ઓક્ટોબર એફ એન્ડ ઓ સિરીઝ કોન્ટ્રેક્ટ સિરીઝનો સુસ્ત પ્રારંભ

અમદાવાદ,તા:૨૭

અમેરિકામાં રાજકીય અસ્થિરતા વધવાને લીધે અમેરિકી બજાર  નરમ થઈને બંધ થયા હતા, જેને લીધે એશિયન બજારની સાથે સ્થાનિક શેરબજારમાં ઘટાડો જોવા મળ્યો હતો. ટ્રેડિંગ સેશન દરમ્યાન શેરોમાં વેચવાલીથી સેન્સેક્સ અને નિફ્ટીમાં દબાણ રહ્યું હતું. જોકે સપ્તાહના  અંતિમ ટ્રેડિંગ સેશનમાં ઘટાડો સીમિત રહ્યો હતો. જેથી સેન્સેક્સ 167 પોઇન્ટ તૂટીને 38,822.57ના મથાળે બંધ રહ્યો હતો, જ્યારે નિફ્ટી 59 પોઇન્ટ તૂટીને 11,512.40ના મથાળે બંધ રહ્યો હતો.

અમેરિકામાં રાષ્ટ્રપતિ ટ્રમ્પની સામે એક વ્હિસલ બ્લોઅર રિપોર્ટ જારી થવાને કારણે અમેરિકામાં રાજકીય અનિશ્ચિતતા વધી હતી. જેથી બજારમાં વેચવાલી ફરી વળી હતી. જેથી ઓક્ટોબર એફ એન્ડ ઓ સિરીઝ કોન્ટ્રેક્ટ સિરીઝનો પ્રારંભ સુસ્ત થયો હતો. મેટલ, રિયલ્ટી શેરોમાં ભારે વેચવાલી જોવા મળી હતી. જેથી મેટલ અને રિયલ્ટી ઇન્ડેક્સ અઢી ટકા જેટલા તૂટ્યા હતા. જ્યારે ઓટો અને ફાર્મા ઇન્ડેક્સ દોઢ ટકા જેટલા તૂટ્યા હતા. આ સાથે બેન્ક શેરોની સાથે મિડિયા, એફએમસીજી, આઇટી, પાવર અને ફાઇનાન્સિયલ સર્વિસિસ શેરોમાં વેચવાલી રહી હતી. મિડકેપ અનેસ્મોલકેપ શેરોમાં પણ વેચવાલી થઈ હતી. સાપ્તાહિક રીતે જોઈએ તો સેન્સેક્સ 2.13 ટકા વધ્યો હતો, જ્યારે નિફ્ટી ઇન્ડેક્સ 2.11 ટકા વધ્યો હતો. જ્યારે બેન્ક  નિચી 3.09 ટકા વધ્યો હતો, જ્યારે નિફ્ટી મિડકેપ ઇન્ડેક્સ 0.38 ટકા ઘટ્યો હતો. ડોલર સામે રૂપિયો પણ મજબૂત  હતો.

દેશમાં હવે શ્રાદ્ધ પક્ષ પૂરા થઈ રહ્યા છે અને નવરાત્રિનો તહેવાર શરૂ થવાનૌ છે. આ સાથે દિવાળીનો તહેવાર પણ હવે નજીકમાં છે. આ સાથે  કંપનીઓના અર્ધવાર્ષિક પરિણામો જાહેર થશે. આ ઉપરાંત રિઝર્વ બેન્ક વ્યસ્ત મોસમમાં તેની  ધિરાણ નીતિની સમીક્ષા કરશે. મોટા ભાગના નિષ્ણાતોનું માનવું છે કે રિઝર્વ બેન્ક બજારમાં ચાલી રહેલી મંદીને જોતાં રેપો રેટમાં 0.25 ટકાનો કાપ મૂકે એવી શક્યતા છે.

મુંબઈ શેરબજારના સેન્સેક્સમાં સમાવિષ્ટ 30માંથી 22 શેરોમાં મંદી થઈ હતી અને એનએસઈના નિફ્ટી 50 ઇન્ડેક્સમાં 50માંથી 39 શેરોમાં મંદી થઈ હતી. મુંબઈ શેરબજારમાં 1034 શેરો વધીને બંધ રહ્યા હતા, જ્યારે 1578 શેરો ઘટીને બંધ રહ્યા હતા, જ્યારે નેશનલ સ્ટોક  એક્સચેન્જ પર 759 શેરો વધીને બંધ રહ્યા હતા, જ્યારે 1418 શેરો ઘટીને બંધ રહ્યા હતા. જ્યારે બેન્ક નિફ્ટીના 12એ 7 શેરો ઘટીને સાથે બંધ થયા હતા.

મેટલ શેરોમાં ભારે વેચવાલી

શેરબજારમાં મેટલ શેરોમાં ભારે વેચવાલી થઈ હતી. જેથી નિફ્ટી મેટલ ઇન્ડેક્સ 2.64 ટકા તૂટીને 2,453.95ના મથાળે બંધ રહ્યો હતો. મેટલ શેરોમાં તાતા સ્ટીલ 4.70 ટકા, વેદાંતા લિ. 5.69 ટકા, જેએસડબ્લ્યુ  1.81. ટકા, કોલ ઇન્ડિયા 1.87 ટકા અને જિંદાલ સ્ટીલ 5.74 ટકા ઘટ્યા હતા.

રાઇટ્સ ઇશ્યુનો સમયગાળો ઘટાડીને 31 દિવસ કરાશે

સેબીએ ગુરુવારે કહ્યું હતું કે તે ટૂંક સમયમાં રાઇટ્સ ઇશ્યુ અંગેની દરખાસ્ત હાથ પર લેશે. રાઇટ્સ ઇશ્યુ માટેનો સમયગાળો ઘટાડીને આશરે 31 દિવસ કરવાની વિચારણા છે. આ ઉપરાંત ઓલ્ટરનેટિવ ઇન્વેસ્ટમેન્ટ ફંડ્સનું માળખું પણ વધારે મજબૂત કરવા માટે સેબી પગલાં લેશે. સેબીના ચેરમેન અજય ત્યાગીએ ફિક્કીની ઇવેન્ટમાં કહ્યું હતું કે સેબીએ તેના કન્સલ્ટેટિવ પેપરમાં રાઇટ્સ ઇશ્યુ માટેનો કુલ સમયગાળો આશરે 31 દિવસની કરવાની દરખાસ્ત કરી છે. આ માટેની અરજી અને એલોટમેન્ટ પ્રક્રિયા વધારે કાર્યક્ષમ બનાવવા પર તેણે ભાર મૂક્યો છે. હાલમાં રાઇટ્સ ઇશ્યુની પ્રક્રિયા માટે 55-58 દિવસ જેવો સમય લાગે છે.

સેબીની શેર ટ્રેડિંગમાં ટેક્‌નિકલ ખામી વખતે પેનલ્ટી લાદવાની યોજના

બજારની સંસ્થાઓને ટેક્‌નિકલ ક્ષતિ મોંઘી પડી શકે છે. સેબીએ ટેક્‌નિકલ ક્ષતિના કિસ્સામાં પેનલ્ટી લાદવાના નવા માળખાની યોજના બનાવી રહી છે. બજારમાં ટેક્‌નિકલ ખામીને કારણે રોકાણકારોએ નાણાં ગુમાવવા પડતાં હોવાથી સેબીએ આ કવાયત હાથ ધરી છે. ટેક્‌નિકલ ખામી વખતે કોઈ રોકાણકારોને નુકસાન થાય તો તે ભરપાઈ કરવાનો કોઈ વિકલ્પ નથી, કારણ કે આવી ખામી દરમિયાન થયેલા ટ્રેડને રિવર્સ કરી શકાતો નથી. આવા નુકસાનને ભરપાઈ કરવામાં આવતું નથી. બજારમાં હાલમાં ટેક્‌નોલોજીનો વ્યાપક ઉપયોગ થાય છે. મોટા ભાગના ટ્રેડિંગ વોલ્યુમ ઓનલાઇન માધ્યમ મારફત થાય છે. સેબીએ બજારની તમામ સંસ્થાઓ માટે સાઇબર સિક્યોરિટીઝ માળખું અગાઉ અમલી બનાવ્યું હતું. બજારની સંસ્થાઓ નિયમનું પાલન કરે તેનું સુપરવિઝન કરવા માટે ખાસ વિભાગ શરૂ કરવાની પણ નિયમનકારી સંસ્થાએ યોજના બનાવી છે.

જોકે સેબી તમામ ટેક્‌નિકલ ખામી માટે એકસમાન નિયમો રાખશે નહીં, કારણ કે ઘણીવાર અંકુશ બહારનાં કારણોથી આવી ખામી ઊભી થતી હોય છે.

શેરબજારમાં મંદી, શેરખાને 400 ક્રમચારીઓને કાઢ્યા

બીએનપી પરિબાસની રિટેઇલ બ્રોકિંગ કંપની શેરખાને 400 કર્મચારીઓને કંપની છોડવા માટે કહ્યું છે. ઓનલાઇન બ્રોકિંગ મોડલ અનમે ઘટતી આવકને કારણે બ્રોકરેજ કંપનીઓ કર્મચારીઓ ઘટાડી રહી છે. આવનારાં સપ્તાહોમાં વધુ કેટલાક કર્મચારીઓને નોકરી છોડવાનું કહેવામાં આવે એવી  શક્યતા છે. મોટા ભાગના કર્મચારીઓ વધુ સેલ્સ અને સપોર્ટ વિભાગના છે.

તમામ એફ એન્ડ ઓ શેર્સમાં હવે ફિઝિકલ સેટલમેન્ટ

શુક્રવારથી શરૂ થઈ રહેલી એફ એન્ડ ઓની ઓક્ટોબર સિરીઝમાં તમામ સ્ટોક ડેરિવેટિવ્ઝનું ફિઝિકલ સેટલમેન્ટ થશે. શેરના ભાવમાં વધુ પડતા સટ્ટા અને વોલેટિલિટીને નિયંત્રિત કરવા સેબીએ ગયા ડિસેમ્બર મહિનામાં એક માળખું જારી કર્યું હતું. જેના ભાગરૂપે ઓક્ટોબર, 2019 સુધીમાં સ્ટોક ડેરિવેટિવ્ઝનું ફિઝિકલ સેટલમેન્ટ ફરજિયાત બનાવાયું હતું. એફ એન્ડ ઓ સેગમેન્ટમાં સામેલ 161 શેર્સમાંથી 50-50 શેર્સને એપ્રિલ અને જુલાઈમાં ફિઝિકલ સેટલમેન્ટમાં ખસેડાયા હતા. બાકીના 45 શેર્સને શુક્રવારથી શરૂ થઈ રહેલી ઓક્ટોબર સિરીઝમાં ફિઝિકલ સેટલમેન્ટમાં ખસેડવામાં આવશે.