ઊંઝા માર્કેટ યાર્ડ બંધ રહેતા રોજમદારોની કફોડી સ્થિતિ

રાધનપુર, તા.૦૪

સરકાર દ્વારા વેપારીઓને એક કરોડ રૂપિયાનો બેન્કમાંથી ઉપાડ કરવો હોય તો તેના ઉપર બે ટકા ટી.ડી.એસ. લગાવવાની જાહેરાત કરાતાં વેપારીઓમાં તેના ઘેરા પ્રત્યાઘાત પડ્‌યા છે. અને ઊંઝા માર્કેટયાર્ડ એસોસિયેશન દ્વારા સરકારના આ પગલાં વિરુદ્ધ તમામ માર્કેટયાર્ડ અચોક્કસ મુદત સુધી બંધ રાખવાનો નિર્ણય કરાતાં રાધનપુરનું માર્કેટયાર્ડ પણ પહેલી સપ્ટેમ્બરથી બંધ રહેવા પામ્યું છે, મંગળવારે ત્રીજા દિવસે માર્કેટયાર્ડ સૂનું-સૂનું લાગતું હતું, વેપારીઓની, ખેડૂતોની કે મજૂરોની કોઈ જ હિલચાલ જોવા મળી નહોતી. માર્કેટયાર્ડ વેપારી એસોસિયેશનના પ્રમુખ લક્ષમણ પટેલના જણાવ્યા મુજબ રાધનપુર માર્કેટયાર્ડમાં કુલ ૧૧૫ પેઢીઓ છે, જે તમામ તા.૧ સપ્ટેમ્બરથી બંધ છે, આ બંધના કારણે માર્કેટયાર્ડમાં રોજેરોજ મજૂરી કરીને પેટિયું રળતા ૮૦૦ જેટલા મજૂરો તેમજ પેઢીઓમાં કામ કરતા ૨૫૦ જેટલા મહેતાઓ હાલમાં બેરોજગાર બની ગયા છે, તેમની પાસે હાલમાં કોઈ જ કામ નથી. આ ઉપરાંત દરરોજ માર્કેટયાર્ડમાં ૭ થી ૮ કરોડનો માલ લઈને ખેડૂતો આવતા હતા, જે સદંતર બંધ  હોવાથી ખેડૂતોની હાલત પણ કફોડી બની જશે, માર્કેટયાર્ડમાં માલ ખરીદનારા કોઈ નહિ મળે તો બહાર સસ્તા ભાવે માલ વેચવા કાઢવો પડે તેવી પરિસ્થિતિનું નિર્માણ થઇ શકે છે.