કાશ્મીરના પુલવામામાં થયેલ હુમલામાં આતંકીઓને અને પાકિસ્તાનને જવાબ આપવા ગુજરાતમાં માંગ ઉઠી રહી છે. બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાના મોરીયા ગામના લોકોએ જ્યાં સુધી કાશ્મીરનો પ્રશ્ન ન ઉકેલાય કે શહીદોના બલિદાનનો પાકિસ્તાનને જડબાતોડ જવાબ ન અપાય ત્યાં સુધી કોઇપણ રાજકીય પક્ષના નેતાઓને ગામમાં પ્રવેશવા પર પ્રતિબંધ મૂકી દીધો છે.
લોકો માને છે કે વર્ષોથી રાજકીય નેતાઓ પોતાનો રાજકીય રોટલો શેકતા હોવાથી કાશ્મીરનો પ્રશ્ન અધ્ધરતાલ રહી ગયો છે અને વારંવાર થતાં આતંકવાદી હુમલામાં દેશના જવાનો શહીદી વહોરી રહ્યા છે. ત્યારે કાશ્મીરના પુલવામા આતંકી હુમલામાં જવાનો શહીદ થતા તેનો બદલો લેવાની માંગ પ્રબળ થવા પામી છે.
લોકસભાની ચૂંટણી માટે નેતાઓ ભાષણ બાજી મૂકી શહીદોના બલિદાનનો આતંકવાદીઓ અને પાકિસ્તાનને જડબાતોડ જવાબ નહી આપે તો આગામી ચૂંટણીમાં પ્રજા વચ્ચે જવું ભારે પડશે. મોરીયા ગામના લોકોએ અનોખી પહેલ કરી શહીદો પ્રત્યે સંવેદના દર્શાવી છે અને જ્યા સુધી આતંકી હુમલાનો જવાબ ન અપાય કે 370ની કલમ રદ ન કરાય ત્યાં સુધી કોઇ પણ રાજકીય નેતાઓને ગામમાં પ્રવેશવા પર પ્રતિબંધ ફરમાવતાં બેનર લગાવી દેવાયા છે.
ગામના યુવકો, વડીલોએ સાથે મળી નક્કી કર્યું છે કે જયાં સુધી પાકિસ્તાન સામે કાર્યવાહી ન થાય ત્યાં સુધી નેતાઓ ગામમાં ચૂંટણી પ્રચાર માટે આવી શકશે નહીં. જેને ગામમાં પ્રવેશવું હોય તે પહેલા અમને મળી કાશ્મીર બાબતે અમારા પ્રશ્નોના જવાબ આપે અન્યથા જે કાંઇ બનાવ બનશે તેની જવાબદારી જે તે નેતાની રહેશે તેવો નિર્ણય ગ્રામજનોએ લીધો છે.
મોરીયા ગામના યુવાનો અને પુરૂષો જ નહીં પરંતુ મહિલાઓના દિલમાં પણ દેશદાઝ એવી જ છે. જેથી ગામની મહિલા સરપંચે પણ નેતાઓને તેમનો રાજકીય રોટલો સેકવા કરતાં દેશ હીત પ્રત્યે વફાદાર રહેવું જોઇએ અને શહીદોનો બદલો નહીં લે ત્યાં સુધી કોઇપણ રાજકીય નેતાઓ ગામમાં ના આવવા માટે કડક ચેતવણી આપી છે. હાલમાં સમગ્ર દેશમાં જવાનોની શહીદી મામલે રોષ ભભૂકી ઉઠ્યો છે અને પાકિસ્તાન સામે કડક કાર્યવાહી કરવા માટેની માંગ એક સૂરે થઇ રહી છે ત્યારે હવે સરકાર પણ મોરીયા ગામના લોકોની માંગ સાંભળી પાકિસ્તાનને જવાબી કાર્યવાહી કરે તેવું લોકો ઇચ્છી રહ્યા છે.