ઈડરમાં ખાનગી શાળા છોડી 46 છાત્રોએ સુરપુરની સરકારી શાળામાં પ્રવેશ લીધો

હિંમતનગર, તા.૧૯
ઇડર તાલુકાનુ મોમીન બહૂલતા ધરાવતા સુરપુર ગામની શાળામાં અમીર ગરીબ અને ધર્મના ભેદભાવ વગર ઉચ્ચ ગુણવત્તા વાળુ શિક્ષણ ઉપલબ્ધ કરાવાઇ રહ્યુ હોવાથી ચાલુ શૈક્ષણિક વર્ષમાં ખાનગી શાળાં અભ્યાસ કરતા 46 વિદ્યાર્થીઓએ સુરપુર ગામની સરકારી શાળામાં પ્રવેશ લીધો છે. શાળાનુ મકાન અને રાચરચીલુ તથા સુવિધાઓ જોતા સરકારી શાળા આવી પણ હોઇ શકેનો પ્રથમ નજરે જ અનુભવ થાય છે. શાળામાં કુલ 249 બાળકો છે અને 8 શિક્ષકો છે, શિક્ષકો અને બાળકોએ સુંદર બગીચો બનાવ્યો છે, શાળામાં ક્યાંક કચરો કે ગંદકી જોવા મળતી નથી. બાળકોને શિક્ષણની સાથે સાથે સ્વચ્છતા અને પર્યાવરણનુ મહત્વનું જ્ઞાન અપાય છે, બાળકોને પીવાનુ શુધ્ધ અને ઠંડુ પાણી મળે તે માટે કૂલર સાથે RO પ્લાન્ટ પણ છે.

ગામના સરપંચ કનીજ ફાતેમાએ જણાવ્યુ કે બાળકોના વિકાસની સાથે સામાજીક સમરસતા વધે તેના પર ધ્યાન કેન્દ્રીત થાય છે. માત્ર પુસ્તકીયા જ્ઞાનથી સીમીત ન રહી જાય તે માટે સમાચાર, સુવિચાર, જાણવા જેવુ, મહાપુરુષોના પુસ્તકોની સમીક્ષા જેવી વિવિધ પ્રવૃત્તીઓની પ્રાર્થના બાદ શરૂઆત થાય છે. બાળકોમાં આત્મ વિશ્વાસ કેળવાય અને આંતરીક શક્તિઓ બહાર આવે તેવો પ્રયાસ થાય છે. શિક્ષણનું સ્તર ઉંચુ લાવવા સતત પ્રયત્નશીલ રહી જરૂરીયાત મંદ બાળકોને યુનીફોર્મ સ્ટેશનરી ઉપલબ્ધ કરાવે છે.

શાળાના આચાર્ય કકુસિંહે જણાવ્યુ કે ગામની આજુબાજુમાં ચાર મોટી ખાનગી શાળાઓ છે. અંગ્રેજી માધ્યમ છોડીને પણ બાળકો આવ્યા છે. પ્રજ્ઞા વર્ગ પણ ચલાવાય છે જ્યાં શિક્ષક સાતથી આઠ બાળકોનુ ગૃપ બનાવી તેમની સાથે બેસીને શિક્ષણ આપે છે. બાળકોમાં રાષ્ટ્ર ભક્તિનું સિંચન થાય તે હેતૂસર 7 મી માર્ચે પુલવામા શહીદ જવાનોની યાદમાં 42 વૃક્ષ વાવી શહીદ વનનુ નિર્માણ કરાયુ હતુ. તેને બાળકોએ પૂરા જતનથી ઉનાળામાં પણ માભોમના રક્ષકોની યાદને મૂરઝાવા દીધી નથી.