ગુજરાતમાં નવરાત્રી શરૂ થઇ રહી છે ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી વધુ એક વખત ગુજરાતના પ્રવાસે આવી રહ્યાં છે. પાર્ટીના સૂત્રો કહે છે કે અમિત શાહ 28 અને 29મી સપ્ટેમ્બરે ગુજરાતની મુલાકાત લેશે. તેઓ રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિત પાર્ટીના પ્રદેશ નેતાઓ સાથે પેટાચૂંટણીની ચર્ચા કરે તેવી સંભાવના છે.
અમિત શાહ કેટલાક સરકારી કાર્યક્રમોમાં પણ ભાગ લેવાના છે. તેઓ નવરાત્રી મહોત્સવમાં દર વર્ષે ગુજરાતમાં આવે છે, તેમ આ વર્ષે પણ નવરાત્રીમાં તેઓ અમદાવાદ આવશે અને અમદાવાદના ગરબા મહોત્સવમાં ભાગ લેશે. તેમનો પ્રવાસ કાર્યક્રમ હજી નક્કી કરવામાં આવી રહ્યો છે પરંતુ તેઓ બે દિવસ રોકાવાના છે તે નિશ્ચિત છે.
સચિવાલયના સૂત્રોએ કહ્યું હતું કે, અમિત શાહ અમદાવાદ, પાટણ, બનાસકાંઠા અને મહેસાણા જિલ્લામાં સરકારી કેટલીક યોજનાઓને ખુલ્લી મૂકશે અને કેટલીક યોજનાઓના ખાતમૂહૂર્ત કરશે. ગુજરાતમાં છ બેઠકોની પેટા ચૂંટણીને અનુલક્ષીને પ્રદેશની બેઠકોમાં ભાગ લેશે. કમલમ કાર્યાલયમાં તેઓ મુખ્યમંત્રી તેમજ પાર્ટીના પ્રદેશ નેતાઓને મળશે.
ગજરાત ભાજપમાં અત્યારે સંગઠન પર્વ ચાલી રહ્યું છે, જે નવેમ્બરમાં પૂર્ણ થાય છે. રાજ્યમાં નવા પ્રદેશ પ્રમુખ કોને બનાવવા તે અંગે પણ અમિત શાહ પાર્ટીની બેઠકમાં માર્ગદર્શન આપે તેવી સંભાવના છે. ગુજરાતમાં પોલીસના ઉચ્ચ અધિકારીઓની બદલીની ફાઇલ તૈયાર છે ત્યારે તેમની સાથે ચર્ચા કરીને પોલીસ અધિકારીઓની બદલી થાય તેમ પણ માનવામાં આવે છે.
આ મહિનામાં તેઓ નાની સર્જરી કરાવવા માટે તેમજ તેમના પુત્ર જય શાહના જન્મદિવસ પ્રસંગે અમદાવાદ આવ્યા હતા. આ મહિનામાં તેમની આ બીજી મુલાકાત હશે. અમિત શાહ ગુજરાતમાં બે દિવસ રોકાવાના છે ત્યારે તેઓ કોંગ્રેસના કેટલાક ધારાસભ્યોને મળવા માટે પણ બોલાવી શકે છે.
ગાંધીનગરમાં એક સરકારી કાર્યક્રમમાં કોંગ્રેસના અબડાસાના ધારાસભ્ય પ્રધ્યુમનસિંહ અને ગાંધીનગરના ધારાસભ્ય સીજે ચાવડા ઉપસ્થિત રહ્યાં હતા અને રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે તેમની સરાહના પણ કરી હતી. આ ધારાસભ્યો ઉપરાંત પાંચ થી સાત જેટલા નારાજ ધારાસભ્યોને ભાજપમાં પ્રવેશ કરાવવાની પ્રક્રિયામાં તેઓ રસ લઇ રહ્યાં છે.