અમદાવાદ,તા:18
ક્રૂડ ઓઇલના ભાવ નરમ પડતાં અને અમેરિકી ફેડરલ દ્વારા દવ્યાજદરમાં કાપની આશાએ વૈશ્વિક બજારોમાં પ્રોત્સાહક વલણ જોવા મળ્યું હતું. જેથી સ્થાનિક શેરબજાર પર પણ અસર જોવા મળી હતી. દિવસ દરમ્યાન સેન્સેક્સ અને નિફ્ટી ઇન્ડેક્સમાંના શેરોની લેવાલી જોવા મળી હતી. ટ્રેડિંગ સેશનના અંતે સેન્સેક્સ 83 પોઇન્ટ સુધરીને 36,563.88ના સ્તરે બંધ રહ્યો હતો,જ્યારે નિફ્ટી 50 23 પોઇન્ટ સુધરીને 10,840.65ના સ્તરે બંધ રહ્યો હતો. નિફ્ટી ઇન્ડેક્સના 11માંના સાત ઇન્ડેક્સ તેજી સાથે બંધ રહ્યા હતા. મેટલ, બેન્ક અને રિયલ્ટી ઇન્ડેક્સમાં એક ટકા કરતાં વધુની તેજી થઈ હતી. ઓટો અને ફાર્મા વેચવાલીના દબાણ હેઠળ હતા. તાતા સ્ટીલ, વેદાંતા, એસબીઆઇ ટેક મહિન્દ્રા અને બજાજ ફાઇનાન્સમાં તેજી થઈ હતી, જ્યારે ઓએનજીસી, યસ બેન્ક, એરટેલ, એચડીએફસી અને સન ફાર્મામાં વેચવાલી રહી હતી.
વિશ્વભરનાં શેરબજારોની નજર અમેરિકી ફેડરલ દરો પર છે. જો વ્યાજદરમાં ઘટાડો થશે તો વૈશ્શવિક બજારોમાં વાતાવરણ પ્રોત્સાહક રહેશે. ટ્રેડિંગ સેશન દરમ્યાન મેટલ, બેન્ક, આઇટી, રિયલ્ટી અનેએફએમસીજી શેરોમાં લેવાલી જોવા મળી હતી. જોકે ફાર્મા, મિડિયા અને ખાનગી બેન્કોના શેરોમાં વેચવાલી થઈ હતી. એફઆઇએ 959 કરોડની વેચવાલી કરી હતી જ્યારે સ્થાનિક સંસ્થાઓએ 780 કરોડની ખરીદદારી કરી હતી.
મુંબઈ શેરબજારના સેન્સેક્સમાં સમાવિષ્ટ 30માંથી શેરોમાં મંદી થઈ હતી અને એનએસઈના નિફ્ટી50 ઇન્ડેક્સમાં 50માંથી 36 શેરોમાં મંદી થઈ હતી. મુંબઈ શેરબજારમાં 1301 શેરો સુધરીને બંધ રહ્યા હતા, જ્યારે 1044 શેરો ઘટીને બંધ રહ્યા હતા, જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જ પર 1,096 શેરો વધીને રહ્યા હતા, જ્યારે 1044 શેરો ઘટીને બંધ રહ્યા હતા. જ્યારે બેન્ક નિફ્ટીના 12માંથી 10 શેરો ઘટીને સાથે બંધ થયા હતા.
ઓટો અને એફએમસીજી ક્ષેત્રને જીએસટીમાં રાહત નહીં
ઓટો ઉદ્યોગ હાલ મંદીમાંથી પસાર થઈ રહ્યો છે. ઓટો કંપનીઓના વેટાણમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. . ઓટો ઇન્ડેક્સ પણ બે સપ્તાહના નીચલા સ્તરે બંધ રહ્યો હતો. બીજી બાજુ એફએમસીજી કંપનીઓ માટે પણ જીએસટીના દરોમાં રાહતની આશા નથી. નાણાં મંત્રાલયની ફિટમેન્ટ કમિટીએ જીએસટીમા ઘટાડાના પક્ષમાં નથી.
ઇ-કોમર્સના જંગી ડિસ્કાઉન્ટ સામે સીસીઆઇની લાલઘૂમ
ભારતીય સ્પર્ધા નિયમનકારે ઇ-કોમર્સ કંપનીઓ દ્વારા ઓફર કરવામાં આવતા જંગી ડિસ્કાઉન્ટ સામે લાલ આંખ કરી છે. પંચ આ સેક્ટરમાં કથિત સ્પર્ધા વિરોધી વર્તણૂક સામે કાર્યવાહી કરવા તૈયારી કરી રહ્યું છે. જંગી ડિસ્કાઉન્ટના લીધે કેટલાક કારોબાર ટકી શકતા નથી. તેના લીધે ગ્રાહકોના મનમાં ઉત્પાદનો અને સેવાનું મૂલ્ય ઘટે છે, એમ કોમ્પિટિશન કમિશન ઓફ ઇન્ડિયાના વડા અશોક કુમાર ગુપ્તાએ જણાવ્યું હતું.
ઇ-કોમર્સ પ્લેટફોર્મ્સ એમેઝોન અને ફ્લિપકાર્ટ તહેવારોની સીઝન દરમિયાન જંગી સેલ લોન્ચ કરવાની તૈયારીમાં છે ત્યારે વેપારીઓના સંગઠને સેલ પિરિયડ દરમિયાન ગ્રાહકોને પ્રોડક્ટ્સ પર આપવામાં આવતા જંગી ડિસ્કાઉન્ટનો વિરોધ કર્યો છે. સીસીઆઇએ ઇ-કોમર્સ સેક્ટરની કાર્યપદ્ધતિનો અભ્યાસ શરૂ કર્યો છે. નાના કારોબારીઓની ફરિયાદના આધારે વચગાળાનાં તારણોનો અહેવાલ બનાવવામાં આવશે.
કન્ફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા ટ્રેડર્સે જણાવ્યું હતું કે ઇ-કોમર્સ પોર્ટલ પર 10 ટકાથી 80 ટકા ડિસ્કાઉન્ટ ઓફર કરીને આ કંપનીઓ ભાવ પર અસર કરે છે અને તે સ્પર્ધાનું અસમાન સ્તર રચે છે જ્યાં સીધા વિદેશી રોકાણની નીતિનો ભંગ થાય છે.