કંપનીઓમાં ડિપોઝિટ મૂકતા પહેલા આટલું જરૂર ધ્યાનમાં લેજો

અમદાવાદ,તા:10

બેન્કોના વ્યાજના દર ઘટી રહ્યા છે. સવા છથી સાડા છ ટકાની સપાટીએ આવી ગયા છે. આ સ્થિતિમાં વધુ વ્યાજ આપતા વિકલ્પોની ઇન્વેસ્ટર્સ તલાશ કરતો રહે છે. સ્ટેટ બેન્કના બોન્ડમાં 9.56 ટકા વ્યાજ મળે છે. તેમ જ બેન્ક ઓફ બરોડાના બોન્ડમાં 10.49 ટકા વ્યાજ મળે છે. પરંતુ તેમાં રૂા. 10 લાખનું મિનિમમ રોકાણ કરવાની જોગવાઈ કરવામાં આવેલી છે. એક સામટા રૂા. 10 લાખ રોકવા દરેક માટે શક્ય નથી હોતું. હા,નિવૃત્તિ પછી પ્રોવિડન્ટ ફંડ કે ગ્રેચ્યુઈટીના જે નાણાં આવ્યા હોય તેમાં રોકાણ કરી શકાય છે. આ સિવાય અન્ય એક વિકલ્પ છે કોર્પોરેટ ડિપોઝિટનો. હા, તેમાં બેન્ક ડિપોઝિટ્સ કરતાં વ્યાજ પણ વધુ મળે છે. પરંતુ વધુ વ્યાજ કે વળતર મેળવવા માટે વધુ મોટું જોખમ લેવું પડી શકે છે. ભૂતકાળમાં એલ્ડર ફાર્માસ્યૂટિકલ્સમાં ડિપોઝિટ્સ મૂકનારાઓએ કરોડો ગુમાવ્યા હોવાના દાખલા બન્યા છે. તેમ જ ક્રેડિટ રેટિંગ એજન્સીના રેટિંગ ધરાર ખોટા પડ્યા હોવાના કિસ્સા બન્યા જ છે. એકવાર નહિ અનેકવાર ક્રેડિટ રેટિંગ એજન્સીઓ ખોટી પડી છે. જોકે બધી જ જગ્યાએ તેવું જ થાય તેમ માની લેવાને કોઈ કારણ નથી. બીજું, કોર્પોરેટ ડિપોઝિટ્સ સામે કોઈ જ ગેરન્ટી મળતી નથી. તેથી તેને અનસિક્યોર્ડ ઇન્વેસ્ટમેન્ટની કેટેગરીમાં મૂકવામાં આવે છે. તેમાં માત્ર કંપનીની પ્રતિષ્ઠા જોઈને રોકાણ કરવામાં આવતું હોય છે.

દિવાન હાઉસિંગ ફાઈનાન્સ કોર્પોરેશનમાં તાજેતરમાં જ આ સમસ્યા ઊભી થઈ છે. રેટિંગ એજન્સીઓ તેના ડિપોઝિટર્સને આગોતરી ચેતવણી આપવામાં પણ નિષ્ફળ ગઈ હતી. દિવાન હાઉસિંગના થાપણદારોની બૂમ ઊઠવા માંડી તે પછી રેટિંગ એજન્સીઓએ તેમના રેટિંગ ફટાફટ ડાઉનગ્રેડ કરવા માંડ્યા હતા. તેથી રોકાણકારોને તેમના પૈસા બચાવી લેવાની કોઈ જ તક મળી નહોતી. રિઝર્વ બેન્ક કે સરકાર તમને બચાવી શકશે નહિ. તમારા નાણાં પરત અપાવી શકશે નહિ. તેમાં વળી મુંબઈ હાઈકોર્ટે કોઈપણ જાતની પૂર્વમંજૂરી વિના થાપણદારોને તેમના પૈસા પરત આપવાની સ્પષ્ટ ના પાડી દીધી હતી. આમ બહુ જ મોટી ખોટ ખમીને રોકાણકારોને સમજાયું હતું કે તેમણે ઊંચા વ્યાજની લાલચમા કોર્પોરેટ ડિપોઝિટ્સમાં રોકાણ કરવું ન જોઈએ.ઊંચું વ્યાજ મળતું હોય તો તેની સામે જોખમ કેટલું ઊંચું છે તેનો વિચાર કરવો જોઈએ.

તમે જોખમ જ ન લેવાનું પસંદ કરતાં હોવ તો તેવા સંજોગોમાં તમારે આ પ્રકારની ડિપોઝિટમાં રોકાણ કરવાનું ટાળવું જોઈએ. બેન્કની ફિક્સ્ડ ડિપોઝિટમાં રૂા. 1 લાખનું વીમા કવચ હોય છે. બીજા શબ્દોમાં કહીએ તો તમે રૂા. 1 લાખ સુધી બેન્કમાં મૂક્યા હોય તો બેન્ક ડૂબી જાય તો પણ વીમા કવચ હોવાથી તમને રૂા.1 લાખ પરત મળી જાય છે. હા, રૂા. 1 લાખથી વધુ એટલે કે રૂા. 5 લાખ તમે બેન્કમાં મૂક્યા હોય તો તમારે રૂા. 4 લાખ તો બેન્કમાં પણ ગુમાવવા પડે છે. આ વીમા કવચ હવે વધારીને રૂા. 10 લાખ કરી આપવાની માગણી કરવામાં આવી રહી છે. જોકે બેન્કનું મોનિટરિંગ રિઝર્વ બેન્ક કરતી હોવાથી તેમાં ખાનગી કંપની જેવા ગોટાળા થવા ન જોઈએ. પરંતુ પંજાબ મહારાષ્ટ્ર કોઓપરેટીવ બેન્ક તેનું એક વરવું ઉદાહરણ છે. તેમાં થાપણદારોએ રાતા પાણીએ રોવાની નોબત આવી છે. પીએમસી બેન્ક ખાડે જતાં થાપણદારોએ તેમના નાણાં ગુમાવવા પડ્યા છે. થાપણદારોના પૈસા બચાવવા માટે રિઝર્વબેન્ક નબળી પડેલી બેન્કને સંગીન બેન્કમાં મર્જ-વિલીન કરાવી દઈને થાપણદારોના નાણાંની રક્ષા કરવાના પગલાં લે છે. પરિણામે બેન્કમાં થાપણદારોના પૈસા બચાવવા માટે પૂરતી કોશિશ કરવામાં આવે છે. આ સંજોગોમાં તમે જોખમ લેવાની માનસિકતા ન ધરાવતા હોવ તો તમારે કોર્પોરેટ ડિપોઝિટથી દૂર જ રહેવું જોઈએ. એક જ કંપનીમાં તમારું ભંડોળ ઇન્વેસ્ટ કરશો નહિ. તેથી કંપની ડિપોઝિટમાં રોકાણ કરવાની ભલામણ કરી શકાય નહિ.

તમારી જોખમ લેવાની તાકાત કે ક્ષમતા વધુ હોય તો જ તમારે કોર્પોરેટ ડિપોઝિટમાં નાણાં મૂકવા જોઈએ. બેન્કના વ્યાજની તુલનાએ તેમાં વ્યાજ વધુ મળે છે.  કોર્પોરેટ ડિપોઝિટમાં ડિફોલ્ટ થવાનો ખતરો વધુ હોવાથી કંપનીના ટ્રેક રેકોર્ડની ચકાસણી કર્યા પછી જ ફિક્સ ડિપોઝિટ મૂકો. કંપનીનો પૂર્વ ઇતિહાસ તપાસી લો. ઇન્વેસ્ટમેન્ટ કર્યા પછીય કંપનીના પરફોર્મન્સ અને પરિસ્થિતિ પર તમે નજર રાખો. કંપનીના ત્રિમાસિક ગાળાના પરિણામો પર નજર રાખો. તમને લાગે કે કંપનીની સ્થિતિ બગડી રહી છે તો તેવા સંજોગોમાં કંપનીની ડિપોઝિટ તમે પાછી ઊપાડવાનું આયોજન કરી શકો છો. તમારી ડિપોઝિટ ઘટાડી શકો છો. કંપનીમાં એક સામટા પૈસા મૂકવાને બદલે ટૂકડે ટૂકડે તમારું ઇન્વેસ્ટમેન્ટ વધારી શકો છો. તેમ જ તમને જરા જોખમ જણાય તો તમે ઝડપથી તમારી ડિપોઝિટ ઘટાડી શકો છો. એક જ કંપનીમાં તમે તમારી ડિપોઝિટ મૂકવાને બદલે એકથી વધુ સંગીન કંપનીમાં ડિપોઝિટ મૂકવાનું આયોજન કરી શકો છો.