હેમીંગ્ટન જેમ્સ
અમદાવાદ, તા.05
રાજ્યની વિજય રૂપાણી સરકારને ઉદ્યોગપતિઓ અને બિલ્ડરોની ખૂબજ ચિંતા છે. બુધવારે તેમણે તમામ કલેક્ટર્સ અને અન્ય સબંધિત અધિકારીઓને જમીનના એનએની કાર્યવાહી ઝડપી કરવા વિશેષ સુચના આપી છે. સ્વભાવિક છે કે અર્થતંત્રને ગતિ આપવાના નામે તેમણે બિલ્ડરોને લાભ થાય એવી વ્યવસ્થા કરી છે પણ બીજી બાજુ સામન્ય પ્રજાના કમ માટે સરકારે જ નક્કી કરેલી સમય મર્યાદાનું પાલન કરાતું નથી એ બાબતે સરકાર દુર્લક્ષ્ય સેવે છે. સરકારે દરેક વિભાગની જવાબદારીઓ નક્કી કરી હોવા છતાં યોગ્ય કાર્યવાહી થતી નથી અને પ્રજાના કામ ટલ્લે ચઢતા હોય છે. સરકારે દરેક વિભાગમાં નાગરિકોને સેવા અંગેની સમય મર્યાદા તો નક્કી કરી છે પણ આ બાબતે પ્રજા પણ અજાણ હોય છે અને તેનો પૂરો લાભ સરકારી કર્મચારીઓ લેતા હોય છે અને તેમના કામ ટલ્લે ચઢાવે છે. જેની મુખ્ય પ્રધાન રૂપાણીને જરાયે ચિંતા તો નથી જ પણ વળી શહેરના મેયર બીજલ પટેલ તો આ બાબતતી અજાણ હોવાનું કહે છે.
રાજ્યના દરેક સરકારી વિભાગો અને સ્થાનિક સત્તામંડળો દ્વારા નાગરિકોને પૂરી પાડવામાં આવતી સેવાઓ માટે ચોક્કસ સમય મયાર્યાદા મુકરર કરવામાં આવેલી છે. જે મુજબ કોઈ પણ નાગરિક કે સોસાયટી કે પછી ફ્લેટ નગર પાલિકા કે મહાનગર પાલિકાને લગતી સેવાઓ જો લેવા માગતા હોય તો જે તે સત્તામંડળની હદ અને મયાર્યાદા પ્રમાણે અરજી કરવાની રહે છે. તે અરજી પર મુકરર કરેલી ડેડ લાઈન કોઈ પણ અધિકારી અનુસરતા નથી કે સરકારના તે પરિપત્રને ગણકારતાં પણ નથી.
રાજ્ય સરકારના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ, ગાંધીનગર દ્વારા રાજ્યની તમામ પાલિકાઓ અને મહાનગર પાલિકાના કમિશનરોને સંબોધીને એક પત્ર વર્ષ 2016માં લખવામાં આવ્યો હતો, જેમાં તમામ ખાતાઓને કામગીરી પૂરી કરવા માટે ડેડ લાઈન જણાવવામાં આવી છે. આટલું જ નહીં અધિકારીઓએ નિયત સમયમાં પ્રજાલક્ષી કામ કરીને તેની વિગતો ઈન્ટરનેટ પર પણ મૂકવાની રહે છે. જે નિયમ હેઠળ આ કામગીરી કરવાની રહે છે તે છે ગુજરાત (જાહેર સેવા અંગેનો અધિકાર) અધિનિયમ 2013.
શહેરના આરટીઆઈ એક્ટિવીસ્ટ અને સામાજિક કાર્યકર પંકજ ભટ્ટે જનસત્તાને જણાવ્યું હતું કે આ પત્ર મેં આરટીઆઈ થકી મેળવ્યો હતો. જેમાં તમામ અધિકારીઓને તેમની ફરજો પૂરી કરવા માટે ચોક્કસ સમય ફાળવવામાં આવ્યો છે. રાજ્ય સરકાર દ્વારા લખવામાં આવેલા એ પત્ર પર કોઈ અમલ કરતું નથી. આ બાબતે અનેક ફરિયાદો કરવામાં આવેલી છે પણ પરિણામ શૂન્ય જ રહ્યું છે.
અમદાવાદના મેયર, બીજલ પટેલે જણાવ્યું કે, પહેલાં તો, આવો કોઈ પરિપત્ર હોવા અંગે મને કોઈ જાણ નથી. છતાં હું આ અંગે તપાસ કરાવી લઉં. જો આવો પરિપત્ર હોય તો પ્રજાના કોઈ પણ કામ માટે વિલંબ થવો જોઈએ નહીં. હું ચોક્કસ આ બાબતે તપાસ કરાવીશ.
કયા કામ સમય મર્યાદા
મિલ્કત વેરાની નવી આકારણી માટે 09 દિવસ
મિલ્કતમાં નામ ફેરફાર કરવા માટે 30 દિવસ
મિલ્કત વેરાની નવી આકારણીની ગૂંચવણ ઉકેલી નિર્ણય માટે 30 દિવસ
મિલ્કત વેરા રિફંડ 15 દિવસ
ભાડૂઆતનું નામ બદલવા કે રદ કરવા માટે 15 દિવસ
પાણીનું નવું કનેકશન લેવા માટે 30 દિવસ
ગટરનું નવું કનેકશન લેવા માટે 30 દિવસ
રહેણાંક (વ્યક્તિગત)ની બિલ્ડિંગ પરમિશન 30 દિવસ
રહેણાંક (સોસાયટી/કોમ્પલેક્સ )ની બિલ્ડિંગ પરમિશન 90 દિવસ
ઐધોગિક / કોમર્શિયલ/ અન્ય બિલ્ડિંગ પરમિશન 90 દિવસ
જન્મનું પ્રમાણપત્ર 03 દિવસ
મરણનું પ્રમાણપત્ર 03 દિવસ
ગુમાસ્તાધારા હેઠળ નવું લાયસન્સ 30 દિવસ
ગુમાસ્તાધારા હેઠળ લાયસન્સ રિન્યુઅલ 07 દિવસ
ખાદ્ધ, અખાદ્ધ લાયસન્સ 30 દિવસ
માર્કેટ માટે લાયસન્સ 15 દિવસ
રજિસ્ટ્રેશન
એન્જિનિયર, પ્લમ્બર, સ્ટ્રકચરલ ડિઝાઈનરનું 30 દિવસ
પ્રોફેશનલ ટેક્સનું રજિસ્ટ્રેશન 03 દિવસ
બિલ્ડિંગ યૂઝ માટે એનઓસી (બીયુ) 15 દિવસ
પ્લાન રિન્યુલ એનઓસી 15 દિવસ
આ ઉપરાંત, જો કોઈ પણ કામ તેની મુકરર કરવામાં આવેલી સમય મર્યાદામાં ન થાય તો કયા અધિકારીને તે અંગેની ફરિયાદ કરી શકાય તે અંગે પણ વિગતો સરકાર દ્વારા નગર પાલિકાઓ અને મહાનગર પાલિકાઓને સ્પષ્ટ આદેશો આપવામાં આવ્યા છે. ખાતા પ્રમાણે અપીલ અધિકારી, એટલે કે અરજી પર કામ ન થાય તો જેને જાણ કરવાની રહે તે અંગેને વિગતો નીચેના કોષ્ટકમાં આપેલી છે.
પ્રોપર્ટી ટેક્ષ
સમયમર્યાદા
30 દિવસ, વધુમાં વધુ
કામ કરનાર અધિકારી
વોર્ડ ઈન્સ્પેક્ટર, ડિવિઝનલ સુપ્રિન્ટેન્ડેન્ટ
ફરિયાદ નિવારનાર અધિકારી (પ્રથમ)
આસિસ્ટન્ટ મેનેજર
ડેઝિગ્નેટેડ ઓફિસર
ડેપ્યુટી એસેસર અને ટેક્ષ કલેકટર
ઈજનેર વિભાગ, પાણી અને ગટરને લગતી સેવાઓ
સમય મર્યાદા
વધુમાં વધુ 30 દિવસ
કામ કરનાર અધિકારી
આસિસ્ટન્ટ એન્જિનિયર
ફરિયાદ નિવારનાર અધિકારી (પ્રથમ)
ડેપ્યુટી સિટી એન્જિનયર
ડેઝિગ્નેટેડ ઓફિસર
એડિશનલ સિટી એન્જિનિયર
નગર વિકાસ ખાતું, બીયુ પરમિશન તથા અન્ય કામો
સમયમર્યાદા
વધુમાં વધુ 90 દિવસ
કામ કરનારા અધિકારી
વોર્ડ ઈન્સ્પેક્ટર
ફરિયાદ નિવારનાર અધિકારી (પ્રથમ)
આસિસ્ટન્ટ ટીડીઓ
ડેઝિગ્નેટેડ ઓફિસર
ડેપ્યુટી ટીડીઓ
જન્મ, મરણના પ્રમાણ પત્ર, આરોગ્ય ખાતું
સમયમર્યાદા
03 દિવસ
કામ કરનારા અધિકારી
સબ રજિસ્ટ્રાર
ફરિયાદ નિવારનારા અધિકારી (પ્રથમ)
રજિસ્ટ્રાર
ડેઝિગ્નેટેડ ઓફિસર
આરોગ્ય અધિકારી (હેલ્થ ઓફિસર)
ગુમાસ્તાઘારા, ટેક્ષ વિભાગ
સમયમર્યાદા
વધુમાં વધુ 30 દિવસ
કામ કરનાર અધિકારી
વોર્ડ ઈન્સ્પેક્ટર
ફરિયાદ નિવારનારા અધિકારી (પ્રથમ)
આસિસ્ટન્ટ મેનેજર
ડેઝિગ્નેટેડ ઓફિસર
ડેપ્યુટી એસેસર અને ટેક્ષ કલેકટર
ખાદ્ય લાયસન્સ, માર્કેટ લાયસન્સ, આરોગ્ય વિભાગ
સમય મર્યાદા
વધુમાં વધુ 60 દિવસ
કામ કરનારા અધિકારી
ફૂડ ઈન્સ્પેક્ટર
ફરિયાદ નિવારનારા અધિકારી (પ્રથમ)
પીએચએસ (પબ્લિક હેલ્થ સુપરવાઈઝર)
ડેઝિગ્નેટેડ ઓફિસર
આરોગ્ય અધિકારી
ફાયર વિભાગ, ફાયર એનઓસી
સમયમર્યાદા
30 દિવસ
કામ કરનારા અધિકારી
ડિવિઝનલ ફાયર ઓફિસર
ફરિયાદ નિવારનારા અધિકારી (પ્રથમ)
ડેપ્યુટી ફાયર ઓફિસર
ડેઝિગ્નેટેડ ઓફિસર
ફાયર ઓફિસર