કેમિકલ ઉદ્યોગમાં મંદીના મંડાણ

અમદાવાદ,ગુરૂવાર

વૈશ્વિક મંદીની અસર ગુજરાત અને ભારતના કેમિકલ ઉદ્યોગ પર અને તેમાંય ખાસ કરીને ડાઈઝ એન્ડ ઇન્ટરમિડિયેટ્સની નિકાસ પર જોવા મળી રહી છે. સપ્ટેમ્બર મહિનામાં ઘટેલા કામકાજની અસર ઓક્ટોબર મહિનાને અંતે વધું જોવા મળશે. વિશ્વના બજારમાં મંદીની અસર હવે ભારતના ઉદ્યોગો પર પણ જોવા મળી રહી છે.

કેમિકલ એન્ડ ડાઈઝના એક્સપોર્ટર અને કેમેક્સિલની ગુજરાત રિજ્યનની કચેરીના ચેરમેન ભૂપેન્દ્ર પટેલનું કહેવું છે કે 2017-18ના વર્ષમાં ભારતમાંથી 2403.85 મિલિયન અમેરિકી ડોલર હતી તે 2018-19ના નાણાંકીય વર્ષમાં 16.84 ટકા વધીને 2808.6 મિલિયન અમેરિકી ડોલરની થઈ હતી. ત્યારબાદના એપ્રિલથી ઓગસ્ટ મહિના સુધીના સમયગાળામાં પણ નિકાસના કામકાજ નોર્મલ રહ્યા હતા. પરંતુ સપ્ટેમ્બર મહિનાથી વૈશ્વિક મંદીની અસર ગુજરાતના ડાઈઝ અને કેમિકલ ઉદ્યોગ પર જોવા મળી રહી છે. સપ્ટેમ્બર 2018માં ભારતમાંથી 235.71 મિલિયન અમેરિકી ડોલરના ડાઈઝ અને ઇન્ટરમિડિયેટ્સની ભારતમાંથી નિકાસ થઈ હતી. તેની સામે 2019ના સપ્ટેમ્બરમાં 228 મિલિયન અમેરિકી ડોલરની નિકાસ થઈ છે. આ નિકાસ સપ્ટેમ્બર 2019ના 30 દિવસના ગાળામાં ઘટી છે. ટકાવારીમાં આ ઘટાડો 2.93 ટકાનો છે. સપ્ટેમ્બર 2019માં ડાઈઝ એન્ડ ઇન્ટરમિડિયેટ્સની નિકાસ 228.80 મિલિયન ડોલરની થઈ છે.

તેમનું કહેવું છે કે આ બાબત ગુજરાતમાં પડનારી મંદીની અસરનો નિર્દેશ આપે છે. જોકે એપ્રિલથી સપ્ટેમ્બર 2018-19ના છ મહિનાના ગાળામાં ભારતમાંથી ડાઈજ એન્ડ ઇન્ટરમિડિયેટ્સની નિકસ 1406.77 મિલિયન અમેરિકી ડોલરની જ રહી હતી. તેની સામે 2019-20ના છ માસના ગાળામાં નિકાસ 4.95 ટકાના વધારા સાથે રૂા.1476.44 મિલિયન અમેરિકી ડોલરની થઈ હતી.

ડાઈઝનો ઉપયોગ ટેક્સટાઈલ અને લેધરની આઈટેમ્સને કલર આપવા માટે કરવામાં આવે છે. તેમ જ પિગમેન્ટ્સનો ઉપયોગ પ્લાસ્ટિકની વસ્તુઓને કલરફૂલ બનાવવા માટે કરવામાં આવે છે. ગરમ કપડાંને રંગીન બનાવવા અને તેનો ઉપયોગ કરવામાં આવે છે. એકલી ડાઈઝના નિકાસની વાત કરવામાં આવે તો 2017-18ના વર્ષમાં 2191.96 મિલિયન અમેરિકી ડોલરની નિકાસ ભારતમાંથી કરવામાં આવી હતી. આ નિકાસ 2018-19ના વર્ષમાં 25.80 ટકાના વધારા સાથે 2538.31 મિલિયન અમેરિકી ડોલરની થઈ હતી. પરંતુ સપ્ટેમ્બર 2018માં ડાઈઝની થયેલી 218.25 મિલિયન અમેરિકી ડોલરની નિકાસ સામે 2019ના સપ્ટેમ્બર મહિનામાં નિકાસ ઘટીને 212.82 મિલિયન અમેરિકી ડોલરની થઈ હતી. આમ તેમાં પણ 2.49 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. ઓક્ટોબર મહિનાને અંતે આ ઘટાડો વધી જવાની ધારણા રાખવામાં આવી રહી છે.

તેની સામે એપ્રિલ 2018થી સપ્ટેમ્બર 2018ના છ માસિક ગાળામાં ડાઈઝની નિકાસ 1268.68 મિલિયન અમેરિકી ડોલરની હતી. સપ્ટેમ્બર 2019ના એક મહિનામાં આ નિકાસ 1373.21 મિલિયન ડોલરની થઈ હતી. આમ તેમાં 8.93 ટકાનો વધારો જોવા મળ્યો છે.

એકલા ઇન્ટરમિડિયેટ્સની નિકાસની વાત કરવામાં આવે તો 2017-18ના વર્ષમાં 211.89 મિલિયન અમેરિકી ડોલરની નિકાસ થી હતી. 2018-19ના વર્ષમાં ત વધીને 270.36 મિલિયન અમેરિકી ડોલરની થઈ હતી. આમ તેમાં 27.59 ટકાનો વધારો જોવા મળ્યો હતો. એકલા સપ્ટેમ્બરની તુલના કરવામાં આવે તો 2018ના સપ્ટેમ્બર માસમાં 17.46 મિલિયન અમેરિકી ડોલરની નિકાસ થઈ હતી. જ્યારે સપ્ટેમ્બર 2019ના એક જ મહિનામાં તેની નિકાસ 8.48ટકાના ઘટાડા સાથે 15.98 મિલિયન અમેરિકી ડોલર થઈ છે. આમ મંદીના જોરાર ભણકારા સંભળાઈ રહ્યા છે. એપ્રિલથી સપ્ટેમ્બર 2018માં 14609 મિલિયન અમેરિકી ડોલરની નિકાસ સામે એપ્રિલ-સપ્ટેમ્બર 2019ના છ માસિક ગાળામાં નિકાસ 103.23 મિલિયના અમેરિકી ડોલની નિકાસ થઈ છે. તેમાં 29.34 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. આ બાબત આગામી મહિનાઓમાં કેમિકલ ઉદ્યોગ માટે આવી રહેલા કપરાં દહાડાના નિર્દેશો આપી રહ્યા છે.