મેડિકલ-ડેન્ટલમાં પ્રવેશ માટે ચોઇસ ફિલિંગની પ્રક્રિયા પૂર્ણ થવા છતાં હવે પ્રવેશ સમિતિ દ્વારા કોલેજની ફાળવણી કયારે કરવામાં આવશે તે અંગે કોઇ સ્પષ્ટતાં કરવામાં આવી નથી. આયુર્વેદ અને હોમિયોપેથીની 1000 બેઠકોની મંજૂરી આવી જોઈતી હતી પણ કેન્દ્રની નરેન્દ્ર મોદીની સરકારે તેની મંજૂરી આપી નથી. ગુજરાત સરકાર પણ મોદી સરકારનો અન્યાય મુંગા મોઢે સહન કરી લે છે.
ચાલતી કાર્યવાહી અંતર્ગત મેરિટલીસ્ટ જાહેર કરાયા બાદ વિદ્યાર્થીઓને ચોઇસ ફિલિંગ કરવાની સૂચના આપવામાં આવી હતી. ચોઇસ ફિલિંગની પ્રક્રિયા આજે પૂર્ણ કરી દેવામાં આવી છે. મેરિટમાં ૨૧૨૫૯ વિદ્યાર્થીઓનો સમાવેશ કરાયો હતો જે પૈકી ૨૦૦૭૯ વિદ્યાર્થીઓએ ચોઇસ ફિલિંગ કરી હતી.જયારે બાકીના વિદ્યાર્થીઓ મેરિટમાં નીચે હોવાથી ચોઇસ ફિલિંગમાં ભાગ લીધો નથી.
મેડિકલ-ડેન્ટલમાં પ્રવેશ માટે સળંગ બે વખત ચોઇસ ફિલિંગની પ્રક્રિયા લંબાવવામાં આવી હતી. આજે ચોઇસ ફિલિંગની કાર્યવાહી પૂર્ણ થઇ ચુકી છે. પ્રવેશ સમિતિ દ્વારા અગાઉ જાહેર કરાયેલા મેરિટલીસ્ટમાં ૨૧૨૫૯ વિદ્યાર્થીઓનો સમાવેશ કરાયો હતો. આ તમામ વિદ્યાર્થીઓને ચોઇસ ફિલિંગ કરવાનુ કહ્યુ હતુ. જે પૈકી માત્ર ૨૦૦૭૯ વિદ્યાર્થીઓએ ચોઇસ ફિલિંગ કરી છે. પ્રવેશ સમિતિના સભ્યો કહે છે કે હાલમાં મેડિકલમાં અંદાજે ૫ હજાર બેઠકો ઉપલબ્ધ છે. આજ રીતે ડેન્ટલમાં ૧૧૫૫, આયુર્વેદમાં ૧૭૨૦ અને હોમિયોપેથીમાં ૩૩૮૦ ઉપરાંત નેચરોપથીમાં ૩૦ બેઠકો મળીને 6285 બેઠક ઉપલબ્ધ છે. હાલમાં આયુર્વેદની પાંચ કોલેજોની અંદોજ ૩૦૦ બેઠકો અને હોમિયોપેથીની ૭ કોલેજોની અંદાજે ૭૦૦ બેઠકોનો મંજુરી મળી નથી. જો પ્રવેશ પ્રક્રિયા શરૂ થાય તે પહેલા આ બેઠકોનો મંજુરી મળે તો તેને પ્રવેશ પ્રક્રિયામાં સામેલ કરવામાં આવશે.
ચોઇસ ફિલિંગની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ હાલમાં પ્રવેશ સમિતિ દ્વારા એલોટમેન્ટ એટલે કે કોલેજની ફાળવણી અંગે કોઇ સ્પષ્ટતાં કરવામાં આવી નથી. પ્રવેશ સમિતિના સભ્યો કહે છે હાલમાં ઇડબલ્યુએસ કેટેગરીની બેઠકો અંગે કોઇ સ્પષ્ટતાં થઇ નથી. રાજય સરકાર દ્વારા હાલમાં ઇડબલ્યુએસ કેટેગરીમાં આપવામાં આવેલી ૨૦ બેઠકો વધારીને ૨૮ કરવા માટે માંગણી કરવામાં આવી છે. હજુસુધી કેન્દ્ર સરકાર અને એમસીઆઇ દ્વારા આ અંગે કોઇ જવાબ આપવામાં આવ્યો નથી. આ જવાબ આવ્યા પછી પ્રવેશ સમિતિ દ્વારા વિદ્યાર્થીઓને કોલેજ ફાળવણી અંગેની કામગીરી કરવાનુ નક્કી કરાયુ છે.