાજામ કરવામાં આવ્યો હતો. આમ તેઓ સતત પ્રજા માટે લડતા રહ્યા હતા. હવે ભાજપ સામે કોઈ લડી શકે એવું રહ્યું ન હોવાથી પ્રજાની અપેક્ષા પર પાણી ફરી વળ્યું છે.
ભાજપની ચાલ
અમિત શાહ અને મોદીના ભાજપની નીતિ રહી છે કે નીતિ નહીં પણ તોડફોડની નીતિ અપનાવો. જ્યાં કોંગ્રેસ મજબૂત દેખાય ત્યાં તેને તોડી પાડવા માટે કોંગ્રેસના નેતાઓને લોભ, લાલચ કે પૈસા આપીને ભાજપમાં પક્ષાંતર કરાવો, પણ પદ ન આપો. આમ અડધો ભાજપ હવે કોંગ્રેસના કાર્યકરોથી ભરાઈ ગયો છે. તેનો એક ભાગ કોંગ્રેસના ગઢ ગણાતા આણંદ-ખેડા-નડિયાદનો ચરોતરનો પ્રદેશ છે. જ્યાં આઝાદી પહેલાથી સરદાર વલ્લભભાઈ પટેલ, ઈશ્વર ચાવડા કે માધવસિંહ સોલંકીથી કોંગ્રેસનું પ્રભુત્વ રહ્યું છે. તેથી આ વિસ્તારમાં ભાજપ ગમે ત્યારે કોંગ્રેસના કાર્યકરોને ખરીદવા માટે તૈયાર જ હોય છે. ભાજપે ચરોતરને સૌથી વધુ સત્તા આપી છે, કારણ કે ભાજપ દ્વારા કોંગ્રેસને તોડી પાડવા ગેમ પ્લાન તૈયાર જ હોય છે.
વર્ષો જૂના ભાજપના ધારાસભ્ય રોહિત પટેલને રાજ્યકક્ષાના મંત્રી બનાવાયા છે. ભાજપના શાસન દરમિયાન 1995થી 2002 સુધીમાં પૂર્વ ધારાસભ્ય દિલીપ પટેલને ત્રણ વખત પ્રધાન બનાવાયા હતા. જ્યારે 2002માં પેટલાદના ધારાસભ્ય સી.ડી. પટેલ સહકાર પ્રધાન હતા. 2007 અને 2012ના નરેન્દ્ર મોદીએ પ્રધાન આપ્યા હતા. આનંદીબહેન પટેલે પ્રધાન ન બનાવ્યા. ચરોતરમાં ધારાસભ્ય પંકજ દેસાઈ પ્રભુત્વ ધરાવતા રહ્યા છે. રૂપાણી સરકારમાં સંઘનો પ્રભાવ વધુ જોવા મળ્યો છે, જેના કારણે વર્ષોથી આરએસએસ ને ભાજપના કાર્યકર એવા આણંદના ધારાસભ્ય રોહિત પટેલને રાજ્યકક્ષાના મંત્રી બનાવાયા છતાં હારી ગયા હતા. હવે કોંગ્રેસનું વર્ચસ્વ વધતાં તેમાં ભંગાણ પાડવાની રાજ્યવ્યાપી રાજનીતિ ભાજપે અપનાવી છે તેમાં પ્રદેશ પ્રમુખને લક્ષ્ય બનાવવામાં ભાજપ સફળ થયો છે. પક્ષાંતર કરાવીને ભાજપને ટકાવવામાં આવી રહ્યો છે.
લોકસભાની ચૂંટણી પછી સ્થિતિ વણસી
લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસની હાર બાદ ગુજરાત કોંગ્રેસના પ્રમુખના વિસ્તારમાં યુવા કાર્યકરોએ પક્ષમાંથી રાજીનામાં આપવાનું શરૂ કરી દીધું હતું. કોંગ્રેસના પાયાના કાર્યકર, લીગલ સેલના વકીલ મનોહરસિંહ પરમારે રાજીનામું આપ્યું હતું. 2 જુલાઈ 2019એ આણંદ જિલ્લા કોંગ્રેસ સમિતિના મહામંત્રી મનોહરસિંહ પરમારે પક્ષમાં પોતાનું સ્વમાન ન જળવાતાં, ઉપેક્ષા કરવામાં આવતાં અને આંતરિક નારાજગીના કારણે રાજીનામું આપ્યું હતું. 100 દિવસમાં નવી રાષ્ટ્રીય પાર્ટીનું નિર્માણ કરવાની જાહેરાત કરી હતી. વિદ્યાર્થીકાળથી આજદિન સુધી તેઓ કોંગ્રેસ પક્ષ માટે લોહી અને પરસેવો રેડનારા હતા. 1998થી તેઓ કોંગ્રેસ અને સમાજસેવી સંસ્થાઓ સાથે રહ્યા હતા, પછી તેઓ 12 ઓક્ટોબર 2019માં ભાજપમાં જોડાઈ ગયા હતા.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાના ઘરઆંગણે કોંગ્રેસમાં કંઈક ઠીકઠાક ન ચાલતું હોય તે બાબત હાલ સામે આવી રહી છે, જેમાં આણંદ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ વિનુભાઈ ઠાકોર સામે સ્થાનિક સહકારી મંડળીમાં નાણાકીય ઉચાચત અને આણંદ જિલ્લા કોંગ્રેસ સમિતિના નામે નાણાંની ગેરરીતિ લઈને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખે તેઓને સસ્પેન્ડ કર્યા છે, જ્યારે તેમણે આણંદ જિલ્લાના કોંગ્રેસમાં રહીને ગૂંગળામણ અનુભવતા હોવાનું કહીને ભાજપનો ખેસ ધારણ કરી લીધો છે.
સસ્પેન્ડ થયા અને ભાજપમાં જોડાયા
ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ આણંદ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ વિનુભાઈ ઠાકોરને 11 ઓક્ટોબર 2019ના રોજ સસ્પેન્ડ કરી દીધા હતા. તેના પર આરોપ છે કે સ્થાનિક સહકારી મંડળીમાં નાણાકીય ઉચાચત અને આણંદ જિલ્લા કોંગ્રેસ સમિતિના નામે નાણાંની ગેરરીતિ કરી હોવાની ફરિયાદો પ્રદેશ પ્રમુખને મળી હતી, જેને લઈને તેઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ જિતુ વાઘાણીની હાજરીમાં આણંદ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ તથા મધ્ય ગુજરાત ઠાકોર સમાજના આગેવાન વિનુ ઠાકોર ભાજપમાં જોડાયા હતા. તેમની સાથે આણંદ જિલ્લા કોંગ્રેસના પૂર્વ મહામંત્રી તથા આણંદ જિલ્લા ક્ષત્રિય એકતા મંચના પ્રમુખ મનોહરસિંહ પરમાર સહિત આણંદ જિલ્લા કોંગ્રેસના આગેવાનો તથા કાર્યકરો ભાજપમાં જોડાયા હતા. કોંગ્રેસની નિમ્ન રાજનીતિ છે, જૂથની ચિંતા છે. 2017ની વિધાનસભા ચૂંટણીમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કાંતિ સોઢા પરમાર ધારાસભ્ય બનતાં આણંદ જિલ્લા પ્રમુખના સ્થાને ભરતસિંહ સોલંકીના ખાસ ગણાતા વિનુ એસ. ઠાકોરને જિલ્લા પ્રમુખપદ સોંપાયું હતું. ત્યારબાદ ગુજરાત પ્રદેશ પ્રમુખપદની આંકલાવના ધારાસભ્ય અમિત ચાવડાને જવાબદારી સોંપવામાં આવી હતી. પછી વિનુ ઠાકોર ભાજપમાં જોડાઈ ગયા હતા.
ભરતસિંહ સોલંકી જવાબદાર
26 નવેમ્બર 1953માં જન્મેલા ભરત સોલંકી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના 25મા પ્રમુખ હતા. 2004થી 2009 ગુજરાત રાજ્યના આણંદના સાંસદ રહ્યા હતા. 2014માં ભાજપના દિલીપ પટેલ સામે ચૂંટણીમાં હારી ગયા હતા. તેમના પિતા માધવસિંહ સોલંકી રાજકારણમાં લાંબો સમય રહ્યા હતા, જેમની ખામ નીતિના કારણે ગુજરાતમાં કોંગ્રેસ 26 વર્ષથી સત્તાસ્થાને નથી. માધવસિંહની ખામ નીતિ ભરત સોલંકી અને પછી તેમના ભાઈ અમિત ચાવડા અપનાવી રહ્યા છે, એટલે હજુ બીજાં 10 વર્ષ ભાજપ સત્તાસ્થાને ગુજરાતમાં રહેશે.
કેન્દ્ર સરકારમાં ભરત સોલંકી પેયજળ, સેનિટેશન, ઊર્જાપ્રધાન રહી ચૂક્યા છે. 2004થી 2006 દરમિયાન ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીના જનરલ સેક્રેટરી પણ રહી ચૂક્યા છે.
કોંગ્રેસનો ગઢ ભરત સોલંકીએ તોડી પાડ્યો
આણંદ પરંપરાગત રીતે કોંગ્રેસનો ગઢ ગણાતી બેઠક છે અને છેલ્લી 10 લોકસભા ચૂંટણીમાંથી 6 વાર આ બેઠક કોંગ્રેસે જીતી છે. ભાજપનો ગુજરાતમાં ઉદય 1989ની લોકસભા ચૂંટણીથી થયો. એ પછી ભાજપે આ બેઠક 4 વાર જીતી છે. આણંદ લોકસભા બેઠક પર કોંગ્રેસનું વર્ચસ્વ સોલંકી-ચાવડા પરિવારનું છે. આ બેઠક પર પહેલાં કોંગ્રેસના ઈશ્વરભાઈ ચાવડા જીતતા. ઈશ્વરભાઈ ચાવડા ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીના સસરા અને હાલના કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાના દાદા થાય છે. તેઓ હાલ ગાંધીનગરમાં નિવૃત્ત જીવન જીવે છે.
જે માધવસિંહ સોલંકીએ 1985માં કર્યું હતું, તે આ ત્રણ નેતાઓએ 2012 અને 2016 સુધીમાં પણ કરી બતાવ્યું હતું. તેની સીધી અસર ગુજરાત કોંગ્રેસમાં થઈ રહી છે. ઉજળિયાત કોમ ફરી એક વખત કોંગ્રેસ છોડી રહી છે. 2017માં જે રીતે તમામ ઉજળિયાત કોમે કોંગ્રેસને સહકાર આપ્યો હતો. જેમાં પાટીદારો આગળ હતા. હવે તેવો સહકાર અમિત અને ભરતસિંહની જોડીમાં ફરીથી મળી શકે તેમ નથી.
ઈશ્વરભાઈની વિદાય પછી તેમનો દોહિત્ર અને માધવસિંહના પુત્ર ભરતસિંહ સોલંકી મેદાનમાં આવ્યા હતા. આણંદ મતવિસ્તારમાં 35 ટકા અન્ય પછાત વર્ગ (ઓબીસી) છે, 25 ટકા પાટીદારો છે. પાટીદારોમાં વિભાજન છે. ઓબીસીમાં પણ બહુમતી મતદારો બારૈયા જ્ઞાતિના છે. માધવસિંહ સોલંકી બારૈયા છે તેથી આખો સમાજ તેમની પડખે રહે છે.