એલ.ડી. અને વિશ્વકર્મા ઇજનેરી કોલેજોમાં આજથી એનબીએના ઇન્સ્પેક્શન બાદ એક માસમાં અહેવાલ આપશે

અમદાવાદ, તા.૧૯  રાજયમાં આવતીકાલથી એલ.ડી.ઇજનેરી અને વિશ્વકર્મા ઇજનેરી કોલેજમાં નેશનલ બોર્ડ ઓફ એક્રેડીટેશનની ટીમ ઇન્સ્પેક્શન કરવા માટે આવશે. આવતીકાલ તા.૨૦મીથી લઇને ૨૨મીએ સાંજ સુધી ઇન્સ્પેક્શન કર્યા બાદ ટીમ પોતાનો અહેવાલ એનબીએને સુપ્રત કરશે. જેના આધારે એક માસથી લઇને ત્રણ માસ સુધીમાં જોડાણ આપવા અંગેની સત્તાવાર જાહેરાત કરવામાં આવશે.

ઓલ ઇન્ડિયા કાઉન્સિલ ઓફ ટેકનિકલ એજ્યુકેશન દ્વારા દરેક કોલેજોને ફરજિયાત એનબીએનુ જોડાણ વહેલીતકે મેળવી લેવા સૂચના આપવામાં આવી છે. જેના આધારે રાજય સરકારે પણ દરેક કોલેજોને ૨૦૨૨ સુધીમાં એનબીએનુ ઇન્સ્પેક્શન કરાવીને જોડાણ મેળવી લેવા સૂચનાઓ આપવામાં આવી છે.રાજયમાં સૌથી મોટી ગણાતી એલ.ડી.ઇજનેરી કોલેજ દ્વારા પોતાની ત્રણ બેઝીક બ્રાન્ચ સિવિલ, ઇલેક્ટ્રિક અને મિકેનિકલમાં ઇન્સ્પેક્શન માટે દરખાસ્ત કરી હતી. જેના અનુસંધાનમાં આવતીકાલથી સળંગ ત્રણ દિવસ માટે નેશનલ બોર્ડ ઓફ એક્ઝામીનેશનની ટીમ તપાસ માટે આવશે. આ અંગે કોલેજના પ્રિન્સિપાલ જી.પી. વડોદરિયા કહે છે કે, ઇન્સ્પેક્શન માટે પેરા મીટર્સ જરૂરી છે. તેની પૂર્તિ કરી દેવામાં આવી છે. આ ત્રણ બ્રાન્ચોમાં અધ્યાપકોથી ભરતીથી લઇને લેબોરેટરી સુધીમા તમામ વસ્તુ કે જે એનબીએના ઇન્સ્પેક્શન માટે જરૂરી છે તે પૂર્ણ કરી દેવામાં આવ્યા છે. એનબીએની ટીમ જુદા જુદા ત્રણ ડીપાર્ટમેન્ટની તપાસ કરશે. એલ.ડી.ઇજનેરી કોલેજની સાથે સાથે વિશ્વકર્મા ઇજનેરી કોલેજ દ્વારા પણ એનબીએ માટે દરખાસ્ત કરવામાં આવી હોવાથી આ કોલેજનું ઇન્સ્પેક્શન પણ સાથે સાથે કરવામાં આવશે. આવતીકાલથી ગુજરાતમાં એનબીએની ટીમ ઇન્સ્પેક્શન માટે ધામા નાંખશે. આગામી એક માસમાં કયા ડીપાર્ટમેન્ટને જોડાણ આપવામાં આવશે તેની સત્તાવાર જાહેરાત પણ કરવામાં આવશે.