કપાસના બમ્પર ક્રોપની આશા વચ્ચે ડચકાં ખાઈ રહેલા ગુજરાતના જિનિંગ-સ્પિનિંગના એકમો

અમદાવાદ,બુધવાર

સારા વરસાદને પરિણામે ગુજરાતમાં વાવેતર વિસ્તાર વધ્યો છે તેથી ગયા વરસે 92 લાખ ગાંસડીની થયેલી ઉપજ સામે આ વરસે 120 લાખ ગાંસડીથી વધુ કપાસની ઉપજ થવાનો અંદાજ મૂકવામાં આવી રહ્યો છે. ગુજરાતમાં કપાસના થતાં કુલ ઉત્પાદનમાંથી 70 ટકા કપાસનું ઉત્પાદન એકલા સૌરાષ્ટ્ર વિસ્તારમાં થાય છે. ગુજરાતમાં આ વરસે કપાસના વાવેતરના વિસ્તારમાં 3 લાખ હેક્ટરનો વધારો થયો હોવાથી કપાસની ઉપજમાં વધારો થશે. ગયા વરસે 23 લાખ હેક્ટરમાં કપાસનું વાવેતર થયું હતું, તેની સામે આ વરસે 26 લાખ હેક્ટરમાં કપાસનું વાવેતર થયું છે. તેની સામે ભારતમાં આ વરસે 380થી 400 લાખ ગાંસડી (170 કિલોની એક ગાંસડી) કપાસ થવાની ગણતરીઓ મૂકવામાં આવી રહી છે.

ઓલ ગુજરાત સ્પિનર્સ એસોસિયેશનના પ્રમુખ  સૌરિન પરીખનું કહેવું છે. કે તેમ છતાંય સ્પિનિંગ અને જિનિંગના એકમોની હાલતમાં સુધારો થવાની સંભાવના નથી. ગુજરાતના 20 ટકાથી વધુ જિનિંગ અને સ્પિનિંગ એકમો બંધ પડી ગયા છે. જે એકમો ચાલુ છે તે પણ તેની કુલ ઉત્પાદન ક્ષમતાની માત્ર 60 ટકા ક્ષમતાએ કાર્ય કરી રહ્યા છે. જિનિંગ અને સ્પિનિંગના ક્ષેત્રના સારા ભાવિનો વિચાર કરીને પહેલાથી જ ઉત્પાદન ક્ષમતામાં વધારો કરી દેનારાઓ હવે પસ્તાઈ રહ્યા છે. કારણ કે આજે નિકાસના બજારમાં પણ તેમને માટે બહુ મોટો અવકાશ હોય તેવું સ્પિનિંગ મિલોને જણાતું નથી. પરંતુ આગામી દિવાળીમાં તેમની માગમાં વધારો થવાની આશા રાખવામાં આવી રહી છે.

જિનિંગ મિલ માટે વર્તમાન સ્થિતિમાંથી બહાર આવવું કઠિન છે. 355.62 કિલોની એક કેન્ડિ કપાસના લઘુત્તમ ટેકાના ભાવ અત્યારે રૃા. 42000ના છે. આ ભાવ આંતરરાષ્ટ્રીય બજારમાં પ્રવર્તતા ભાવની તુલનાએ રૂા.3500 ઊંચા છે. પરિણામે સ્થાનિક જિનિંગ કંપનીઓને આ ભાવે કપાસ લઈને જિનિંગ કરીને પછી તેનું એક્સપોર્ટ કરવું પરવડે તેવું જ નથી. નિકાસના બજારમાં તેમની સ્પર્ધાત્કમતા શૂન્ય છે. આ સંજોગોમાં સ્થાનિક બજારમાં તેમને સારી ડિમાન્ડનો લાભ મળે તેવી જ આશા રાખીને બેઠાં છે. આ સિવાય એક્સપોર્ટના બજારમાં તેમને માટે બહુ મોટો અવકાશ જ નથી.

સારા વરસાદને પરિણામે આ વરસે કપાસનો સારો પાક થવાની આશા રાખવામાં આવી રહી છે. પરિણામે બંધ પડી ગયેલા સેંકડો સ્પિનિંગ એકમો માટે થોડી આશાનો સંચાર થયો છે. પરંતુ આ એકમો પૂર્વવત સક્રિય થઈ જાય તેવી શક્યતા આજે પણ ધૂંધળી છે, કારણ કે આંતરરાષ્ટ્રીય બજારમાં કપાસના ભાવ ગગડી ગયા છે. તેની અસર અત્યારે માંડ માંડ 60 ટકા ક્ષમતાએ ચાલતા સ્પિનિંગના એકમો પર પડશે. બીજી તરફ સરકારે કપાસના મિનિમમ સપોર્ટ પ્રાઈસ-લઘુત્તમ ટેકાના ક્વિન્ટલદીઠ (100 કિલોના) ભાવ રૂા.5550 જેટલા ઊંચા નક્કી કર્યા છે.

ગુજરાતની 1200 જિનિંગ મિલ અને 20 ટકા સ્પિનિંગ એકમો કપાસના પૂરતા પુરવઠાને અભાવે બંધ પડી ગયેલા છે. આ વરસે કપાસનો બમ્પર ક્રોપ થવાની આશા છે તેમ છતાંય આંતરરાષ્ટ્રીય બજારમાં તેમની સ્પર્ધાત્મકતા ન વધતી હોવાથી તેમની કઠણાઈમાં ઘટાડો થાય તેમ જણાતું નથી. આ દિવાળી પણ તેમને માટે ચમકહીન રહેવાની ધારણા છે.