ધી ઇન્સ્ટિટયુટ ઓફ કંપની સેક્રેટરીઝ ઓફ ઇન્ડિયા દ્વારા જૂન માસમાં લેવાયેલી સી.એસ.ફાઉન્ડેશનની પરીક્ષાનુ પરિણામ આજે જાહેર કરી દેવામાં આવ્યુ છે. અમદાવાદની એક વિદ્યાર્થિની ખુશી સંઘવીએ સમગ્ર દેશમાં ફાઉન્ડેશનમાં પ્રથમ ક્રમ હાંસલ કર્યો છે. જયારે ટોપ ૨૫માં અમદાવાદના ૮ વિદ્યાર્થીઓએ સ્થાન મેળવ્યુ છે. પહેલી વખત ઇન્સ્ટિટયુટમાંથી જ કોચિંગ કરનારા બે વિદ્યાર્થીઓએ પણ ટોપ ૨૫માં સ્થાન મેળવ્યુ છે. અમદાવાદમાંથી અગાઉ વર્ષ ૨૦૧૭માં એક વિદ્યાર્થીએ સમગ્ર દેશમાં નંબર વન સ્થાન હાંસલ કર્યુ હતુ. ત્યારબાદ પહેલી વખત કોઇ વિદ્યાર્થિનીએ ટોપ રેંકમાં સ્થાન મેળવ્યુ છે.
સી.એસ. કંપની સેક્રેટરીની ફાઉન્ડેશનની પરીક્ષા ગત જૂન માસમાં લેવામાં આવી હતી. જેમાં કુલ ૨૩૩ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેમાંથી ૧૪૭ વિદ્યાર્થીઓ પાસ થતા ફાઉન્ડેશનનુ અમદાવાદ ચેપ્ટરનુ પરિણામ ૬૩.૦૯ ટકા આવ્યુ છે. ગતવર્ષે એટલે કે અગાઉ લેવામાં આવેલી ફાઉન્ડેશનની પરીક્ષાનુ પરિણામ ૬૧.૫૦ ટકા આવ્યુ હતુ. આમ, અગાઉના પરિણામની સરખામણીમા બે ટકા પરિણામ ઉંચુ આવ્યુ છે. સમગ્ર દેશમાં લેવાયેલી ફાઉન્ડેશનનુ પરિણામ ૬૪.૫૩ ટકા જેટલુ આવ્યુ છે. સામાન્ય રીતે મોટાભાગના વિદ્યાર્થીઓ પ્રાઇવેટ કોચિંગ કલાસીસમાં તૈયારી કરીને પરીક્ષા આપતાં હોય છે. પરંતુ આ વખતે બે વિદ્યાર્થીઓએ સી.એ. ઇન્સ્ટિટયુટ દ્વારા આપવામાં આવતા કોચિંગમા જ પ્રવેશ લઇને પણ ટોપ ૨૫માં સ્થાન મેળવ્યુ છે. આ વિદ્યાર્થીઓમાં નીશી શાહએ ઓલ ઇન્ડિયામાં પાંચમા ક્રમે અને હ્મદય જયસ્વાલે ઓલ ઇન્ડિયામાં ૨૨માં રેંકમાં સ્થાન મેળવ્યુ છે. ઇન્સ્ટિટયુટ દ્વારા જાહેર કરાયેલા ટોપ ૨૫માં અમદાવાદ બ્રાન્ચમાંથી કુલ ૧૦ વિદ્યાર્થીઓે સ્થાન મેળવ્યુ છે. જોકે, ડિસેમ્બર ૨૦૧૮માં જાહેર કરાયેલા ફાઉન્ડેશનના પરિણામમાં અમદાવાદ ૧૧ વિદ્યાર્થીઓે ટોપ ૨૫માં સ્થાન મેળવ્યુ હતુ. જેની સરખામણીમા આ વખતે ૧૦ વિદ્યાર્થીઓ ટોપ ૨૫માં સ્થાન મેળવી શકયા છે.
કયા વિદ્યાર્થીઓએ ટોપ ૨૫માં સ્થાન મેળવ્યુ !
ઓલ ઇન્ડિયા રેંક | વિદ્યાર્થીનુ નામ | માર્કસ | ટકા |
૧ | ખુશી સંઘવી | ૩૫૮ | ૮૯.૫૦ |
૫ | નીશી શાહ | ૩૪૮ | ૮૭.૦૦ |
૧૪ | કિર્તન પંચાલ | ૩૩૦ | ૮૨.૫૦ |
૧૬ | વિશેષ ગુપ્તા | ૩૨૬ | ૮૧.૫૦ |
૧૭ | અંજલી પાલીવાલ | ૩૨૪ | ૮૧.૦૦ |
૧૮ | ચિરાગ ટેકવાની | ૩૨૨ | ૮૦.૫૦ |
૨૨ | કરન પરીખ | ૩૧૪ | ૭૮.૫૦ |
૨૨ | હ્વદય જયસ્વાલ | ૩૧૪ | ૭૮.૫૦ |
૨૪ | પ્રિતી કુમાવત | ૩૧૦ | ૭૭.૫૦ |
૨૪ | પ્રનિથ ઐય્યર | ૩૧૦ | ૭૭.૫૦ |
કન્સેપ્ટ કલીયર હોય તો ધાર્યુ પરિણામ લાવી શકાય છે : ખુશી સંઘવી ( ઓલ ઇન્ડિયામાં પ્રથમ રેંક, અમદાવાદમાં પ્રથમ )
હુ હાલમાં આર.જે.ટીબ્રવાલ કોલેજમાં બીજા વર્ષમાં કોમર્સમાં અભ્યાસ કરુ છુ. ધો.૧૨મા મારે ૮૭ ટકા આવ્યા હતા. મારા પપ્પા બિઝનેશ મેન અને મમ્મી હાઉસ વાઇફ છે. મારા મમ્મી માત્ર ધો.૧૦ અને પપ્પા ધો.૧૨ સુધી અભ્યાસ કર્યો છે. જે તે સમયે તેમને અભ્યાસની અનુકુળતા ન હોવાથી તેઓ વધુ અભ્યાસ કરી શકયા નહોતા. હુ માનુ છુ કે તેમને તક મળી હોય તો તેઓ મારા કરતાં વધુ સારુ પરિણામ લાવી શકયા હોત. મારો ઓલ ઇન્ડિયામાં ટોપ રેંક આવશે તેવી કોઇ આશા નહોતી. સી.એસ. થયા પછી મારે પ્રેક્ટિસ કરવાની ઇચ્છા છે. સી.એ. કરવામાં વધારે સમય લાગતો હોવાથી મે સી.એસ. કરવાનુ પસંદ કર્યુ હતુ. મને કુકીંકનો પણ શોખ છે. મને કયારેય મારા મમ્મી-પપ્પાએ ભણવા માટે કોઇ દબાણ કર્યુ નથી. મે સ્કૂલનો અભ્યાસ નવચેતન સ્કૂલમાંથી કર્યો હતો. સી.એસ.ની તૈયારી દરમિયાન હુ ફેસબુક અને વોટ્સએપ વાપરતી હતી. હુ માનુ છુ કે તમારો કન્સેપ્ટ કલીયર હોય તો ધાર્યુ પરિણામ લાવવામાં કોઇ મુશ્કેલી નડતી નથી.