સાંતલપુર, તા.૦૪
કમોસમી વરસાદ વરસતા સાંતલપુર તાલુકાના પીપરાળા અને ગરામડી સહિતના ગામોમાં
ખેડૂતોને ખૂબ મોટું નુકશાન વેઠવાનો વારો આવ્યો છે. સાંતલપુર તાલુકામાં ગવાર, જુવારના
પાકને નુકશાન થવા પામ્યું છે અને કમોસમી વરસાદને પગલે ખેડૂતોને એક જ વીમા કંપની
પર જ હવે આધાર રાખવાનો વારો આવ્યો હતો, પરંતુ વીમા કંપનીના પણ ફોન બંધ
આવતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા અને આખરે સરકાર પર આક્રોશ ઠાલવતા જોવા
મળ્યા હતા. વીમા કંપની દ્વારા પાક નુકશાનીના ચોવીસ કે અડતાલીસ કલાકમાં જ વીમા
કંપનીને જાણ કરવામાં આવે તો જ વીમો મળે તેવા મનઘડત નિયમના પગલે ખેડૂતો દ્વારા
વીમા કંપનીને ટોલ ફ્રી નંબર પણ ફોન લગાવ્યા હતા પરંતુ ફોન જ બંધ રહેતા ખેડૂતો
મુશ્કેલીમાં મુકાયા હતા અને સરકાર અને વીમા કંપની પર રોષે ભરાયા હતા. તેવું ગરામડીના
વિક્રમસિંહ જાડેજાએ જણાવ્યું હતું.
પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના અંતર્ગત સાંતલપુર તાલુકાના ખેડૂતો યુનિવર્સલ સોંપો
જનરલ ઈન્સ્યોરન્સના વીમા લીધેલ છે. પણ ખેડૂતોને કોઈ વાત સાંભળવા તૈયાર નથી. આ
માટે વીમા કંપનીને ફોન કરી જાણ કરવાની હોય છે પણ તે વીમા કંપનીના ફોન પણ લાગતા
નથી તો હવે ખેડૂત શું કરે? તેવા સવાલ ઉઠી રહ્યા છે.