ભુજ, તા.15
કચ્છના નખત્રાણા તાલુકાના મોટાયક્ષના સૃથાનકે મીનીતરણેતર સમા ચારદિવસીય લોકમેળાને ખુલ્લા મુકાયો હતો. ગ્રામીણ સંસ્કૃતિને ઉજાગર કરતા મેળામાં આ દિવસો દરમિયાન કચ્છ અને બહારના લાખો લોકો મેળો મહાલવા ઉમટશે. સાંયરા લાખાડી ડુંગળની તળેટીમાં આવેલી ભીખુઋષીના મંદિરે ધ્વજા રોહણ અને પ્રસાદ બાદ મોટાયક્ષના દાદાના મંદિરે શોભાયાત્રા બાદ શણગાર કરવામાં આવ્યો હતો, તેમજ નિશાન અને મહાઆરતી કરવામાં આવી હતી. પોલીસ,હોમગાર્ડના સ્વય સેવકો સહિત કડક પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો તેમજ કોઈ અઘટીત ઘટના ન બને તે માટે સી.સી ટીવી કેમેરા ગોઠવવામાં આવ્યા છે. મેળામાં પ્લાસ્ટિકના ઉપયોગ પર પ્રતિબંધ લાદી દેવાયો છે. તો પાણીના પાઉચ ન વેચાય તેની પણ તકેદારી રાખવામાં આવી છે. આ ઉપરાંત મેળામાં સ્વચ્છતા જળવાઇ રહે તેની ઉપર પણ ભાર મૂકવામાં આવી રહ્યો છે.