કોંગ્રેસે પાંચ ઉમેદવારોના નામ જાહેર કર્યા, આજે ઉમેદવારી પત્રો ભરવાનો અંતિમ દિવસ

ગાંધીનગર, તા. 29

રાજ્યની છ વિધાનસભાની પેટાચૂંટણી માટે ભાજપ અને કોંગ્રેસ દ્વારા પોતાના ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે. બે દિવસ પહેલા બન્ને રાજકીય પક્ષો દ્વારા છ બેઠકો માટે ઉમેદવારોની પસંદગીને લઈને લાંબુ મનોમંથન કરવામાં આવ્યું હતું અને દરેક બેઠક પર બેથી ત્રણ ઉમેદવારોની પેનલ બનાવીને કેન્દ્રીય મોવડીમંડળને મોકલી આપી હતી. આ પેનલના આધારે તેમ જ પ્રદેશના નેતૃત્વ સાથેની લંબાણપૂર્વકની ચર્ચા બાદ કોંગ્રેસ દ્વારા પાંચ બેઠકો માટે નામ જાહેર કર્યા છે. જ્યારે ભાજપ દ્વારા મોડી રાત સુધીમાં ઉમેદવારોના નામ જાહેર થાય એવી શક્યતાઓ રહેલી છે. સાથે જ બન્ને પક્ષોએ પોતાની રણનીતિને પણ આખરી ઓપ આપ્યો છે.

કોંગ્રેસે પાંચ બેઠકો માટે નામ જાહેર કર્યા

કોંગ્રેસ દ્વારા છ બેઠકો પૈકી પાંચ બેઠકો પર પોતાના ઉમેદવારના નામ જાહેર કરી દેવામાં આવ્યા છે. જેમાં અમદાવાદ ની અમરાઈવાડી બેઠક પરથી ધર્મેન્દ્ર પટેલ, લુણાવાડા બેઠક પરથી ગુલાબસિંહ ચૌહાણ, રાધનપુરથી રઘુભાઈ દેસાઈ, થરાદ બેઠક પરથી ગુલાબસિંહ રાજપૂત અને બાયડ બેઠક પરથી જશુ પટેલનું નામ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે અન્ય એક બેઠક ખેરાલુ બેઠક માટે હજુ સુધી કોઈ નામ જાહેર કરવામાં આવ્યું નથી. પરંતુ સૂત્રોના જણાવ્યા પ્રમાણે ખેરાલુ બેઠકના ઉમેદવારને પ્રદેશ કોંગ્રેસ દ્વારા ફોન પર માહિતી આપી દેવામાં આવી છે અને તેમને મેન્ડેટ પણ મોકલી દેવામાં આવ્યો છે.

ભાજપ મોડી રાત્રે જાહેર કરશે નામો

તો બીજી બાજુ ભાજપની કેન્દ્રીય પાર્લામેન્ટરી બોર્ડની બેઠક નવી દિલ્હી ખાતે ચાલી રહી છે અને તેમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ ઉપરાંત વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત વરિષ્ઠ નેતાઓ ઉપસ્થિત છે. આ બેઠકમાં લંબાણપૂર્વકની ચર્ચા હાથ ધરવામાં આવી હોવાનું સૂત્રોએ કહ્યું હતું. જોકે, પ્રદેશ ભાજપના સૂત્રોના જણાવ્યા પ્રમાણે પેટાચૂંટણી માટેના ઉમેદવારોના નામ અંગે મોડી રાત સુધીમાં જાહેરાત થવાની સંભાવનાને જોતાં પ્રદેશ ભાજપ પ્રમુખે આ છ બેઠકો જે જિલ્લા ભાજપ હેઠળ આવે છે તે જિલ્લા ભાજપ પ્રમુખને કોરા મેન્ડેટ મોકલી આપ્યા છે. અને મોડી રાત્રે નામ જાહેર થાય તે પછી તેમાં નામ લખીને જે તે ઉમેદવારને પહોંચતા કરવાની સૂચના આપવામાં આવી છે.

ઉમેદવારી પત્રો ભરવાનો અંતિમ દિવસ

30મી સપ્ટેમ્બરે છ બેઠકો માટેની પેટાચૂંટણીની ઉમેદવારી કરવાનો અંતિમ દિવસ છે અને બન્ને મુખ્ય રાજકીય પક્ષો ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો વિજય મૂહૂર્તમાં ઉમેદવારી પત્રો ભરવાના છે. ત્યારે ભાજપના જે ઉમેદવારો ઉમેદવારી પત્રો ભરશે ત્યારે પ્રદેશ ભાજપના નેતાઓ ઉપરાંત ગુજરાતના નાયબ મુખ્યપ્રધાન, તેમ જ પ્રધાનમંડળના અન્ય સભ્યો પણ ઉમેદવારી કરવાના સમયે હાજર રહેશે. જેમાં ભાજપના પ્રદેશ પ્રમુખ રાધનપુર બેઠકના ઉમેદવારની ઉમેદવારી સમયે તેમની સાથે હાજર રહેશે. તો ખેરાલુ બેઠકના ઉમેદવારની ઉમેદવારી સમયે રાજ્યના નાયબ મુખ્યપ્રધાન નિતીન પટેલ ઉપસ્થિત રહેશે.