અમદાવાદ, તા.11
આકરા ટ્રાફિક દંડના કારણે વાહનચાલકો અને ટ્રાફિક પોલીસ વચ્ચે ઘર્ષણના બનાવો વધવા લાગ્યા છે. આજે બપોરે બે અજાણ્યા શખ્સોએ ગીતામંદિર ટ્રાફિક બુથમાં તોડફોડ કરી પેટ્રોલ છાંટી આગ લગાવી ટુ વ્હિલર પર ફરાર થઈ ગયા હતા. કાગડાપીઠ પોલીસે આ મામલે ટુ વ્હિલરના રજીસ્ટ્રેશન નંબર આધારે બે શખ્સો સામે ગુનો નોંધી તપાસ આરંભી છે. પોલીસને આશંકા છે કે, ટ્રાફિક પોલીસે એક રિક્ષા ડીટેઈન કરતા ચાલકે ઝઘડો કરી ધમકી ઉચ્ચારી હતી. જેના પગલેટ્રાફિક બુથ સળગાવવામાં રિક્ષા ચાલકે ભૂમિકા ભજવી હોવાની આશંકા છે.
આજે સવારે નવેક વાગ્યાના સુમારે ગીતામંદિર વિસ્તારમાં રિક્ષા ચાલક સમીર યુસુફભાઈ પઠાણ (રહે. ફતેવાડી, જુહાપુરા)ને ટ્રાફિક પોલીસે રોકી દંડ ભરવા જણાવ્યું હતું. જેથી સમીર પઠાણે ટ્રાફિક પોલીસ સાથે ઝઘડો કર્યો હતો. આખરે ટ્રાફિક પોલીસને રિક્ષા ડીટેઈન કરવાની ફરજ પડી હતી. જેથી સમીર પઠાણે રિક્ષા સળગાવી દઈશ તેવી ધમકી ઉચ્ચારી હતી. બપોરે પોણા બેએક વાગ્યાના સુમારે ટ્રાફિક બુથમાં કોઈ કર્મચારી હાજર ન હતા તે સમયે ટુ વ્હિલર પર બે અજાણ્યા શખ્સો આવ્યા હતા. અજાણ્યા શખ્સોએ બુથની બારીનો કાચ લોખંડની પાઈપ વડે તોડી તેમજ બોટલમાં ભરેલુ જવલનશીલ પ્રવાહી બેનર છાંટી સળગાવી દઈ ફરાર થઈ ગયા હતા. આ ઘટનાને નજરે જોનારા લોકોએ ટ્રાફિક બુથમાં લાગેલી આગ બુઝાવી દઈ પોલીસને જાણ કરી હતી. કાગડાપીઠ પોલીસે ટુ વ્હિલરના નંબર આધારે બે શખ્સો સામે ગુનો નોંધી આરોપીઓને ઝડપી લેવા પ્રયાસ શરૂ કર્યો છે.