અમદાવાદ, તા. 26
કેન્દ્ર સરકારના નેતૃત્વમાં દેશમાં પાંચ વર્ષમાં અર્બન ડેવલપમેન્ટના જે અપ્રતિમ વિકાસ કામો થયા છે તેની વિશ્વ આખાએ નોંધ લેવી પડે તેમ છે. અમદાવાદ મહાનગર સહિત સમગ્ર ગુજરાતમાં શહેરી વિકાસ કામોને નવી ગતિ મળી હોવાનું કેન્દ્રીય ગૃહપ્રધાને જણાવ્યું હતું.
ઘરના ઘરનું ઉજાસ પર્વ બનાવ્યું
કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે અમદાવાદ મહાનગરપાલિકા અને ઔડાના 800 કરોડના વિવિધ વિકાસ કામોના લોકાર્પણ, ભૂમિપૂજન અને આવાસ ફાળવણી ડ્રો કરતા સ્પષ્ટ પણે કહ્યું કે, દિપાવલીના ઉજાસ પર્વને 4439થી વધુ પરિવારો માટે ઘરના ઘરનું ઉજાસ પર્વ બનાવવા માટે મહાપાલિકાને અભિનંદન પાઠવ્યા હતા.
ગૃહપ્રધાને ગાંધીનગર મત વિસ્તારને વિકાસ કામો થકી દેશના તમામ લોકસભા મત ક્ષેત્રોમાં ઉત્તમ સંસદીય વિસ્તાર બનાવવાની નેમ વ્યક્ત કરતા કહ્યું કે, વડાપ્રધાને દેશની આઝાદીના 75 વર્ષ પૂરા થાય તે પહેલાં દેશમાં સૌને મકાન સહિતની પાયાની સુવિધાઓ આપવાનું અભિયાન છેડ્યું છે. 3 કરોડ લોકોને રહેવાના પાકા મકાનો આપ્યા છે એટલું જ નહિ વીજળી, શૌચાલય, ગેસ કનેક્શન, આયુષ્યમાન ભારતના આરોગ્ય કાર્ડ આપીને પાયાની સગવડો પહોંચાડી છે. હવે ઘરે ઘરે નળથી પાણી પહોંચાડવાનો સંકલ્પ પણ સાકાર થવાનો છે.
કયા કામોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ થયા
- વડાપ્રધાન આવાસ યોજના અંતર્ગત EWS ફેઝ 5માં બનાવેલા 4439 આવાસોનો ડ્રો, દહેગામ ખાતેનાં 364 આવાસોના ડ્રો તથા ફેઝ 3માં બનાવેલા 1260 આવાસોનું લોકાર્પણ
- ચાંદલોડિયામાં નવનિર્મિત મલ્ટી લેવલ પાર્કિંગ અને ઓફિસનું લોકાર્પણ તથા અર્બન હેલ્થ સેન્ટરનું ખાતમુહૂર્.
- અંજલિ જંક્શન પરના ફોર લેન ઓવરબ્રિજનું તથા પૂર્વ વિસ્તારના ચિલ્ડ્રના પાર્કનું લોકાર્પણ
- બોપલમાં લાયબ્રેરી તથા વોટર સપ્લાય પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત
- એસ.પી. રિંગરોડ સાયન્સ સીટી જંક્શન પરના થ્રી લેયર બ્રિજ તથા ઝૂંડાલ જંક્શન પરના ઓવરબ્રિજનું ખાતમુહૂર્ત
વિકાસયાત્રા વર્ષોથી વણથંભી ચાલી છે
આ પ્રસંગે મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ જણાવ્યું કે, રૂ 800 કરોડથી વધુના વિકાસ કામોના ખાતમુહૂર્ત લોકાર્પણ કેન્દ્રીય ગૃહપ્રધાનના હસ્તે રહ્યા છે તે આપણા સૌ ગુજરાતીઓ માટે આનંદની વાત છે. ગુજરાત અને ગુજરાતના વિવિધ શહેરોની વિકાસયાત્રા વર્ષોથી વણથંભી ચાલી છે. ગુજરાતમાં વિકાસના કામો ઠેરઠેર થયા છે અને થઈ રહ્યા છે. આજે વિશ્વના આધુનિક શહેરોમાં ગુજરાતના શહેરોની ગણના થઇ રહી છે. વિશ્વના મોસ્ટ ગ્રોઈંગ સિટીમાં આપણા મુખ્ય શહેરોનો સમાવેશ થયો છે. સરકાર દ્વારા સીટીની ટ્રાફિક સમસ્યા, પર્યાવરણ વગેરે બાબતોને ધ્યાનમાં રાખી રહેવા લાયક અને માણવાલાયક નગરોના નિર્માણ થાય સાથે જ શહેરનો પુરાતન વારસો જળવાય, શહેરનો હેરિટેજ દરજ્જો જળવાય તે રીતે કામ થઈ રહ્યું છે.