ગુજરાતમાંથી ત્રણ આઈપીએસ રૉમાં ફરજ બજાવી ચૂક્યા છે
બંકિમ પટેલ, અમદાવાદ
ઘણા વર્ષો બાદ ગુજરાત પોલીસ વિભાગમાં ફરજ બજાવતા આઈપીએસ અધિકારી રિસર્ચ એન્ડ એનાલીસીસ વીંગ (રૉ)માં જશે અને તે છે એટીએસ એસપી અંતરિપ સુદ. સરકારે વર્ષ 2010ની બેચના અંતરિપ સુદને પ્રતિ નિયુક્તિ પર રૉમાં જવા માટે સરકારે લીલી ઝંડી આપી દીધી છે. બે વર્ષ અગાઉ સિનિયર આઈપીએસ હિમાંશુ શુકલ (એટીએસ ડીઆઈજી)નું નામ રૉમાં ડેપ્યુટેશન માટે ખૂબ ચર્ચામાં હતું.
રૉ શું છે અને તેની કામગીરી કેવી છે તે વિશે તો લગભગ સૌ કોઈ જાણે છે. વર્ષ 1968માં તારીખ 21 સપ્ટેમ્બરના રોજ અસ્તિત્વમાં આવેલી રિસર્ચ એન્ડ એનાલીસીસ વીંગ એટલે રૉ દેશની સર્વોચ્ચ આંતરરાષ્ટ્રીય જાસૂસી સંસ્થા છે. રૉમાં ફરજ બજાવવી કેટકેટલાય અધિકારીઓની મહેચ્છા હોય છે, પરંતુ તે પૂર્ણ થતી નથી. દેશ-વિદેશમાં જેની જાળ પથરાયેલી છે તે જાસૂસી સંસ્થામાં કોણ અને કેટલા અધિકારીઓ ફરજ બજાવે છે તેની જાણકારી ગુપ્ત રાખવામાં આવે છે. ભારતના જેમ્સ બોન્ડનું બિરૂદ પામેલા રામેશ્વનાથ કાવ રૉના પહેલા નિર્દેશક હતા. રામેશ્વરનાથ કાવે અનેક નોંધપાત્ર મિશન પાર પાડ્યા હોવાની વાતો પુસ્તકોમાં વાંચવા મળે છે. રૉ દ્ધારા સંખ્યાબંધ મિશનોને સફળતાપૂર્વક પાર પાડવામાં આવ્યા છે. જેનો ઉલ્લેખ ક્યાંય કરવામાં આવ્યો નથી.
ગુજરાત પોલીસ વિભાગમાંથી ડેપ્યુટેશન પર સીબીઆઈ, બીએસએફ, સીઆરપીએફ, એનએસજી અને એસપીજીમાં તો અનેક અધિકારીઓ જઈ ચૂક્યા છે. ગુજરાતમાંથી રૉમાં ડેપ્યુટેશન પર ગયેલા આઈપીએસ અધિકારીઓમાં આર.આર.વિલિયમ્સ, કુલદીપ શર્મા અને વિપુલ વિજોયનો સમાવેશ થાય છે. ઘણાં વર્ષો બાદ રૉમાં ગુજરાત કેડરના આઈપીએસ અંતરિપ સુદને સ્થાન મળશે. ચાલુ વર્ષે જ રૉ નામની ફિલ્મ રિલીઝ થઈ ચૂકી છે.
હિમાંશુ શુકલને RAWમાં જતા કોણે અટકાવ્યા ?
અંતરિપ સુદની જેમ હિમાંશુ શુકલનું પણ રૉમાં કામ કરવાનું સ્વપ્ન હતું. પ્રતિ નિયુક્તિ પર રૉમાં જવાની મજૂંરી પર કેન્દ્ર સરકારે મહોર મારી દીધી હતી. એક ચર્ચા મુજબ રૂપાણીના નાથ કૈલાસનાથને જ હિમાંશુ શુકલને ડેપ્યુટેશન પર જતા રોક્યા છે. રાજ્ય પોલીસ વિભાગમાં જે.કે.ભટ્ટ (હાલ નિવૃત), આર.બી.બ્રહ્મભટ્ટ અને હિમાંશુ શુકલ ટ્રબલ શૂટરની ભૂમિકા નિભાવતા આવ્યા છે. ચાહે એ પાટીદાર અનામત આંદોલન હો કે ડબલ મર્ડર-લઠ્ઠાકાંડની તપાસ હોય આ અધિકારીઓ હંમેશા સરકારને વફાદાર રહ્યા. જે.કે.ભટ્ટ નિવૃત્ત થતા હોવાથી કૈલાસનાથન હિમાંશુ શુકલને છોડવા માંગતા ન હતા.