હારીજ-સમી ,તા:૦૩ ચોમાસામાં અવિરત વરસેલા વરસાદથી સમગ્ર વઢિયાર પંથકની નીચાણ વિસ્તારની જમીનો પાણીના બેટમાં ફેરવાઇ ગઇ છે. ત્યારે સમી તાલુકાના રવદ પાલિપુર અને સમી વચ્ચે આવેલી હજારો વિઘા જમીનનું પાણી નિકાલ કરવા ખેડૂતોએ કમર કસી છે. આઠ દસ ફાઇટર મશીન ગોઠવી છેલ્લાં ત્રણ દિવસથી રાતદિવસ એક કરી ખેતરના પાણી લોટેશ્વર માઈનોઁર કેનાલમાં ઠાલવી રહ્યાં છે. સમી તાલુકામાં 120 ટકા વરસાદ ચાલુ સાલે ખાબક્યો અને સતત દિવાળી સુધી છુટ્ટોછવાયો વરસતો રહ્યો છે. પાછોતરો વરસાદ વધુ ખાબકતાં ખેતરો હજુ બેટમાં ફેરવાયેલા છે. પાલિપુર કાઠી રવદ સહિતના ખેડૂતોની 1 હજાર વીઘા જેટલી જમીનમાં મહિનાથી વરસાદી પાણી ઓછર્યા નથી. આ પાણીનો નિકાલ કરવા અન્ય કોઈ વિકલ્પના હોઈ બાજુમાંથી પસાર થતી લોટેશ્વર ડિસ્ટ્રીની ખાલી પડેલી કેનાલમાં એક નહીં પણ નવ દસ ડીઝલ એન્જિન દ્વારા છેલ્લા પાંચ પાંચ દિવસથી રાતદિવસ એક કરી 25 જેટલા ખેડૂતો પારા બાંધી ખેતરોનું પાણી કેનાલમાં વહેતુ કરવા મજબૂર બન્યા છે.
હજુ 10 થી 15 દિવસ ડીઝલ એન્જિન ચાલુ રાખશે અને ખેતરો ખાલી થશે તો પણ એકથી દોઢ મહિના સુધી ખેતરો ખેડવા લાયક બને તેવી પરિસ્થિતિ સર્જાઈ છે. આ ખેતરોમાં ચણા, ઘઉં અને જીરાનું વાવેતર થઈ શકે છે.