ગાંધીનગર, તા. 20
મધ્યાહન ભોજન યોજના ફરી એકવાર વિવાદમાં આવી છે. આ વખતે ફરીવાર રાજકોટમાં મધ્યાહન ભોજન મામલે વિવાદ ઊભો થયો છે. અને આ વખતે મધ્યાહન ભોજનમાં અપાતા કાળા મગ વિવાદનું કારણ બન્યાં છે. જોકે, આ અંગે શિક્ષણપ્રધાન ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ કહ્યું કે, કાળા મગનો ઉપયોગ કરવા બાબત ડોયેટિશિયનની સલાહ લઈને અમે નિર્ણય કરવામાં આવશે.
કર્મચારીઓએ સોશિયલ મીડિયા મારફતે કર્યો વિરોધ
હાલમાં શાળાઓમાં વિદ્યાર્થીઓને અપાતા મધ્યાહન ભોજનમાં કાળા મગનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. પૌષ્ટિકતાની દ્રષ્ટિએ કાળા મગ ફાયદાકારક હોવાના કારણે તંત્ર દ્વારા મધ્યાહન ભોજનમાં કાળા મગ સામેલ કરવામાં આવ્યા છે. જોકે, મધ્યાહન ભોજન યોજનાના કર્મચારીઓ જ કાળા મગનો વિરોધ કરી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે. મધ્યાહન ભોજન યોજના સાથે જોડાયેલા કર્મચારીઓએ શાળાઓમાં મધ્યાહન ભોજનમાં આપવામાં આવતા કાળા મગનો વિરોધ સોશિયલ મીડિયા મારફતે કર્યો છે. જેમાં તેમણે એવો ઉલ્લેખ કર્યો છે કે, કાળા મગ તાંત્રિક વિધિમાં ઉપયોગમાં લેવાતા હોવાથી તે ભોજનમાં આપી ન શકાય.
સરકારની પ્રતિક્રિયા
જોકે, આ મામલે સરકારે પોતાની પ્રતિક્રિયા આપતા સ્પષ્ટપણે કહ્યું કે, કાળા મગ આપવા જોઈએ. આ વિરોધ અંગે શિક્ષણપ્રધાન ચૂડાસમાએ એવું કહ્યું હતું કે, શિક્ષણ વિભાગે રિપોર્ટ મંગાવ્યો છે. અને રિપોર્ટનાં આધારે સરકાર વિવિધ સ્તરે ચર્ચા વિચારણા કરીને આખરી નિર્ણય કરશે.
શું કહે છે ડાયેટિસિયન?
શહેરનાં જાણીતા ડાયેટિસિયન ડો. વાચ્ચિની ભટ્ટ કહે છે, કાળા મગ એ અન્ય કઠોળ પૈકીનું એક કઠોળ છે. આ મગની સામાન્ય રીતે દાળ બને છે. આ મગથી એનર્જીમાં સંચાર થાય છે તેનાં કારણે નાનાં બાળકોને એ આપવા જોઈએ. સાથે સાથે આ મગમાં અન્ય કઠોળ કરતાં વધારે પ્રમાણમાં પ્રોટિન હોવાનાં કારણે તેનાથી બાળકોમાં પ્રોટિનની માત્રા પણ વધારે છે અને તેનાં કારણે બાળકોમાં રોગ પ્રતિકારક શક્તિ પણ વધે છે. આ ઉપરાંત નાનાં બાળકોનાં હાડકાં વિકાસ પામતા હોવાનાં કારણે તેમને આ ખવડાવાથી તેમનાં હાડકાં વિકાસ પામે છે સાથે સાથે તે મજબૂત પણ બને છે જેનાં કારણે બાળકનાં વિકસતા હાડકાંમાં કોઈ ખામી ન રહી જાય. આમ આ કાળા મગ એ બાળકોનાં સર્વાંગી વિકાસ માટે ખૂબ જ જરૂરી છે અને તે ભોજનમાં આપવાનો જે નિર્ણય સરકારે કર્યો છે તે યોગ્ય છે.