એશિયાની સૌથી મોટી બનાસ ડેરી ૨૦૧૮-૧૯ના નાણાકીય વર્ષમાં ૫૭.૮૯ લાખ લીટરનું દૂધ સંપાદન તેમજ રૂ.૯૮૦૮ કરોડનું ટર્નઓવર કરીને વિશ્વની સૌથી મોટી ડેરી બને એવા સંજોગો ઊભા થયા છે. ડેરીના વિકાસ માટે ભાજપના નેતા શંકર ચૌધરીએ અત્યંત મહત્વની ભૂમિકા ભજવી છે.
વૈશ્વિકકક્ષાએ પાઉડરના ભાવમાં ઘટાડો અને સ્થાનિક કક્ષાએ વરસાદની અછત, આમ પશુપાલન ક્ષેત્ર બે તરફના પડકારને જીલી રહ્યું હતુ. છેલ્લા ચાર વર્ષના લાંબાગાળાના આયોજનના ભાગરૂપે નિર્મિત નવા ૩ ડેરી પ્લાન્ટ, ૪ પેકેજીંગ પ્લાન્ટ, ૧૫ ચીલીંગ સ્ટેશન બનાવી દેવમાં આવ્યા છે. બાદરપૂરા ઓઇલ મીલ પ્લાન્ટ અને THR પ્લાન્ટ કાર્યરત થયા છે, બનાસ મેડીકલ કોલેજમાં વિદ્યાર્થીઓએ તબીબી શિક્ષણ લેવાનું શરૂ કરી દીધુ છે. સાધારણ સભા ડેરીના ચેરમેનશ્રી શંકરભાઇ ચૌધરીના અધ્યક્ષસ્થાને મળી હતી.
બનાસ ડેરીએ વિવિધ યોજનાઓ અનવયે પશુપાલકોને રૂ.૧૦૯.૪૮ કરોડની સબસીડી ચુકવી છે. પશુપાલાકોને ૧૧.૧૦ % લેખે ૬૬૭.૭૧ કરોડનો ભાવફેર ચૂકવવાની ઐતિહાસિક જાહેરાત કરી હતી.
ડેરીના ઇન્ચાર્જ મેનેજીન્ગ ડાયરેક્ટર કામરાજ ચૌધરીએ જિલ્લા અને તાલુકાકક્ષાએ દૂધ ભરાવવામાં એકથી ત્રણ નંબરે આવેલા બહેનોને રોકડ ઇનામો તથા રતનપુરા દૂધ મંડળીને આદર્શ દૂધ મંડળી ફરતો શિલ્ડ ઇનામી યોજનાથી નવાજવામાં આવેલો હતો.
ભાવફેરની થઈ જાહેરાત
વિશ્વકક્ષાએ દૂધનાં પાવડરનાં ભાવ અને ઓછા વરસાદનાં પડકારો વચ્ચે પણ ૧૧.૧૦ % નો ઐતિહાસિક ભાવફેર શંકરભાઈએ જાહેર કરીને સૌને દેશનાં ડેરી ઉદ્યોગ ક્ષેત્રે ખળભળાટ મચાવીને સૌને સ્તબ્ધ કરી દીધા હતા, આ અંતર્ગત ભાવફેર હેઠળ સંઘ દ્વારા રૂ. ૬૬૭.૬૧ કરોડની ઐતિહાસિક જાહેરાત કરી હતી.
મંદીમાં જ્યારે અન્ય ડેરીઓને દૂધનું ઉચ્ચ્તમ મૂલ્ય ચુકવવું પણ પડકારજનક લાગતું હતું અને ૧૦૦- ૨૦૦ કરોડ ભાવફેર માંડ આપી શકાય તેવી સ્થિતિ હતી તેવામાં બનાસ ડેરીએ રૂ. ૬૬૭.૬૧ કરોડનાં ભાવફેરની જાહેરાત આપીને સૌને ચોંકાવી દીધા છે.
બનાસ ડેરીની કુલ દૈનિક દૂધ સંપાદન ક્ષમતા ૫૫ લાખ લીટર છે, પણ આ વર્ષે ૫૭.૮૯ લાખ લીટર રહ્યું હતું. દૈનિક સર્વાધિક દૂધ સંપાદન ૬૮.૮૯ લાખ લીટર થયું હતું.
નવા પ્લાંટ
શંકરભાઇએ જણાવ્યું હતુ કે આવનારા સમયમાં બનાસ ડેરી દ્વારા સણાદર ખાતે ૩૦ લાખ લીટરની ક્ષમતા વાળી નવી ડેરી બનાવશે જે પછી ૫૦ લાખ લીટર સુધી લઈ જવાશે. બટાકા-દાડમનાં મૂલ્યવર્ધીત ઉત્પાદોનાં નવા પ્લાન્ટ, દિલ્હી NCR ખાતે ૧૦ લાખ લીટરની ક્ષમતા વાળી નવી ડેરી બનશે. ૧૫૦૦ મેટ્રીક ટનની ક્ષમતાવાળા નવા કેટલ ફીડ પ્લાન્ટનું નિર્માણ, કાતરવા ખાતે હાલની ૧૦૦૦ મેં. ટનની ક્ષમતાવાળા પ્લાન્ટને ક્ષમતા વધારીને ૧૮૦૦ મેં. ટન કરવી, સણાદર ખાતે ૨૦ ટનની ક્ષમતાવાળા નવા માવાનાં પ્લાન્ટનું નિર્માણ, પ્રતિ કલાક ૩૦૦૦૦ બોટલ ફ્લેવર્ડ મિલ્ક પેટ બોટલ નું ઉત્પાદન કરી શકે તેવા નવા પ્લાન્ટનું નિર્માણ, હાલના UHT પ્લાન્ટનું વિસ્તરણ, હાલના ચીઝ પ્લાન્ટનું વિસ્તરણ, મંડળી ખાતે ૧૦૦ % મિલ્ક એડલ્ટરેશન (દૂધમાં ભેળશેળ)ની ચકાસણીનાં મશીનની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવી, ડેરી સબંધિત સેન્ટરની સ્થાપના, દામા સીમેન સેન્ટરનું સશક્તિકરણ, નવા ગોબર ગેસ પ્લાન્ટની સ્થાપના, લખનૌ આઈસ્ક્રીમ પ્લાન્ટનું વિસ્તરણ, ફોર્ટીફાઈડ આટાનાં નવા પ્લાન્ટસ્ ની સ્થાપના, સંપૂર્ણ દૂધ સંપાદન ઠંડા દૂધનું થાય તે માટે ૧૦૦ % ઓનલાઈન ડીજીટલ BMCનું લક્ષ્ય, સૌર્ય ઉર્જાનાં મહત્તમ ઉપયોગ અને મંડળીકક્ષાએ પણ તેના ઉપયોગ-વિસ્તરણની યોજનાઓ, દૂધ મંડળીઓમાં ગ્રામ્યકક્ષાએ જીવન જરૂરી ૧૦૦ જાતની વસ્તુઓ મળી રહે તેવા લક્ષ્ય સાથે રિટેલ મોલની સ્થાપના, પશુ આરોગ્યની ફરિયાદની નોંધણી ઓનલાઈન કરી શકાય તેવી વ્યવસ્થાઓનું નિર્માણ, ખાદ્યતેલ અને તેને સંલગ્ન ખેત પેદાશોનું સ્થાનિકસ્તરે ઉચ્ચ મૂલ્ય મળે તેવા સક્રિય પ્રયાસો, જીલ્લામાં જેની મહત્તમ ખેતી થાય છે તેવા બટાકા અને દાડમનું મૂલ્યવર્ધન કરાશે.
ડેરી દ્વારા બનાસ દાણ, બનાસ પશુ સંજીવની અને બનાસ મીનરલ મિક્ષ્ચરનું નિર્માણ કરવામાં આવતું હતુ. ૨૦૧૪ – ૧૫ બાદ છેલ્લા ત્રણ વર્ષમાં બનાસ ડેરીએ પશુઓના પ્રકાર, ઉંમર અને પોષકતત્વોની જરૂરીયાત અનુસાર બનાસ ગાય દાણ, બનાસ ભેંસ દાણ, બનાસ વિકાસ દાણ, બનાસ સગર્ભા દાણ, બનાસ બચ્ચા દાણ, બનાસ સુપરમિન ચીલેટેડ મીનરલ મિક્ષ્ચર અને બનાસ સુપર ફેટ જેવા વિવિધ દાણનું ઉત્પાદન કરવાનું શરૂં કરેલ છે.
બનાસ દાણનું ઉત્પાદન વધીને હવે ૫.૯૯ લાખ ટન થયું હોવા છતાં પશુપાલકોની માંગને પહોંચી વળવા પ્લાન્ટની ક્ષમતાથી પણ વધુ વિક્રમજનક ઉત્પાદન ૬૦ હજાર ટન દાણ અન્ય સંઘોમાથી પ્રાપ્ત કરવાની ફરજ પડી છે. નાણા ૩૮૧ કરોડથી વધીને ૬૦૨ કરોડ થયા બનાસ ડેરીનું ચાલુ વર્ષે દૈનિક દૂધ સંપાદન નવા રેકોર્ડ ૫૭.૮૯ લાખ લિટર પ્રતિ દિવસ પહોંચ્યુ છે.
ધાનેરાના ધારાસભ્ય નાથા પટેલ, કાંકરેજના ધારાસભ્ય કીર્તિ વાઘેલા, મહેશ પટેલ હાજર હતા. ગુજરાત વેર હાઉસીંગ કોર્પોરેશનના ચેરમેન મગનલાલ માળીએ બનાસ ડેરીને એશીયાની નંબર-૧ ડેરી છે, દુનિયાની નંબર-૧ ડેરી બને તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો.