કર્ણાવતી નહીં આશાવલ રાખો

બેસતાવર્ષના દિવસે જ મુખ્યમંત્રી વિજય રૃપાણીએ અમદાવાદનું નામ કર્ણાવતી કરવાની જાહેરાત કરતાં હવે ગુજરાતમાં વિવાદ શરુ થયો છે. આદિવાસી સંગઠનોએ અમદાવાદનું નામ કર્ણાવતી રાખવા સામે વિરોધ કર્યો છે.તેમનુ કહેવુ છેકે, અમદાવાદનું પ્રથમ નામ આશાવલ હતુ.

આદિવાસી રાજાનુ શાસન હતુ. ઇતિહાસ સાથે ચેડાં થવા જોઇએ નહીં. આદિવાસી સંગઠનોએ ચિમકી ઉચ્ચારી છેકે, જો ભાજપ સરકાર અમદાવાદનું નામ બદલી કર્ણાવતી રાખશે તો,ગુજરાતભરમાં આંદોલન કરવામાં આવશે.

આદિવાસી સંગઠનોએ એવો મત વ્યક્ત કર્યો છેકે, અમદાવાદ એટલે આશાવલના મૂળ શાસકો આદિવાલી ભીલ હતાં.ઇતિહાસકારો પાસે તેના પુરાવા છે. આદિવાસી આગેવાને રોમેલ સુતરિયા કહે છેકે, ઇતિહાસ સાથે ચેડાં કરી શકાય નહી. ભાજપ જો નામાકરણ કરે તો,અમદાવાદનું આશાવલ નામ થવુ જોઇએ. કર્ણાવતી નામ આદિવાસીઓ સ્વિકારશે જ નહીં.

ધારાસભ્ય છોટુ વસાવાએ કહ્યુ કે,ચૂંટણી આવતા ભાજપને હવે બધુ યાદ આવ્યુ છે.આ માત્ર ગંદી રાજનિતી સિવાય કઇં નથી.ભાજપના નેતાઓ યાદ રાખે કે, નામ બદલાનારાઓના જ ૨૦૧૯ની ચૂંટણીમાં નામ-ઓળખ બદલાઇ જવાની છે. નામ બદલવાથી ભાજપને કોઇ રાજકીય ફાયદો થવાનો નથી.જો અમદાવાદનુ નામ કર્ણાવતી રખાશે તો,ગુજરાતમાં આદિવાસીઓ આંદોલન કરશે.ભાજપ પાસે હવે મુદ્દાઓ જ રહ્યાં નથી જેથી આવા કરતૂતો શરુ કર્યાં છે.

આ મતોનુ રાજકારણ છે તેવો ઉલ્લેખ કરતાં વિધાનસભા કોંગ્રેસપક્ષના દંડક અશ્વિન કોટવાલે જણાવ્યું કે,ચૂંટણીઓ જીતવા આ રાજકીય ષડયત્ર છે. સાડા ચાર વર્ષની નિષ્ફળતા ઢાંકવા ભાજપે હિંદુઓની લાગણીઓ ઉશ્કેરવાનુ શરુ કર્યુ છે.

અમદાવાદનું નામ આશાવલ રાખવા ગુજરાતના આદિવાસીઓ ધારાસભ્યો મુખ્યમંત્રી વિજય રુપાણીને પત્ર લખી એવી રજૂઆત કરશે કે, કાં તો અમદાવાદ નામ યથાવત રાખો,કાં તો, આશાવલ નામ રાખો,કર્ણાવતી નામ તો હરગીઝ નહીં. આમ,અમદાવાદના નામાકરણના મુદ્દે અત્યારથી જ ગુજરાતમાં રાજકીય માહોલ ગરમાયો છે.

અમદાવાદનું નામ બદલીને કર્ણાવતી કરવા સરકારમાં ચૂંટાયેલી પાંખ તરફથી થતી નિવેદનબાજી સામે હવે સચિવાલયમાંથી પણ વિરોધના સૂર ઉઠયા છે. દિવાળી વેકેશન બાદ સોમવારે લાભ પાંચમથી સચિવાલયમાં સરકારી કામકાજ શરૂ થયુ છે. બેસતા વર્ષના આરંભે સાલ મુબારકની આપ-લે વખતે પણ અધિકારીઓ સરકાર નામ બદલવાને બદલે પેન્ડીંગ પડેલા કામો, ફાઈલોના ઢગલાનો ઝડપથી નિકાલ કરે તેવી ચર્ચાઓએ જોર પકડયુ હતુ.

નામ બદલવાની વૈધાનિક સરકારી પ્રક્રિયાને સારી રીતે સમજતા સેક્રેટરીઓ પણ અમદાવાદનું કર્ણાવતી કરવા કોઈ નક્કર ઐતિહાસિક આધાર ન હોવાનું સ્વિકારી રહ્યા છે. ભૂતકાળમાં આ દિશામાં થયેલા પ્રયાસને વાગોળતા કેટલાક સિનિયર ઓફિસરોએ અમદાવાદનું નામ બદલીને કર્ણાવતી કરવા સરકારના વલણ સામે પત્રકારો, મુલાકાતીઓ સમક્ષ નારાજગી વ્યક્ત કરી હતી. વાઈબ્રન્ટ સમિટને કારણે એક નિર્વિવાદ રાજ્ય તરીકે ગુજરાતની ઈમેજ ઉભી થઈ છે. આગામી વર્ષે જાન્યુઆરીમાં ફરથી વાઈબ્રન્ટ સમિટ યોજાઈ રહી છે ત્યારે અમદાવાદ જેવા ગુજરાતના આર્થિક- સામાજિક અને સાંસ્કૃતિ પાટનગરના નામ બદલવા માટે સરકારે સામે ચાલીને દર્શાવેલી તૈયારીથી આ ઈમેજ ખરડાશે તેવી શંકા પણ કેટલાક અધિકારીઓએ વ્યક્ત કરી હતી. લાભ પાંચમે સચિવાલયમાં ખુલતાની સાથે જ કાળી ચૌદશથી શરૂ થયેલી અમદાવાદના નામ બદલવાની રામાયણને અધિકારીઓ સરકારના આ વલણને લોકસભા ચૂંટણી પહેલા હિન્દુમતોને પોતાની તરફ ખેંચવાના ગતકડાંરૂપે જોઈ રહ્યા છે. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ત્યાંના જિલ્લા અને શહેરોમાં નામો બદલવાનું શરૂ કરતા નામ કરણ મામલે વિવાદનો મધપુડો છંછેડાયો. આના પગલે વર્ષો પહેલા અમદાવાદનું નામ બદલી કર્ણાવતી કરવાનું ભાજપએ જે તૂત ઊભું કરેલું તેને ચૂંટણી ટાણે ફરીથી ધૂણતું કરી તેનો રાજકીય લાભ મેળવવા પ્રયત્ન થતો રહ્યો છે.

…પછી વર્લ્ડ હેરિટેઝ સિટીમાં ટૂરિસ્ટને શું દેખાડશો ?

જો અમદાવાદનું નામ કર્ણાવતી થશે તો ભારતના એક માત્ર વર્લ્ડ હેરિટેઝ સિટીમાં ટુરિસ્ટને શું દેખાડશો ? તંબુરો ! એવા આકારા વિધાનો સાથે સોશ્યલ મિડિયામાં ભાજપ સરકારનો વિરોધ થઈ રહ્યો છે. સરકાર હિંદુવાદી છે, તેવા પ્રદર્શન માટે નામ બદલે તો અહમદશાહ બાદશાહ અને તે પછીના મુસ્લિમ શાસકોએ બંધાવેલો ભદ્રનો કિલ્લો, કાંકરિયા તળાવથી લઈને ઝુલતા મિનારાને શહિદ કરી દેવાશે. એટલુ જ નહી, અમદાવાદ આવતા ઈન્ટરનેશનલ ગેસ્ટને સીદી સૈયદની જાળીનું મોન્યુમેન્ટ પણ કેવી રીતે આપી શકશે ? તેવા સવાલો સાથેનો વિરોધ #IAmAhmedabad અને #હુંઅમદાવાદછું હેશટેગ પર ટ્રેન્ડ કરી રહ્યા છે.

લોક લાગણીઓને સમજી ઝ્રસ્ યોગ્ય નિર્ણય કરે

લોકો અમદાવાદનુ નામ બદલી કર્ણાવતી કરવાના વિરોધમાં છે. સરકારના વલણ સામે ભારે આક્રોશ છે. ત્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણી લોક લાગણીઓને ધ્યાને રાખીને યોગ્ય નિર્ણય લેશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.