અમદાવાદ,તા.31
કેન્દ્ર સરકાર કોડ ઓફ સોશિયલ સિક્યોરિટી દાખલ કરીને ગ્રેચ્યુઈટી પાંચ વર્ષ બાદ જ આપવાનો નિયમ બદલીને એક વર્ષનો કરવાનો નિર્ણય લે તેવી સંભાવના છે. કેન્દ્ર સરકાર દ્વારા સોશિયલ સિક્યોરીટી માટેનું વિધેયક સંસદના શિયાળુ સત્રમાં દાખલ કરવામાં આવે તેવી સંભાવના છે. જોકે સરકારે ગ્રેચ્યુઈટી માટેની પાત્રતા માટે એક વર્ષની મુદત કરવાને મુદ્દે હજી સુધી કોઈ જ જાહેરાત કરી નથી.
જનતાના મંતવ્યો મંગાવાયા
જોકે સામાજિક સલામતી માટેની સંહિતાનો સૂચિત મુસદ્દો કેન્દ્ર સરકારે તાજેતરમાં જ જાહેર જનતાના મંતવ્ય માટે મૂક્યો છે. તેમ જ તે અંગે જનતાના સૂચનો, મંતવ્યો અને ટીપ્પણીઓ મંગાવી છે. સંસદમાં આ અંગે કોઈપણ પ્રક્રિયા કરતાં પહેલા સરકારે આ મુસદ્દો મૂક્યો છે. આ અંગે 25મી ઓક્ટોબર સુધીમાં જનતાના મંતવ્યો મંગાવ્યા છે. સોશિયલ સિક્યોરીટી કોડમાં ગ્રેચ્યુઈટી માટે લાગુ પડતી હાલની જોગવાઈ મુજબ પાંચ વર્ષથી ઓછી મુદત માટે નોકરીમાં સેવા આપવામાં આવી હોય તેવી વ્યક્તિને ગ્રેચ્યુઈટીનો લાભ ન આપવાની જોગવાઈ કરવામાં આવી છે. બીજા શબ્દોમાં કહીએ તો પાંચ વર્ષથી વધુ સમયની નોકરી એક જ સંસ્થામાં કરનાર વ્યક્તિને ગ્રેચ્યુઈટી આપવી જરૂરી છે. વ્યક્તિ નિવૃત્ત થાય કે રાજીનામું આપે અથવા તેનું અવસાન થાય કે પછી અકસ્માતને કારણે પંગુતા આવી જતાં કે રોગને કારણે શારીરિક ક્ષમતા ઓછી થઈ જાય તે તબક્કે અથવા તો નિશ્ચિત મુદત માટે રોજગારી આપવામાં આવી હોય તો રોજગારીની તે મુદત પૂરી થવા આવે ત્યારે તેને ગ્રેચ્યુઈટી ચૂકવવાની થાય છે.
છેલ્લા પગારના આધારે ગ્રેચ્યુઈટીની રકમ નક્કી થશે
સોશિયલ સિક્યોરીટી માટેની સંહિતામાં જણાવવામાં આવ્યું છે કે શારીરિક ખામી કે ખોડને પરિણામે અથવા તો કર્મચારીનું મૃત્યુ થવાને પરિણામે કે પછી નિશ્ચિત મુદતની નોકરીનો સમયગાળો એટલે કે નોકરી માટેના કરારનો સમયગાળો પૂરો થાય અથવા તો સરકારે નોટિફાય કરેલી કોઈ ઘટના કર્મચારીના જીવનમાં બની જાય તેવા કિસ્સાઓમાં કર્મચારીઓને ગ્રેચ્યુઈટીની રકમ આપવાની થશે. આ સોશિયલ સિક્યોરિટી કોડમાં જણાવવામાં આવ્યું છે કે નોકરીના જેટલા વર્ષ થયા હોય અથવા તો જેટલા વર્ષ અને ઉપરાંત છ માસથી વધુ નોકરી થઈ હોય તો તે છેલ્લા વર્ષને પણ આવરી લઈને તેના નોકરીના વર્ષ ગણવાના રહેશે. કર્મચારીને મળેલા છેલ્લા પગારને આધારે તેની ગ્રેચ્યુઈટીની રકમ નક્કી કરવાની રહેશે.
સીઝનલ જોબ કરનારાઓને સીઝનના સાત દિવસના પગારને ધોરણે ગ્રેચ્યુઈટી
સૂચિત મુસદ્દામાં જણાવવામાં આવ્યું છે કે પૂરા થયેલા વર્ષની નોકરી અથવા ત્યારબાદના વર્ષમાં છ મહિનાથી વધુ સમય સુધી નોકરી કરી હોય તો તે વર્ષ સહિતના ગાળાને એક વર્ષ ગણીને વર્ષના પંદર દિવસ પ્રમાણે ગ્રેચ્યુઈટી ગણી આપવાની રહેશે. રોજમદારના કિસ્સામાં કર્માચારીને ત્રણ મહિનાના સમય ગાળામાં મળતા સરેરાશ પગારને આધારે તેમની ગ્રેચ્યુઈટી ગણવાની રહેશે. સીઝનલ કામકાજ માટે નિયુક્ત કરવામાં આવતા શ્રમિકો કે કર્મચારીઓને આખુ વર્ષ નોકરી ન આપવામાં આવી હોય તો તેવા કિસ્સાઓમાં દરેક સીઝનના સાત દિવસની ગ્રેચ્યુઈટી ગણીને તેમને ગ્રેચ્યુઈટી ચૂકવવી પડશે.