અમદાવાદ,તા.૧૦
અમપાના કમિશનર વિજય નહેરા મિડીયાપ્રેમી ઓછા અને ટવીટર પ્રેમી વધુ છે.એમને જરૂર પડે કયાંક ચીફ સેક્રેટરી સુધી પોતે કરેલી કામગીરીના વખાણ માધ્યમોની મદદથી લેવાનુ ન ચુકતા કમિશનર વિજય નહેરાને ગુજરાતી ફાવતુ ન હોવાથી ખાડીયાના સિનિયર કોર્પોરેટર મયુર દવેએ ખાસ અંગ્રેજીમાં પત્ર લખીને કમિશનરને આપવાની ફરજ પડી છે.
સિનિયર કોર્પોરેટરને વીસ મિનીટ સુધી ઓફીસ બહાર બેસાડી રાખ્યા
આ અંગે મળતી માહીતી મુજબ,ખાડીયાના અને અમપાના સિનિયર ભાજપના કોર્પોરેટર એવા મયુર દવે ખાડીયામાં આવતા પાણીના પોલ્યુશનને લઈને અનેક વખત વિજય નહેરાને લેખિત રજુઆત કરી ચુકયા છે.આમ છતાં તેમની રજુઆત સાંભળી ન સાંભળી કરી કમિશનર તેમનો કાગળ બાજુ પર મુકી દે છે.માંડ બેથી ત્રણ મિનીટ ફાળવતા પહેલા મયુર દવેને કમિશનર વિજય નહેરા તેમની ઓફિસની બહાર વીસ મિનીટ સુધી બેસાડી રાખે છે.આ પરિસ્થતિમાં ભાજપના અન્ય નવા કોર્પોરેટરોએ તો કમિશનરને આજદીન સુધી જાયા હશે કે કેમ એ પણ એક સવાલ છે.સોમવારે સવારે ખાડીયા અને શાહપુર વિસ્તારમાં પોલ્યુશનનું પ્રમાણ વધતા મયુર દવેની સાથે શાહપુરના કોર્પોરેટર ફાલ્ગુની બહેનની પણ વાત સાંભળવામાં ન આવતા સોમવારે સાંજે મળેલી વોટર સપ્લાય કમિટીની બેઠકમાં તેમને રજુઆત કરવાની ફરજ પડી હતી.શહેરમાંથી લેવામાં આવતા પાણીના નમુનાની અનફીટની સંખ્યા સતત વધી રહી છે.પણ કમિશનર વિજય નહેરા પોતાનુ ખરાબ ન દેખાય એ માટે આ આંકડા છુપાવી રહ્યા છે.
ભાજપના હોદ્દેદારને પણ બહાર ઉભા રહેવાની ફરજ
માત્ર મયુર દવેની જ હાલત ખરાબ છે એવુ નથી એમ કહેતા ભાજપના એક કોર્પોરેટરે પોતાનુ નામ ન આપવાની શરતે કહ્યુ,સ્થાયી સમિતિના ચેરમેન અમુલ બળવંતરાય ભટ્ટને પણ કમિશનર વિજય નહેરાએ તેમને મળવા માટે વીસ મિનીટ ઓફિસની બહાર ઉભા રાખ્યા હતા.