એક કલાકની પૂછપરછમાં દહિયાએ મહિલાનાં આરોપો ફરી એકવાર નકારી કાઢ્યા

ગાંધીનગર, તા.૨૬

કથિત પ્રેમ પ્રકરણમાં રાજ્ય મહિલા આયોગે આજે સસ્પેન્ડેડ આઈએએસ અધિકારી ગૌરવ દહિયાનું નિવેદન નોંધ્યું હતું. આ નિવેદનમાં દહિયાએ પોતાની ઉપર કરાયેલા તમામ આક્ષેપોને નકારી કાઢ્યા હોવાનું જાણવા મળ્યું છે. આ ઉપરાંત મહિલા આયોગે પણ લગભગ એક કલાક દરમિયાન દહિયાની સાથે વાતચીત કરી હતી અને તેમની ઉલટ તપાસ કરવામાં આવી હતી.

આઈએએસ લોબીમાં ખૂબ જ ચર્ચાસ્પદ બનેલા પ્રેમ પ્રકરણ કેસમાં સસ્પેન્ડેડ આઈએએસ અધિકારી ગૌરવ દહિયા મહિલા આયોગમાં નિવેદન લખાવવા આજે બપોરે પહોંચ્યા હતા. મહિલા આયોગ દ્વારા દિલ્હીની પીડિતાના સંદર્ભે મહિલા આયોગમાં હાજર થવા માટે ગૌરવ દહિયાને બે વાર નોટિસ મોકલાવાઈ હતી, જેના બાદ આખરે આ નોટિસના આધારે ગૌરવ દહિયા મહિલા આયોગમાં હાજર થયા હતા.

સસ્પેન્ડેડ આઈએએસ અધિકારી ગૌરવ દહિયાની મહિલા આયોગમાં પૂછપરછ કરાઈ હતી. આ મામલે મહિલા આયોગના અધ્યક્ષ લીલાબહેન અંકોલિયાએ જણાવ્યું કે, આજે ગૌરવ દહિયાને નોટિસ આપીને બોલાવાયા હતા. પીડિતાની ફરિયાદનો જવાબ લેવા માટે તેમને બોલાવવામાં આવ્યા હતા. ફરિયાદના તમામ પ્રશ્નોના જવાબ દહિયાએ આપ્યા હોવાનું અંકોલિયાએ કહ્યું હતું. તેમણે એમ પણ ઉમેર્યું કે, મહિલા આયોગે તેમને સમજાવ્યા છે. જેટલા પ્રશ્નો હતા તે તમામની ચર્ચા એક કલાક સુધી કરી હતી. હાલ મહિલા આયોગની કાર્યવાહી ચાલુ છે અને બીજી વખત બોલાવવામાં આવશે. બાદમાં બન્નેને સાથે રાખીને આ મામલે ચર્ચા કરવામાં આવશે અને તેના આધારે આખરી અહેવાલ તૈયાર કરવામાં આવશે.

તો બીજી તરફ, સસ્પેન્ડેડ આઈએએસ અધિકારી ગૌરવ દહિયાનો આર્થિક તોડ કરવાનો પ્રયાસ કરાઈ રહ્યો હોવાનો આરોપ તેમનાં વકીલ દ્વારા કરવામાં આવ્યો છે. દહિયાનાં વકીલે જણાવ્યું હતું કે, મહિલા આયોગમાં પણ ગૌરવ દહિયા દ્વારા રજૂઆત કરવામાં આવી કે એક જ કેસની અલગ-અલગ એજન્સીઓ તપાસ ન કરી શકે. દિલ્હીમાં મહિલા આયોગ સમક્ષ રજૂઆત થઈ હોવાથી દિલ્હી મહિલા આયોગ દ્વારા આ કેસની તપાસ થાય તો તેમને કોઈ વાંધો નથી. રાજ્ય સરકારે સસ્પેન્ડ કર્યા છે તેમની સામે અપીલ કરવાના પરિપ્રેક્ષ્યમાં વકીલનો દાવો છે કે, આ મુદ્દા પર ગૌરવ દહિયા પોતે આખરી નિર્ણય લેશે. દહિયાના વકીલે સ્પષ્ટતા કરી કે ગૌરવ દહિયા સામે અલગ અલગ જગ્યાએ કરવામાં આવેલી અરજીઓના કારણે ત્યાં હાજર થવાનું હોવાથી મહિલા આયોગ સમક્ષ હાજર થવામાં મોડું થયું હોવાનું કહ્યું હતું.