કૃષિ વીમા કંપનીઓ બે વર્ષમાં રૂ. ૩૨૭૯ કરોડ નફો લઈ ગઈ, ખેડૂતો બેહાલ

આજરોજ વિધાનસભા ગૃહમાં પ્રશ્નોત્તરી કાળ દરમ્‍યાન ગુજરાત વિધાનસભા વિરોધપક્ષના ઉપનેતા શૈલેષ પરમારનો પ્રશ્ન હતો. આ પ્રશ્નની ચર્ચામાં ભાગ લેતાં ગુજરાત વિધાનસભા વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણીએ જણાવ્‍યું હતું કે, વર્ષ ૨૦૧૭ અને ૨૦૧૮માં રવિ અને ખરીફ સિઝનમાં રાજ્‍ય અને કેન્‍દ્ર સરકાર દ્વારા કુલ રૂ. ૫૬૦૦ કરોડ કરતાં વધારે રકમ સરકારી તિજોરીમાંથી વીમા પ્રિમિયમ પેટે ચૂકવવામાં આવી અને રૂ. ૭૯૯ કરોડ કરતાં વધારે રકમ ખેડૂતો દ્વારા ચૂકવવામાં આવી. આમ, કુલ રૂ. ૬૪૦૦ કરોડ જેટલી રકમ વીમા પ્રિમિયમ પેટે વીમા કંપનીઓને ચૂકવવામાં આવી. આ જ સમયગાળા દરમ્‍યાન વીમા કંપનીઓ દ્વારા રૂ. ૩૧૧૯ કરોડની રકમ પરત ચૂકવવામાં આવી છે. એટલે ખાનગી વીમા કંપનીઓ આ બે વર્ષમાં રૂ. ૩૨૭૯ કરોડ જેટલી રકમનો ચોખ્‍ખો નફો લઈ ગઈ છે.
ધાનાણીએ જણાવ્‍યું હતું કે, આપણે ત્‍યાં કહેવત છે કે, ‘ઘી ખીચડીમાં જ રહેવું જોઈએ, કાઠા ન ચૂસી જાય.’ ભાજપ સરકારની જે પાક વીમા નીતિ છે તેના કારણે સરકારને પણ નુકસાન થાય છે, ખેડૂતોને હક્કનો પાક વીમો મળતો નથી અને ખાનગી કંપનીઓ સરકારી તિજોરી લૂંટી જાય છે. અગાઉ આ એગ્રીકલ્‍ચર ઈન્‍સ્‍યુરન્‍સ કંપની ભારત સરકાર-રાજ્‍ય સરકારની ભાગીદારીવાળી હતી એ ‘ઘી ખીચડીમાં જ રહેતું હતું’. જ્‍યારે સારું વર્ષ હોય ત્‍યારે સરકારની કંપની કમાઈ અને નબળું વર્ષ હોય ત્‍યારે એમાંથી પાછું ખેડૂતોના ઘરમાં જતું હતું. ત્‍યારે ખાનગી વીમા કંપનીઓને આ ક્ષેત્રમાં પ્રવેશ આપવાના કારણો શું છે ? ખાનગી વીમા કંપનીઓને ચૂકવાતું પ્રિમિયમ જો સીધા ખેડૂતોના ખાતામાં જમા આપી દેવામાં આવે તો ગુજરાતના ખેડૂતોને વીમો લેવાની જરૂર પડે નહીં. વીમા કંપનીઓને પ્રિમિયમની રકમ ચૂકવવાને બદલે તેટલી જ રકમ દર વર્ષે ખેડૂતો જે ધિરાણ લે એને સીધા ચૂકવી દઈએ તો ખેડૂતો પણ રાજી થાય અને સરકારના પણ પૈસા બચે તેવું સૂચન પરેશ ધાનાણીએ સરકારને કર્યું હતું.
અન્‍ય એક પ્રશ્નની ચર્ચામાં ભાગ લેતાં પરેશ ધાનાણીએ જણાવ્‍યું હતું કે, ગિરનારની ગોદમાં ધરતીના ખોળે ગિરનાર આરોહણ અવરોહણ સ્‍પર્ધા યોજાય છે. આ સ્‍પર્ધામાં ટકી શકે એવા બાળકો તૈયાર કરવા ગિરનારની ગોદમાં પર્વતારોહણ તાલીમ કેન્‍દ્રો આવેલ છે. ઈડર ખાતે પણ પર્વતારોહણ તાલીમ કેન્‍દ્ર આવેલ છે અને માઉન્‍ટ આબુમાં પણ ભૂતકાળમાં જેને સાધના ભવન કહેતા હતા એ પર્વતારોહણ તાલીમ કેન્‍દ્ર હતું. સમગ્ર ગુજરાતમાંથી વધુમાં વધુ બાળકો પોતાના શરીર ખડતલ બનાવે, કુદરતના ખોળે જાય, કુદરત સાથે પ્રેમ બાંધે એ માટે આવા તાલીમ કેન્‍દ્રો રાજ્‍યવ્‍યાપી બનાવવા જોઈએ તેવી માંગણી પણ શ્રી પરેશ ધાનાણીએ કરી હતી.