ગુજરાતમાં પ્રદૂષણ ફેલાવતા ઉદ્યોગોની વકાલત કરી રહેલા ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન સામે રાજ્યના પર્યાવરણનું જતન કરતી સંસ્થાઓએ બાથ ભિડી છે. એક તરફ ઉદ્યોગોની બનેલી સંસ્થા નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ (એનજીટી)ના આદેશમાં વધુ સમય માંગી રહી છે ત્યારે પર્યાવરણવીદ્દ કહી રહ્યાં છે કે પ્રદૂષણ ફેલાવતા ઉદ્યોગો સામે પગલાં લઇને તેમને દંડ ઉપરાંત બંધ કરવાનો આગ્રહ કર્યો છે.
રાષ્ટ્રીય ગ્રીન ટ્રિબ્યુનલે એક આદેશમાં કહ્યું છે કે ગુજરાતના પ્રદૂષિત ઉદ્યોગો પાસેથી ભારે રકમનો દંડ વસૂલવા અને બંધ કરવા સુધીના પગલાં લેવા કહ્યું છે, ત્યારે બીજી તરફ ઉદ્યોગ જૂથોની બનેલી સંસ્થા ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સે કેન્દ્ર અને રાજ્ય સરકારને પત્ર લખી આદેશનો સમય લંબાવી આપવાની માગણી કરી છે. ઉદ્યોગોએ કહ્યું છે કે તેમને વધારે સમય જોઇએ છે પરંતુ પર્યાવરણની સંસ્થા માને છે કે હવે ઉદ્યોગોને વધારે સમય આપવો ઉચિત નથી.
એનજીટીએ ગુજરાતના પાંચ ઉદ્યોગ જૂથોને બંધ કરવાનો આદેશ કર્યો છે કારણ કે તેમણે ગંભીર રૂપથી પ્રદૂષણનું નુકશાન કર્યું છે. હવા અને પાણીના પ્રદૂષણના કારણે શહેરો ઉપરાંત ગામડાઓમાં પણ આરોગ્યના મોટા પ્રશ્નો ઉભા થયા છે. ઉદ્યોગોને તેમના માપદંડો પૂરા કરવા માટે સમય આપવામાં આવ્યો હતો પરંતુ તેમણે તે સમયમાં માપદંડો પૂર્ણ કર્યા નથી તેથી તેવા ઉદ્યોગો સાથે સખ્તાઇથી કામ કરવામાં આવે અથવા તેમને બંધ કરી દેવામાં આવે.
ગુજરાત ચેમ્બરના પ્રેસિડેન્ટ દુર્ગેશ બૂચે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી તેમજ કેન્દ્રીય વન અને પર્યાવરણ મંત્રીને પત્ર લખી જણાવ્યું છે કે એનજીટીના આદેશનું પાલન કરવા સામે ઉદ્યોગોને વધારે સમય નહીં આપવામાં આવે તો રાજ્યને આર્થિક નુકશાન થવાની દહેશત છે. ગુજરાતના ઉદ્યોગો પ્રદૂષણ ઓછું કરવા માટે નવી પ્રણાલિકાઓ અપનાવી રહ્યાં છે. નવા કોમન એફ્લુએન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટના નિર્માણમાં ઉદ્યોગો ભારે માત્રામાં રોકાણ કરી રહ્યાં છે. અમારો અનુરોધ છે કે ઉદ્યોગોને વધારે સમય આપવામાં આવે કે જેથી તેઓ પ્રદૂષણને રોકવાના તમામ ઉપાયો કરી શકે.
અમદાવાદના પ્રદૂષિત ઉદ્યોગો માટે ચેમ્બર ઓફ કોમર્સે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને દોષિત માન્યું છે અને કહ્યું છે કે મહાનગર દોષપૂર્ણ માપદંડોનું પાલન કરવા માટે નિષ્ફળ રહ્યું છે તેથી કોર્પોરેશનને દોષિત માનીને કાર્યવાહી કરવી જોઇએ. ઉદ્યોગોનો દોષિત ગણવા ઉચિત નથી. વાપી ઇન્ડસ્ટ્રીઝના યોગેશ કબાડીએ પણ કહ્યું હતું કે કાર્બન મોનોકસાઇડનું પ્રદૂષણ મુખ્યત્વે વાહનોના ઉત્સર્જનથી થાય છે જ્યારે ફોસ્ફરસનું પ્રદૂષણ ઘરેલું કચરાના કારણે થતું હોય છે. માપદંડોનું પાલન નહીં કરનારા આવા લોકો સામે પગલાં લેવા જોઇએ, ઉદ્યોગો સામે નહીં, કારણ કે ઉદ્યોગો આ પ્રકારનું પ્રદૂષણ કરતા નથી.
જો કે પર્યાવરણ કાર્યકર્તા રોહિત પ્રજાપતિ કહે છે કે ઉદ્યોગોને 22મી ફેબ્રુઆરી 2017ના સુપ્રીમ કોર્ટના ફેસલાનું પાલન કરવાનું કહેવામાં આવ્યું છે. ઉદ્યોગોને ખૂબ સમય આપ્યો છે પરંતુ તેઓ નિર્ધારિત સમયમાં માપદંડોનું અનુસરણ કરી રહ્યાં નથી. પ્રદૂષણના માપદંડોનું પાલન નહીં કરનારા તમામ ઉદ્યોગોને દંડિત કરવા જોઇએ. કાયદા પ્રમાણે તેમના માલિકો સામે પગલાં લઇને ઇન્ડસ્ટ્રીઝને બંધ કરવી જોઇએ. એનજીટી એ જે આદેશ કર્યો છે તે યોગ્ય છે તેથી તેમાં વધારે સમય આપવો ઉચિત નથી.
તેમણે કહ્યું હતું કે અમદાવાદ અને વાપીના ઉદ્યોગોએ એટલી માત્રામાં પ્રદૂષણ કર્યું છે કે લોકોના આરોગ્ય સામે ખતરો તોળાઇ રહ્યો છે. ગુજરાતમાં પ્રદૂષણની વાસ્તવિકતા એ કોઇપણ ડેટાના આધારે માપી શકાય તેવી નથી, કેમ કે વાસ્તિવિક રીતે પ્રદૂષણની પરિસ્થિતિ ગંભીર અને બદતર છે. જો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પણ દોષિત હોય તો તેના અધિકારીઓ તેમજ પદાધિકારીઓ સામે પણ પગલાં લેવા જોઇએ.