આવનારા વર્ષોમાં અમદાવાદ કરતા ગ્રીન સિટી ગાંધીનગરમાં વધુ ગરમીનો અહેસાસ થશે

ગાંધીનગર,તા.03

ગુજરાત સરકારનો જ્યાંથી વહીવટ થાય છે તે પાટનગર ગાંધીનગરનું તાપમાન આવનારા બે વર્ષમાં 45 થી 48 ડીગ્રી સેન્ટીગ્રેડ સુધી પહોંચી શકે છે તેવું હવામાન વિભાગના અધિકારીએ જણાવ્યું છે. તેમના મતે ગાંધીનગરમાં આવનારા દિવસોમાં અમદાવાદ કરતાં વધુ ગરમીનો અહેસાસ થશે.

ગુજરાતનું પાટનગર ગાંધીનગર ઉનાળામાં ભઠ્ઠીમાં શેકાઇ રહ્યું છે. ભારત સરકારે 2012માં પાટનગરને ગ્રીનસિટીનો દરજ્જો આપ્યો હતો પરંતુ આજે છ વર્ષ પછી સ્થિતિ બદલાઇ છે. ઉનાળામાં અમદાવાદથી બે ડીગ્રી ઓછું અને શિયાળામાં બે ડીગ્રી વધુ તાપમાન ધરાવતું ગાંધીનગર હવે અમદાવાદ કરતાં વધુ ગરમ બની રહ્યું છે. 54 ટકા ગ્રીનકવર ધરાવતું પોલિટીકલ સિટી હવે તેનો ચાર્મ ખોઇ રહ્યું છે. વાહનોની ભીડ, વૃક્ષોની ઘટતી સંખ્યા, સિમેન્ટ અને કોંક્રીટના જંગલો તેમજ અન્ય પર્યાવરણિય સમસ્યાઓને કારણે ગાંધીનગર હોટ બનતું જાય છે. ગાંધીનગરમાં વૃક્ષો ઉગાડવા માટે જમીન ઉપલબ્ધ છે પરંતુ માર્ગ-મકાન વિભાગે વૃક્ષોના જનત માટે ગાંધીનગરમાં વન વિભાગને જમીન આપવાનું બંધ કર્યું છે. વળી ગાંધીનગરની વસતી વધતાં વાહનોની સંખ્યામાં પણ વધારો થયો છે જેથી હવાનું પ્રદૂષણ વધી રહ્યું છે.

દર ઉનાળામાં અમદાવાદ કરતા તાપમાન ઓછુ નોંધાતુ

હવામાન વિભાગના નિષ્ણાંતે કહ્યું હતું કે ગાંધીનગર એ ગુજરાતનું ગ્રીનકવર ધરાવતું શહેર છે પરંતુ હવામાનમાં થયેલા ફેરફાર અને ખેતરો તૂટીને સિમેન્ટ-કોંક્રિટના જંગલો ઉભા થતાં ગાંધીનગરનું તાપમાન વધી રહ્યું છે. એક સમય હતો જ્યારે ગાંધીનગરમાં શિયાળામાં ઠંડી પડતી હતી ત્યારે તે અમદાવાદની સરખામણીએ બે ડીગ્રી વધુ જોવા મળતી હતી. ઉનાળામાં અમદાવાદ કરતાં ગાંધીનગરમાં બે થી ચાર ડીગ્રી તાપમાન ઓછું નોંધાતું હતું. આ વખતના ઉનાળામાં અમદાવાદમાં 42 ડીગ્રી ગરમી નોંધાઇ છે ત્યારે ગાંધીનગરમાં 43.5 ડીગ્રી ગરમી પડી હતી. અમદાવાદમાં 41 ડીગ્રી તાપમાન હોય તો ગાંધીનગરમાં 43 ડીગ્રી જોવા મળ્યું છે. આમ કેમ થયું છે. શું ગાંધીનગરે ગ્રીનકવર ગુમાવી દીધું છે. શું ગાંધીનગરમાં વૃક્ષોની સંખ્યા ઓછી થઇ ગઇ છે. આ સવાલોનો જવાબ સીધો આપી શકાય તેમ નથી, કારણ કે ગાંધીનગરમાં જેટલા વૃક્ષો કપાયા છે તેનાથી બમણાં વાવવામાં આવ્યા છે. આજે પણ દેશના નકશામાં ગાંધીનગરમાં ગ્રીનકવર યથાવત છે.

શું થયું કે ગાંધીનગર આટલી બઘી ગરમી સહન કરે છે?

હવામાનના નિષ્ણાંત કહે છે કે, આ સમસ્યા આભની છે. ઉપર બંધાઇ રહેલા પડના હવામાનમાં ફેરફાર થતાં તેનું રિફલેક્શન આવી રહ્યું છે. એક બાબત નોંધનીય એવી છે કે ગાંધીનગરમાં માર્ગો મોટા થયા છે. નવા બાંધકામો થયાં છે અને ગ્રીનરી ઓછી થઇ છે. એરકન્ડીશન્ડ મશીનો 24 કલાક ચાલી રહ્યાં છે. ઘર કે ઓફિસના બાંધકામમાં હવે કાચનો ઉપયોગ વધ્યો છે. સાબરમતી નદીમાં પાણી નથી. વાહનોની સંખ્યા અને તેની રફતાર વધી છે. આ બઘાં કારણોથી ગરમીનો પારો ઉંચો જઇ રહ્યો છે. કહેવાય છે કે ગાંધીનગરમાં છેલ્લા ચાર વર્ષમાં બે લાખ વૃક્ષો કાપવામાં આવ્યા છે. ખેતરોની જગ્યાએ રિયલ એસ્ટેટની સ્કીમો બની છે.

વસતી વધતા વૃક્ષોની ગીચતા ઓછી

‘સ્ટેટસ  ઓફ ટ્રી કવર ઓફ  ગુજરાત અર્બન એરીયા’ માં ગુજરાત વન વિભાગ દ્વારા દર્શાવવામાં આવેલા આંકડાઓ પ્રમાણે ગુજરાતની તમામ મહાનગરપાલિકાઓમાં ગાંધીગનર મહાનગરપાલિકા સૌથી સમૃધ્ધ હોવાનું સામે આવ્યુ છે. ગુજરાતની આ 8 મહાનગરપાલિકાનાં કાર્યક્ષેત્રમાં આવતા વિસ્તારમાં વૃક્ષોની સંખ્યા 33,00,975 હોવાનું નોંધાયુ છે. જેમાં ગાંધીનગર મહાનગરપાલિકાનાં  વિસ્તારમાં સૌથી વધુ 8.66 લાખ જેટલા વૃક્ષો લહેરાઇ રહ્યા છે. ગાંધીનગર મહાનગર પાલિકામાં લીંમડો, ગોરાડ, આસોપાલ, ગાંડો બાવળ, દેશી બાવળ તથા ગરમાળા સહિત વિવિધ જાતિનાં વૃક્ષો જોવા મળે છે. જેમાં સૌથી વધુ સંખ્યા લીમડાની 1.42 લાખ, આસોપાલવ, 70 હજાર, કણજી 41 હજાર તથા દેશી બાવળની સંખ્યા 40 હજાર છે. રાજયનાં શહેરી વિકાસ સતા મંડળ હેઠળ આવતા વિસ્તારોમાં પણ ગાંધીનગર શહેરી વિકાસ  સતા મંડળ (ગુડા)નાં ગામો સૌથી હરીયાણા હોવાનું છે. ગાંધીનગરનાં 39 ગામોમાં ગણતરી મુજબ 38,800 હેકટર વિસ્તારમાં વૃક્ષોની સંખ્યા 22,60,100 નોંધાઇ હતી. સરકારી દસ્તાવેજમાં નોંધાયું હતું કે ગાંધીનગરમાં 1970-80ના દસકામાં વસતીની સરખામણીએ આઠ થી દસ ગણા વૃક્ષો હતા. આજે એવી સ્થિતિ કલ્પી શકાય તેવી નથી, કારણ કે વસતી વધતાં વૃક્ષોની ગીચતા ઓછી થતી જોવા મળી છે, આમ છતાં સરકારના પ્રયાસ રહે છે કે વૃક્ષોની ગીચતાનું પ્રમાણ વધે.

એક કપાયેલ વૃક્ષ સામે દસ વૃક્ષ ઉગાડવામાં આવે

વન વિભાગના એક નિવૃત્ત અધિકારી સુથારે કહ્યું હતું કે ગાંધીનગરમાં વ્યક્તિ પ્રમાણે વૃક્ષ વાવવાની અને એક કપાયેલા વૃક્ષની સામે 10 વૃક્ષ ઉગાડવાની સિસ્ટમ ફરજીયાત બનાવવી જોઇએ. શહેરના માર્ગો પર ડામરના થર લગાવવામાં આવે છે પરંતુ તેની જગ્યાએ સિમેન્ટના માર્ગો બનાવવામાં આવે તો 1 ડીગ્રી ગરમીમાં ઘટાડો થઇ શકે છે. સરકારી કચેરીઓમાં એરકન્ડીશન્ડનો ઉપયોગ ઓછો કરી આઠ કલાક પૈકી પાંચ કલાક સુધી પંખા ચલાવવા જોઇએ. જો તેમ થશે તો ગાંધીનગરમાં ગરમીના પ્રમાણને અટકાવી શકાશે.