કચ્છના નિર્જીવ રણ પ્રદેશમાં હૃદયમાં ઉમટતાં રંગો કલાસ્વરૂપે ઉભરી-ઉતરી આવ્યા છે. 3 સદી પ્રાચીન અને લુપ્ત થવાના આરે આવીને ઉભેલી રોગાન કલાને જાળવવા ઝઝુમી રહેલાં નિરોણાના અબ્દુલ ગફૂર ખત્રીને દેશનું સર્વોચ્ચ નાગરિક સન્માન પદ્મશ્રી જાહેર થતાં નાનકડું નિરોણા જ નહીં આખો કચ્છડો અને કચ્છના કલારસિકોના હૈયે હરખ છવાઈ ગયો છે.
300 વર્ષ જૂની પર્સિયન કળા- કાપડ પર ઉતરે છે કસબ
અબ્દુલભાઈ જણાવે છે કે રોગાન આર્ટ મૂળ પર્સિયાની કળા છે. પર્સિયન ભાષામાં રોગાનનો અર્થ થાય છે તૈલી (તેલયુક્ત). આ કળાને મૂર્તિમંત કરવા માટે દિવેલીયું (એરંડાનું તેલ) બેઝ છે. એક પાત્રમાં એરંડાના તેલને છથી બાર કલાક સુધી ઉકાળવામાં આવે છે. ઉકળી-ઉકળીને આ તેલ ગાઢું બની જાય છે. ત્યારબાદ, આ તેલને પાણીથી તૈયાર કરેલી વનસ્પતિ રંગોના રગડા સાથે મિશ્ર કરી પેસ્ટ બનાવાય છે. આ પેસ્ટ હથેળીમાં લઈ સોયાની મદદથી તેના લવચીક તારને કાપડ પર ઉતારવામાં આવે છે. વસ્ત્ર પર કોઈ આગોતરી ડિઝાઈન કે ડ્રોઈંગ કરાયેલું હોતું નથી. બસ અબ્દુલભાઈના હૃદયમાં ઉમટતાં રંગો અને ચિત્ર કે આકાર કાપડ પર સાકાર થતાં જાય છે. જમીન પર બેસીને રોગાનના રંગો કાપડ પર ઉતારવામાં અબ્દુલભાઈ એટલાં તલ્લીન હોય છે કે ઘણીવાર કલાકોના કલાકો વીતી જાય છે.
મોરના ઈંડા ચીતરવા ના પડેઃ રોગાન અમારા લોહીમાં વહે છે
3 સદી જૂની આ પ્રાચીન કલા આજે આખા દેશમાં એકમાત્ર ખત્રી પરિવાર જાળવીને બેઠો છે. અબ્દુલભાઈ જણાવે છે કે ત્રણ-ચાર દાયકા અગાઉ રોગાન કલા વિશે લોકોને કોઈ ખાસ જાણકારી નહોતી. રોગાન જાણનારાં પરિવારો રોજી માટે અન્ય વ્યવસાયમાં વળી ગયાં. આ કલાવારસો લુપ્ત થવા માંડ્યો. ખુદ અબ્દુલભાઈ 1980ના દાયકામાં કામધંધાની શોધમાં અમદાવાદ-મુંબઈ ગયા હતા. પરંતુ, નિરોણામાં તેમના પિતા અને દાદાએ આ કલાને જીવતી રાખી હતી. હસ્તકલાને સરકારી પ્રોત્સાહન મળવા માંડ્યું. અબ્દુલભાઈને પિતા-દાદાએ વતન પરત બોલાવી લીધાં. અબ્દુલભાઈ પણ રોગાનના રંગે રંગાઈ ગયાં. તેમણે ત્યારે પિતા-દાદાને વચન આપ્યું હતું કે જોજો, એક દિવસ હું આ કલાને આંતરરાષ્ટ્રીય લેવલ પર લઈ જઈશ. તેમનું આ વચન 2014માં પૂર્ણ થયું હતું. 2014માં નરેન્દ્ર મોદી અમેરિકામાં પ્રમુખ બરાક ઓબામાને મળ્યાં ત્યારે તેમણે ઓબામાને અબ્દુલભાઈએ તૈયાર કરેલાં ખાસ ‘ટ્રી ઑફ લાઈફ’ના પીસની ભેટ આપી હતી. અબ્દુલભાઈની રોગાન કલાના નમુના બીગ બી અમિતાભ બચ્ચન, શબાના આઝમી, વહીદા રહેમાન, ક્રિકેટર યુસુફ પઠાણ, શેખર કપૂર, સંજય લીલા ભણસાલી, નેપાળના પૂર્વ પીએમ પુષ્પકમલ દહલ પ્રચંડ, રાષ્ટ્રપતિ હામિદ અન્સારીથી લઈ અનેક હસ્તીઓ નિહાળી ચૂકી છે. આ અનેક હસ્તીઓ નિરોણામાં તેમના ઘરની મુલાકાત લઈ ચૂકી છે. જાણીતી હસ્તીઓ ઉપરાંત કચ્છ આવતાં વિશ્વભરના કલારસિક પ્રવાસીઓ અચૂક તેમના ઘરની મુલાકાત લઈ કાપડ પર સાકાર થતી રોગાનના સાક્ષી બની રહ્યાં છે. અબ્દુલભાઈ કહે છે કે આ કલા વંશપરંપરાગત રીતે અમારી રગ-રગમાં વહે છે. મોરના ઈંડાને ચીતરવા ના પડે. તેમના પરિવારની 8મી પેઢી આ કલાવારસાને આગળ ધપાવી રહી છે.
ખત્રી પરિવારે રોગાન આર્ટને અનેક સ્તર પર વિસ્તારી
અબ્દુલ ગફૂરથી લઈ તેમના પરિવારના વિવિધ સભ્યોને અત્યારસુધીમાં વિવિધ સંસ્થા-સરકારો દ્વારા માન-અકરામો પ્રાપ્ત થઈ ચૂકેલાં છે. જો કે, પદ્મશ્રી સર્વોચ્ચ છે. એક જમાનામાં ચોળી-ઘાઘરા કે નવોઢાના વસ્ત્રો પર રંગાતી રોગાનને ખત્રી પરિવાર તેમની સુઝબુઝ સાથે વૉલ પીસ, તકિયાના કવર, ફાઈલ ફોલ્ડર, પર્સ પર વિસ્તારી ચૂક્યો છે. તો, નિરોણાથી લઈ આ કલા એમેઝોન જેવા વૈશ્વિક ઓનલાઈન પ્લેટફોર્મ પર ઉપલબ્ધ થઈ છે. એક જમાનામાં ખત્રી પરિવારના પુરુષો જ આ કલાના વાહકો હતા. જો કે, છેલ્લાં થોડાંક વર્ષોથી તેમણે આ કલાને વિસ્તારવા સ્થાનિક યુવતીઓને તે શીખવવાનું શરૂ કર્યું છે. હાલ નિરોણાની વીસ યુવતીઓ પણ કલા સાથે જોડાયેલી છે. રોગાનના જ્યોતિર્ધરને જાહેર કરાયેલો પદ્મશ્રી સાચ્ચે જ ‘સન્માન’ને સાર્થક કરે છે.
મોબાઈલ કે ટેબલેટના સ્ક્રિન પર નેટફ્લિક્સના માધ્યમથી વેબ સિરીઝ કે મનગમતી ફિલ્મો જોતી આજની પેઢીને એ બાબતની કલ્પના પણ નથી કે કચ્છની આગવી સાંસ્કૃતિક ઓળખ ઉભી કરવામાં રેડિયો પર 228.3 મીટર પર ઝીલાતાં આકાશવાણીના ભુજ કેન્દ્રની ભૂમિકા કેટલી પાયારૂપ છે. મનોરંજન અને માહિતી માટે એ યુગમાં રેડિયો જ એકમાત્ર સબળ માધ્યમ હતો. પાકિસ્તાન સાથે યુધ્ધ બાદ 1965માં સરહદી કચ્છમાં શરૂ થયેલા ભુજ આકાશવાણી કેન્દ્રએ આજના અનેક નામી ગાયકો, નાટ્યકારો, સાહિત્ય અને કળાના સર્જકોનો લોકોને પહેલીવાર પરિચય કરાવેલો છે. આવા જ એક કળાકાર છે અબ્દુલ ગફૂર ખત્રી. 25 વર્ષ પૂર્વે રોગાન કળા અને અબ્દુલ ગફૂર ખત્રીને કચ્છ-કાઠિયાવાડની જનતા સમક્ષ રજૂ કરનારું હતુ ભુજ આકાશવાણીનું કેન્દ્ર. અબ્દુલ ગફૂર ખત્રીને પદ્મશ્રી એવોર્ડ મળતાં આકાશવાણીના ભુજ કેન્દ્રએ આવતીકાલે બીજી ફેબ્રુઆરીનો દિવસ ‘પદ્મશ્રી અબ્દુલ ગફુર ખત્રી દિવસ’ તરીકે ઉજવવા નક્કી કર્યું છે. કચ્છખબર સાથે વાત કરતાં આકાશવાણીના કાર્યક્રમ અધિકારી જયેશ રાવલે જણાવ્યું કે, દેશના ખૂણે-ખૂણે પડેલાં અગણિત હિરાને શોધી ઝળકાવવાનું કામ આકાશવાણીએ કર્યું છે. લોકગાયક હેમુ ગઢવી, પદ્મશ્રી દિવાળીબેન ભીલ વગેરેના ઉદાહરણ આપતાં જયેશભાઈએ જણાવ્યું કે, આજથી 25 વર્ષ પૂર્વે જ્યારે નિરોણા જવા માટે સરખા રસ્તા નહોતા ત્યારે અમારી ટીમે ત્યાં પહોંચીને અબ્દુલ ગફૂર ખત્રીનો સૌપ્રથમવાર ખાસ ઈન્ટરવ્યૂ કર્યો હતો. લોકોને પર્સિયન રોગાન આર્ટની કારીગરીનો ચિતાર આપ્યો હતો. રોગાન અને તેના કલાવારસાને સાચવીને બેઠેલાં ખત્રી પરિવાર સાથે આકાશવાણીનો નાતો અડધી સદી જૂનો હોવાનું જણાવી રાવલે કહ્યું કે, શનિવારનો દિવસ ભુજ આકાશવાણી કેન્દ્ર માટે પણ ખાસ દિવસ છે. ખત્રીના કલાસર્જનની અડધી સદીનું સાક્ષી બની રહેલું આકાશવાણી તેમની આ સિધ્ધિ બદલ ગૌરવ અનુભવે છે.
રેડિયો પર દિવસભર અબ્દુલ ગફૂર ખત્રીના કાર્યક્રમોની વણઝાર
શનિવારે આ ખાસ દિવસની ઉજવણી વહેલી સવારના ભજનોથી શરુ થશે. અબ્દુલભાઈની 25 વર્ષ અગાઉ લેવાયેલી મુલાકાત સવારે 10 વાગ્યે પુનઃ પ્રસારિત કરાશે. સાંજે 7.20 મિનિટે ‘ગામ જો ચોરો’ કાર્યક્રમમાં કમલેશ ગોર સાથે કચ્છીમાં વાતચીત સાંભળી શકાશે. રાત્રે 9.16 મિનિટે આકાશવાણીના વર્ષો જૂનાં કોમ્પિયર મીઠુભા એટલે કે ઓ.ટી.કારિયા અબ્દુલ ગફૂર ખત્રી સાથે ‘સાંપ્રત કાર્યક્રમ’માં વાતચીત કરશે. તો, ખત્રીની કલાને આવરી લેતું રૂપક રવિવાર રાત્રે 9.30 વાગ્યે રજૂ થશે.
ખત્રીનું આકાશવાણી કેન્દ્ર પર ઢોલ-નગારા સાથે કરાયું સ્વાગત
ગઈકાલે ગુરુવારે કાર્યક્રમના રેકોર્ડિંગ માટે અબ્દુલ ગફૂર ખત્રી ભુજ આકાશવાણી કેન્દ્ર પહોંચી આવ્યા ત્યારે આકાશવાણીના સમગ્ર સ્ટાફે તેમનું ઢોલ-નગારાં-ત્રાંસા સાથે સ્વાગત કર્યું હતું. આકાશવાણીના કેન્દ્ર નિર્દેશિકા ડૉ. મીરાં સૌરભ, મનોજભાઈ સોની, જયેશભાઈ રાવલ સહિતના કર્મચારીઓ-અધિકારીઓએ તેમને ફૂલહાર-પાઘડી પહેરાવી પોંખ્યા હતા. ખાસ દિવસની ઉજવણી નિમિત્તે આકાશવાણી કેન્દ્ર બહાર બેનર પણ લગાડાયાં છે. અદકેરાં સન્માનથી પદ્મશ્રી એવોર્ડ વિનર પણ ભાવવિભોર બની ગયાં હતા.