ઓટો શેરોની પ્રોફિટ બુકિંગને લીધે સેન્સેક્સ 167 પોઇન્ટ તૂટ્યો, નિફ્ટી 11,000ની નીચે, મારુતિ ત્રણ ટકા તૂટ્યો

અમદાવાદ,તા:૧૨

સ્થાનિક શેરબજારમાં શેરોમાં પ્રોફિટ બુકિંગ જોવા મળ્યું હતું. છેલ્લા ઘણા લાંબા સમયથી ચાલી આવતી મંદીથી ગયા સપ્તાહે બાઉન્સબેક થયું હતું, પરંતુ નબળા આર્થિક ડેટા અને સ્લો ડાઉનથી બજારમાં ઊંચા મથાળેથી શેરોમાં નફારૂપી વેચવાલી જોવા મળી હતી. જેથી બીએસઈ સેન્સેક્સ 166.54 પોઇન્ટ ઘટીને 37,104.28ના મથાળે બંધ રહ્યો હતો. જ્યારે એનએસઈનો નિફ્ટી50 ઇન્ડેક્સ 54.65 પોઇન્ટ ઘટીને 10,981.05ના મથાળે બંધ રહ્યો હતો. નિફ્ટીએ 11, 000ની મહત્ત્વની સપાટી તોડી હતી.

વીકલી એક્સપાયરીના દિવસે શેરોમા તેજી પર બ્રેક લાગી હતી. ઓટો શેરો સાથે ઓઇલ અને ગેસ શેરો, મેટલ અને એફએમસીજી શેરોમાં મોટો ઘટાડો નોંધાયો હતો. મિડકેપ અને સ્મોલ કેપ શેરો પણ પ્રોફિટ બુકિંગ રહ્યું હતું. જોકે બેન્ક શેરોમાં સાધારણ ખરીદદારી જોવા મળી હતી. યસ બેન્ક અને તાતા મોટર્સમાં પ્રોફિટ બુકિંગ રહેતાં અનુક્રમે પાંચ ટકા અને ચાર ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો. મારુતિ ત્રણ ટકા ઘટ્યો હતો. જ્યારે આઇસીઆઇસીઆઇ બેન્ક, સન ફાર્મા અને ઇન્ડસઇન્ડ બેન્કમાં સૌથી વધુ તેજી થઈ હતી.

બજાર આગામી સમયમાં આવનારા ડેટાની રાહ જોઈ રહ્યું છે. જેથી હવે આગામી ડેટા જાહેર થયા પછી બજારની ચાલ નક્કી થશે. આગામી મહિને રજૂ થનારી આરબીઆઇની ધિરાણ નીતિની રાહ જોઈ રહ્યું છે. આ ઉપરાંત કંપનીઓના અર્ધવાર્ષિક પરિણામો પર બજારની નજર રહેશે.

મુંબઈ શેરબજારના સેન્સેક્સમાં સમાવિષ્ટ 30માંથી 23 શેરોમાં મંદી થઈ હતી, જ્યારે 7 શેરોમાં તેજી થઈ હતી. એનએસઈના નિફ્ટી50 ઇન્ડેક્સમાં 50માંથી 35 શેરોમાં મંદી થઈ હતી, તો 15 શેરોમાં  તેજી થઈ હતી. મુંબઈ શેરબજારમાં 1448 શેરો વધીને બંધ રહ્યા હતા, જ્યારે 1186 શેરો ઘટીને બંધ રહ્યા હતા, જ્યારે નેશનલ સ્ટોક  એક્સચેન્જ પર 1199 શેરો વધીને બંધ રહ્યા હતા, જ્યારે 993 શેરો ઘટીને બંધ રહ્યા હતા. જ્યારે બેન્ક નિફ્ટીના 12એ 7 શેરો ઘટીને સાથે બંધ થયા હતા.

ડોલર સામે રૂપિયો 52 પૈસા મજબૂત

ફોરેક્સ માર્કેટમાં ડોલર સામે રૂપિયો 52 પૈસા મજબૂત થઈ 71.13ના મથાળે બંધ રહ્યો હતો. છેલ્લા ઘણા સમયથી ડોલર સામે રૂપિયામાં વેચવાલી જોવ મળી હતી. પરંતુ આજે અમેરિકા-ચીન વચ્ચે વેપાર યુદ્ધ ઠંડું પડવાને કારણે ડોલર સામે રૂપિયો મજબૂત બન્યો હતો.

નીચલા સ્તરેથી નિફ્ટીમાં ચાર ટકાનો સુધારો

સરકારના આર્થિક સુધારાની બજાર પર મોટી અસર પડી છે. 23 ઓગસ્ટના નીચલા સ્તરેથી અત્યાર સુધી નિફ્ટીમાં ચાર ટકાનો સુધારો થયો છે. નિફ્ટી 50ના માર્કેટ કેપમાં આશરે ત્રણ લાખ કરોડનો વધારો થયો છે. કેટલાક શેરમાં 50 ટકા સુધીનું રિટર્ન આપ્યું છે. આ સાથે બીએસઈ 500 કંપનીઓના માર્કેટ કેપમા  6.15 લાખ કરોડ રૂપિયાનો વધારો થયો  છે. ઓટો, મેટલ અને સરકારી કંપનીઓમાં સૌથી મોટી તેજી જોવા મળી છે.

નિફ્ટી પર 23 ઓગસ્ટથી યસ બેન્કમાં 30 ટકા, બીપીસીએલમાં 27 ટકા, તાતા મોટર્સમાં 24 ટકા, ડૌ રેડ્ડીઝ લેબમાં 18 ટકા અને યુપીએલમાં 17 ટકા  રિટર્ન આપ્યું છે. આ સમયગાળામાં એચડીએફસી બેન્કના એમકેપમાં  36,500 કરોડ રૂપિયા, આરઆઇએલના એમકેપમાં 28,900 કરોડ રૂપિયા અને માર્કેટ કેપાં 27,308 કરોડ રૂપિયાનો વધારો થયો છે.

સ્મોલકેપ-મિડકેપ ઇન્ડેક્સમાં 15.42 ટકાનો ઘટાડો

ચાલુ નાણાકીય વર્ષમાં બીએસઇના સ્મોલકેપ અને મિડકેપ ઇન્ડેક્સમાં અત્યાર સુધી 15.42 ટકાનો ઘટાડો થયો છે. બ્લુ ચિપ શેરોની તુલનામાં

સ્મોલકેપ અને મિડકેપ ઇન્ડેક્સમાં વધુ ધોવાણ થયું છે.

વૈશ્વિક આર્થિક વૃદ્ધિમાં નરમાઈ, અમેરિકા અને ચીન વચ્ચે વેપારયુદ્ધ અને મંદીની શક્યતાને કારણે સેન્ટિમેન્ટ અસર થઈ હતી.

ચાલુ નાણાકીય વર્ષમાં ત્રણ ઇન્ડેક્સના વિશ્લેષણમાં જણાય છે કે બીએસઇનો સ્મોલ-કેપ ઇન્ડેક્સ અત્યાર સુધી 2,૩17.4 પોઇન્ટ્સ અથવા 15.42 ટકા ઘટ્યો છે, જ્યારે મિડ-કેપ ઇન્ડેક્સમાં 1,985 પોઇન્ટ્સ અથવા 12.82 ટકા ઘટાડો થયો છે. સ્મોલ-કેપ ઇન્ડેક્સ પણ આ જ દિવસે 11,950.86ના એક વર્ષના નીચા સ્તરે સ્પર્શ્યો હતો.
વિશ્લેષકોના જણાવ્યા અનુસાર સુપર રિચ પર ઊંચા ટેક્સ અને વિદેશી પોર્ટફોલિયો રોકાણકારોની વેચવાલીથી ઘરેલુ બજારને સેન્ટિમેન્ટને ઝટકો લાગ્યો છે. ઓટો ક્ષેત્રની નરમાઈ પણ બજારને અસર કરી રહી છે. બજારમાં અનિશ્ચિતતાના સમયગાળામાં સ્મોલ-કેપ અને મિડ-કેપ શેરોમાં વેચવાલીનું દબાણ આવતું હોય છે.

નાની કારોના વેચાણમાં 56 ટકાનો ઘટાડો

ચાલુ નાણાકીય વર્ષના પ્રારંભના પાંચ મહિનામાં સ્થાનિક કાર બજારમાં કારોના વેચાણમાં 56 ટકાનો ઘટાડો નોંધાયો છે. સ્થાનિક કાર બજારમાં એન્ટ્રી લેવલ કારોના વેચાણમાં નોંધપાત્ર ઘટાડો આવ્યો છે. કારોની કિંમતો 10 ટકાથી વધુ વધવાથી, ગ્રામીણ બજારોમાં સેન્ટિમેન્ટ નરમ પડવાથી અને આર્થિક સુસ્તીને કારણે એન્ટ્રી લેવલની કારોના વેચાણમાં ઘટાડો નોંધાયો છે. પાછલા બે વર્ષમાં એન્ટ્રી લેવલની કારોની કિંમતોમાં 14.14 ટકાનૌ વધારો થયો છે. એન્ટ્રી લેવલની કારોમાંઅલ્ટો, ક્વિડ,  અને રેડી ગો જેવી કારોનો સમાવેશ થાય છે. આમ ઓવરઓલ કારોના વેચાણમાં ઘટાડો નોંધાતાં ઓટો શેરોમાં પણ નરમ વલણ રહ્યું હતું.

બે ડઝન શેરોમાં બેન્ચમાર્ક કરતાં વધુ વળતર

બજારમાં અનિશ્ચિતતાના માહોલ છતાં છેલ્લા બે મહિનામાં આશરે બે ડઝન શેરોએ બેન્ચમાર્ક કરતાં વધુ વળતર આપ્યું છે. ઇનિઓસ સ્ટાઇરોલોલ્યુશન ઇન્ડિયા, રિલાયન્સ નિપ્પોન એએમસી, ગ્લેક્સોસ્મિથક્લાઇન ફાર્મા, બાટા ઇન્ડિયા, એબોટ ઇન્ડિયા, હનીવેલ ઓટોમેશન, સનફો ઇન્ડિયા, કોલગેટ પામોલિવ, નેસ્લે જેવી કંપનીઓના શેરમાં છેલ્લા બે મહિનામાં 6થી 40 ટકા સુધી તેજી આવી છે. આની સામે આ સમયગાળામાં સેન્સેક્સમાં 6 ટકા ઘટાડો થયો છે.

વિપ્રોના બાયબેકમાં અઝીમ પ્રેમજીએ રૂ.  7,300 કરોડના શેર વેચ્યા

અઝીમ પ્રેમજી અને અન્ય પ્રમોટર જૂથ એકમોએ ગયા મહિને બંધ કરવામાં આવેલી વિપ્રોની બાયબેક ઓફરમાં રૂ. 7,300 કરોડના 22.46 કરોડ

શેરો વેચ્યા હતા. વિપ્રોએ બુધવારે રેગ્યુલેટરી ફાઇલિંગમાં જણાવ્યું હતું કે બાયબેક કાર્યક્રમ હેઠળ તેણે પ્રતિ શેર325ના ભાવે 32.3 કરોડ શેર ખરીદ્યા હતા. આના માટે તેણે કુલ રકમ ₹10.499.99 કરોડની રકમ ખર્ચવામાં આવી હતી.