આશ્રમમાં આવતાં અતિથિ

દક્ષિણ આફ્રિકામાં વિજય મેળવીને 1914માં ગાંધીજી ભારત આવ્યા ત્યારે તેઓ રવિન્દ્રનાથ ઠાકુરે પરિવાર સાથે રહેવા માટે શાંતિની કેતનમાં આમંત્રણ આપ્યું હતું. ગાંધીજી ત્યાં રહ્યાં હતા. ભારતમાં પગ મૂકતાં જ તેમને દેશના નેતા તરીકે લોકોએ માન્યતા આપી દીધી હતી. પછી નાગપુરમાં મળેલાં કોંગ્રેસના અધિવેશન પછી તેઓ સત્યાગ્રહની લડતના સર્વોચ્ચ નેતા ગણાયા હતા. તેથી સાબરમતી આશ્રમમાં ભારતના મોટામોટા માણસો આવતાં હતા. તનસુખ ભટ્ટ દ્વારા આશ્રમમાં આવતાં મહેમાનો અંગે લખ્યું છે તે આશ્રમનું તે સમયે કેવું વાતાવરણ હતું અને કેવા મહેમોનો આવતાં હતા તેનો ખ્યાલ આવે છે.

લાલા લજપતરાય

અંગ્રેજ સરકારે તેમને અમેરિકામાં દેશપાર કરેલાં હતા. તે સજા રદ થઈ તેથી તેઓ ભારતમાં આવ્યા અને તુરંત ગાંધીજીને મળવા માટે સત્યાગ્રહ આશ્રમમાં આવ્યા હતા. તેમને છાત્રાલયની આપ્પાસાહેબની ઓરડીમાં ગાદીતકિયએ બેસાડવામાં આવ્યા હતા. બધા વિદ્યાર્થીઓ તેમને મળવા માટે લાઈન બંધ જતાં હતા.

રવીન્દ્રનાથ ઠાકુર

1920માં ગુજરાતી સાહિત્ય પરિષદ મળી ત્યારે રવિન્દ્રનાથ ટાગોર અમદાવાદ આવ્યા અને રાત આશ્રમમાં રોકાયા હતા. અઠવાડિયા પહેલાથી તેમના સ્વાગતની તૈયારી ચાલુ હતી. આશ્રમના દરવાજે કમાનો અને લીલા પાનના તોરણ બાંધવામાં આવ્યા હતા. તેઓ મોટરમાં આવ્યા અને તેમને સીધા હૃદય કુંજમાં લઈ જવામાં આવ્યા હતા. ત્યાં શણગારેલા બાજોઠ પર બેસાડવામાં આવ્યા હતા. રંગોળી સાથીયા પુરાયા હતા. બીજા દિવસે તેઓ શાહીબાગમાં શેઠ અંબાલાલ સારાભાઈના બાગમાં વ્યાખ્યાન આપવા ગયા હતા. શાંતીનીકેતન આશ્રમ આર્થિક રીતે મુશ્કેલીમાં આવી પડ્યો ત્યારે ગાંધીજીએ ઠાકુરને મોટી રકમ આપી હતી અને આશ્રમને બંધ થતો બચાવી લીધો હતો. ઠાકુરના મોટા ભાઈ બડોદાદા આશ્રમમાં આવેલાં હતા. ગાંધીજીએ તેમને થોડા મહિના આશ્રમમાં જ રોકી રાખ્યા હતા. આ રીતે અનેક લોકો અહીં આવતાં હતા.

ડો.પ્રાણજીવન મહેતા

ગાંધીજી બેરીસ્ટર બનવા માટે ઈગ્લેન્ડ ગયા ત્યારે ત્યાં પ્રાણજીવન મહેતાએ તેમનું સ્વાગત કર્યું હતું. તેઓ તબીબ હતા. તેઓ આશ્રમમાં આવ્યા ત્યારે બધા વિદ્યાર્થીઓની પરેડ કરીને તેમનું આરોગ્ય તપાસ્યું હતું. ગરીબ લોકોનો ખોરાક કેવો હોવો જોઈએ એ અંગે ગાંધીજીએ તેમને પૂછ્યું ત્યારે ગોળ અને રોટલી ખાવાનું તેમણે કહ્યું હતું. આશ્રમના બાળકોનું આરોગ્ય સુધારવા માટે સવારમાં ગોળ અને રોટલી ખાવાની આ ડોક્ટરે સલાહ આપી એટલે આશ્રમમાં કાયમ રોટલી અને ગોળ સવારે આપવાનું શરૂ કરાયું હતું. પછી સમગ્ર આશ્રમનું રસોડું શરૂ થયું ત્યારે બધા માટે ગોળ આપવાનું શરૂ કરાયું હતું.

ડો.પ્રાણજીવન મહેતા અને ગાંધીજી મળ્યા ત્યારે બન્ને વચ્ચે નક્કી થયું હતું કે ગાંધીજી 1911માં ભારત પહોંચી જાય. ત્યાર પહેલાં દક્ષિણ આફ્રિકામાં વકીલાતની પ્રેક્ટિસ બંધ કરે અને તેમના બહોળા સંયુક્ત પરિવારની આર્થિક જવાબદારી ડો.મહેતા ઉપાડી લે. 1911માં ગાંધીજીએ ફિનિક્સ આશ્રમના ચાલુ ખર્ચ ઉપરાંત બીજા એક હજાર પાઉન્ડની મદદ ડોક્ટર પાસે માગી. જવાબમાં ડોક્ટરે પંદરસો પાઉન્ડનો ચેક મોકલી આપ્યો હતો. ગાંધીજીએ સ્થાપેલા સાબરમતી આશ્રમને દેશના કામને પોતાનું કામ ગણીને મદદ કરી હતી. અમદાવાદમાં આશ્રમ સ્થાપવા માટે જરૂરી તમામ આર્થિક મદદની વ્યવસ્થા કરવાની ડો.મહેતાએ ખાતરી આપી હતી.  1 જુલાઇ, 1917ના રોજ મગનલાલ ગાંધી પરના એક પત્રમાં ગાંધીજીએ લખ્યું હતું, ‘ડોક્ટરસાહેબ દર વર્ષે આપણને બે હજાર રૂપિયા મોકલશે.’ ત્યારે આશ્રમ આટલા રૂપિયામાં ચાલી શકે તેમ હતો. રંગૂનના જાહેર જીવનમાં મોખરાનું સ્થાન ધરાવતા મહેતાએ ભારતના લોકો પાસેથી ફાળો ઉઘરાવીને મદદ કરી હતી.

આશ્રમના અતિથિઓ

દાક્તર પ્રાણજીવનદાસ મહેતા, લાલા લજપતરાય, કવિવર રવીન્દ્રનાથ ઠાકુર, કવયિત્રી સરલાદેવી ચૌધરાણી, રીચાર્ડ ગ્રેગ (ગાંધીજીના સંદેશને અમેરિકામાં ફેલાવનાર), અંગ્રેજ રેજીનાલ્ડ રેનાલ્ડ, સી.એફ. એન્ડ્રુઝ, પરાગજી ખંડુભાઈ દેસાઈ (દક્ષિણ આફ્રિકાના સાથી), યાકુબ હુસેન (મુસલમાન નેતા), ખુશાલચંદ ગાંધી, રળિયાતબહેન (ગાંધીજીના વિધવા બહેન), ગિજુભાઈ બધેકા, આનંદશંકર ધ્રુવ, વગેરે હતા.

હૃદય કૂંજમાં જ એક ખંડ અતિથિ માટે અલગ રાખવામાં આવ્યો હતો. વળી નંદિની નામું વાળ અતિથિ ગૃહ પણ હતું. જેમાં દેશભરના લોકો રહેતાં હતા. આજે તે બંધ હાલતમાં છે. પણ એક સમયે અહીં દેશના મહાન નેતાઓ આવીને રહ્યાં હતા.

ગાંધીજી પોતે દેશના મહેમાન

ગાંધીજી આશ્રમ બહાર જ રહ્યાં હતા. તેઓ આશ્રમકાળના કુલ 5040 દિવસ માંથી માત્ર 1520 દિવસ જ આશ્રમમાં રહ્યાં હતા. આમ તેમનો પ્રવાસ સમગ્ર દેશમાં રહેતો હતો. વર્ષ 1917થી 1930 દરમિયાન મહાત્મા ગાંધી સાબરમતી આશ્રમમાં કુલ 1520 દિવસ જેટલું રોકાયા હતા. ગાંધીજી આશ્રમમાં દરેક વર્ષ દીઠ કેટલાં દિવસ રોકાયા હતા તેની વિગતો ચંદુલાલ ભગુભાઈ દલાદે તૈયાર કરી હતી અને તે સમયના મુખ્ય પ્રધાન ચિમનભાઈ પટેલે પ્રસિદ્ધ કરાવી હતી. જેની વર્ષ પ્રમાણેની માહિતી આ પ્રમાણે છે.

વર્ષ દિવસો
1917 35
1918 168
1919 90
1920 94
1921 89
1922 30
1923 સમગ્ર વર્ષ
1924 108
1925 65
1926 327
1927 11
1928 307
1929 128
1930 68