ક્યાંથી ભણશે ગુજરાત, પ્રાથમિક શાળાઓમાં મહત્વના વિષયોના શિક્ષકો જ નથી

કેન્યુઝ,ગાંધીનગર, તા.૨૫
ગુજરાતમાં રંગેચંગે પ્રવેશોત્સવ અને ગુણોત્સવની ઉજવણી કરીને કરોડોનુ આંધણ કરાય છે. પરંતુ જ્યારે ગુણવત્તાની વાત આવે તો આપણે ત્યાંના ત્યાં જ હોઇએ છીએ. સરકારી ચોપડે મોટીમોટી વાતો થાય છે. પરંતુ હકીકત કંઇ જુદી જ છે.

જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં ધો-આઠમામાં મુખ્ય વિષયના શિક્ષકોની ૩૦ ટકા જગ્યા ખાલી હોવાથી છાત્રોને અન્યાય થઈ રહ્યો છે. રાજ્ય સરકારના શિક્ષણ વિભાગે છેલ્લાં ત્રણ વર્ષથી ઉચ્ચત્તર પ્રાથમિક અંતર્ગત ધો-આઠમાં શિક્ષકોની ભરતી જ કરી નથી. સરકાર દ્વારા જે ભરતી કરવામાં આવી હતી, તેમાં માત્ર મુખ્ય વિષયનો જ સમાવેશ થતો હતો. જાકે, આ મુખ્ય વિષયની પણ સાવ ઓછી ભરતી કરી હતી.

પહેલા જ્યારે ધો-આઠ માધ્યમિક વિભાગ સાથે જાડાયેલું હતું ત્યારે ધો-આઠના વિદ્યાર્થીઓને આઠમાના તમામ વિષયના શિક્ષકોને સ્પેશિયલ શિક્ષકોનો લાભ મળતો હતો, કારણ કે આ શિક્ષકો ધો-૮, ધો-૯ અને ધો-૧૦માં પણ અભ્યાસ કરાવતા હતા. વિદ્યાર્થીઓને ગુજરાતી, વિજ્ઞાન, ગણિત, અંગ્રેજી અને સંસ્કૃત જેવા વિષયનો અલગ અને સ્પેશિયલ શિક્ષક મળતો હતો.