ગાંધીનગર, તા. 05
રાજ્ય સરકાર દ્વારા મોટા ઉપાડે ખેલો ગુજરાતનું સૂત્ર આપીને મસમોટો ખર્ચ કરીને પ્રતિવર્ષ ખેલ મહાકૂંભનું આયોજન કરવામાં આવે છે. પરંતુ સરકારના જ કેટલાક અધિકારી દ્વારા પોતાના મનમાના નિર્ણય કરીને ગુજરાતના પ્રતિભાશાળી ખેલાડીઓને આગળ વધતા અટકાવવાનો કારસો રચવામાં આવી રહ્યો છે. જેના ભાગરૂપે રાજ્યની વિવિધ રમતો માટેના કોચની સેવાઓ રદ્દ કરી દેવાનો રાતોરાત નિર્ણય લઈને યુવા ખેલાડીઓનું ભાવિ અંધકારમય બનાવી દીધું છે. જોકે સરકાર એવો બચાવ કરી રહી છે કે, ખેલ મહાકૂંભમાં નબળી કામગીરી બદલ તેમની સેવા પૂર્ણ કરવામાં આવી છે.
સ્પોર્ટસ ઓથોરિટી ઓફ ગુજરાતના ડાયરેક્ટરનું જાહેરનામું
ડીએલએસએસ યોજના હેઠળ ફરજ બજાવતા અંદાજે 45 જેટલા કોચ અને ટ્રેનરની સેવા સમાપ્ત કરવામાં આવી હોવાનું એક જાહેરનામું સ્પોર્ટસ ઓથોરિટી ઓફ ગુજરાતના ડાયરેક્ટર દ્વારા 4 નવેમ્બરે જારી કરવામાં આવ્યું છે. ડીએલએસએસ યોજના હેઠળ ફરજ બજાવતા કોચ અને ટ્રેનર તાત્કાલિક અસરથી છુટા કરવાના આદેશ કરાતાં ભારે ખળભળાટ મચી ગયો છે.
રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રધાને કર્યો બચાવ
સ્પોર્ટસ ઓથોરિટી ઓફ ગુજરાતના ડાયરેક્ટરે 45 જેટલા કોચ અને ટ્રેનરની સેવા પૂર્ણ કરવા કરેલા આદેશ મામલે રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રધાન ઈશ્વરસિંહ ઠાકોરભાઈ પટેલનો સંપર્ક સાધતાં તેમણે જણાવ્યું કે, રાજ્ય સરકાર હંમેશા યુવા ખેલાડીઓને પ્રોત્સાહિત કરવા કટિબદ્ધ છે. અને તેના ભાગરૂપે જ રાજ્યમાં યુવાનો દરેક રમતમાં આગળ વધે અને દેશ તેમ જ દુનિયામાં નામ રોશન કરે તે માટે દરેક રમત માટે કોચ અને ટ્રેનરની નિમણૂંક કરવામાં આવે છે. અને રાજ્ય સરકાર પ્રતિ વર્ષ આવા યુવા ખેલાડીઓ માટે ખેલ મહાકૂંભનું પણ આયોજન કરે છે. ત્યારે હાલમાં જ સંપન્ન થયેલા ખેલ મહાકૂંભમાં વિવિધ રમતો જેવી કે એથ્લેટિક્સ, હોકી, ફૂટબોલ, કબડ્ડી, ખો-ખો, જૂડો, આર્ચરી, કૂસ્તી, વોલિબોલ, ફેન્સિંગ અને શૂટિંગ વગેરે જેવી રમતોમાં કોચ અને ટ્રેનરની નબળી કામગીરી હોવાનું જાણવા મળતાં આ તમામની સેવાઓ પૂર્ણ કરવામાં આવી છે. તેઓ ઉમેરે છે કે, સેવાઓ પૂર્ણ કરવાનો મતલબ એ નથી કે તેમને ભવિષ્યમાં ફરી પસંદ ન કરવામાં આવે. પરંતુ તેમને પોતાનું પરફોર્મન્સ સુધારવાનું કહેવામાં આવ્યું છે જેથી આપણા રાજ્યના પ્રતિભાશાળી ખેલાડીઓ વધુ સારી રીતે તૈયાર કરી શકાય.
સેવાઓ પૂર્ણ કરાયેલા કોચની હૈયાવરાળ
સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત ગાંધીનગર દ્વારા કોચ ટ્રેનરને છૂટા કરવાના લેવાયેલા નિર્ણય સામે ભારે અસંતોષ ફેલાયો છે. આ નિર્ણય બાબતે આર્ચરીના કોચ હરીશ રાઠવાનો સંપર્ક સાધતાં તેમણે કહ્યું કે, સ્પોર્ટસ ઓથોરિટી ઓફ ગુજરાત અને રાજ્ય સરકાર દ્વારા જે નિર્ણય લેવામાં આવ્યો છે તે તદ્દન ગેરવાજબી અને તઘલખી છે. સામાન્ય રીતે કોઈપણ વ્યક્તિની સેવા પૂર્ણ કરતાં પહેલાં તેમને નોટીસ આપવી પડે છે, પરંતુ આ કિસ્સામાં એવી કોઈ નોટીસ કોઈપણ કોચ-ટ્રેનરને આપવામાં આવી નથી. અને રાતોરાત આ પ્રકારનો નિર્ણય લઈને કોચ-ટ્રેનર સહિત યુવા પ્રતિભાશાળી ખેલાડીઓનું ભાવિ અંધકારમય બનાવી દીધું છે.
નિમણૂંક રદ્દ થતાં ખળભળાટ મચ્યો
કોચ અને ટ્રેનરને તાત્કાલિક અસરથી છુટા કરવાના આદેશથી ડીએલએસએસમાં અભ્યાસ કરતા બાળકોના ભવિષ્ય સાથે અન્યાય કરાયો હોવાની લાગણી ફેલાઈ છે. બાળકોના વાલીઓ આ નિર્ણયના કારણે બાળકોના ભવિષ્યને લઈને ચિંતિત બન્યા છે અને તેમના મનમાં પણ સરકારના ખેલો ગુજરાત ખેલો ઇન્ડિયાના મોટા દાવા માત્ર પોકળ હોવાનું માની રહ્યા છે. સરકારના આ નિર્ણયને કારણે ગુજરાતભરમાંથી અસંખ્ય બાળકો તેમજ કોચ અને ટ્રેનરના ભવિષ્યને ખૂબ જ માઠી અસર થશે અને આ પ્રકારના નિર્ણય સામે આવનારા દિવસોમાં જન આંદોલન કરવાની પણ તૈયારીઓ કરાઈ હોવાનું જાણવા મળ્યું છે. બાળકોને લઇને જે કોચ અને ટ્રેનર નેશનલ લેવલની રમતોમાં ગયા છે તે લોકોને છૂટા કરી દેશે તો બાળકોનું શું થશે એ મોટો પ્રશ્ન પણ વાલીઓને સતાવી રહ્યો છે.