ડીસા, તા.૧૭
ડીસા તાલુકાના કંસારી ગામ ખાતે આવેલ પી.એચ.સી. સબ સેન્ટરમાં મલ્ટી પર્પઝ હેલ્થ વર્કરે બુધવારે ફરજ દરમિયાન કચેરીનાં રૂમમાં પંખા પર દોરડું બાંધી ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. જોકે આ કર્મચારી માનસિક તકલીફની દવા ચાલુ હતી. જેના કારણે તેણે આ પગલું ભર્યું હોવાનું આરોગ્ય વિભાગે જણાવ્યું હતું.
અમદાવાદના વતની તથા ડીસા ખાતે રહેતા દિપકકુમાર કેશુભાઈ ખંડવી છેલ્લા 5 વર્ષ ઉપરાંતથી ડીસાના કંસારી ગામ ખાતે પી.એચ.સી. સબ સેન્ટરમાં મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર તરીકે ફરજ બજાવતા હતા. બુધવારે ફરજ ઉપર પેટા આરોગ્ય કેન્દ્રની રૂમના પંખા પર દોરડું બાંધી ગળે આત્મહત્યા કરી લેતા ચકચાર મચી હતી.
આ અંગે આરોગ્ય વિભાગે જણાવ્યું કે ‘દીપકભાઈ માનસીક તકલીફની દવા લઈ રહ્યા હતા. જેના કારણે આ પગલું ભર્યું હતું.’ બનાવની જાણ થતા મૃતકના પિતા તત્કાલ ઘટના સ્થળે દોડી આવી કલ્પાત મચાવ્યો હતો. બાદમાં ડીસા તાલુકા પોલીસ ઘટના સ્થળે દોડી જઇ મૃતકની લાશને પી.એમ માટે ડીસા સિવિલ ખસેડી હતી.