રાજકોટ, તા. ૫ : ભારત અને બાંગ્લાદેશની ટીમોનું ગઈકાલે રાજકોટમાં આગમન થઈ ચૂક્યુછે. ટીમ ઈન્ડિયા અને બાંગ્લાદેશની ટીમને અલગ અલગ હોટલમાં ઉતારો આપવામાં આવ્યો છે. બંને ટીમોએ ગઈકાલે આરામ કર્યા બાદ આજે નેટ પ્રેકટીસ કરી પરસેવો પાડ્યો હતો. પ્રથમ ટી-૨૦માં હાર બાદ રાજકોટમાં ભારતની જીત માટે દબાણ વધ્યુ છે. જોકે આ મેચમાં ક્રિકેટ પ્રેમીઓને વિરાટ, જાડેજા સહિતના સ્ટાર ખેલાડીઓની ખોટ સાલશે. પરંતુ કેપ્ટન રોહિત શર્મા, ધવન, પાંડે, ચહલ જેવા ખેલાડીઓ મેદાનમાં આકર્ષણ જમાવશે. યુવા અને નવોદીત ખેલાડીઓ સાથે અનુભવી ખેલાડીઓએ પણ પોતાનું શાનદાર પર્ફોર્મન્સ આપવુ પડશે. સૌરાષ્ટ્ર ક્રિકેટ એસો.ના ખંઢેરીના મેદાનમાં ૭મીએ મહામુકાબલો રમાનાર છે. તમામ તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે. ટિકીટોનું ધૂમ બહારમાં વેચાણ થઈ રહ્યુ છે. એસ.સી.એ.ના અધિકારીઓની ટીમ દ્વારા તમામ તકેદારીઓ રાખવામાં આવી છે.રાજકોટની ખંઢેરીની પીચ બેટીંગ પીચ છે. જેથી રનોના ઢગલા થશે. દર્શકોને ચોગ્ગા – છગ્ગાની રમઝટ માણવા મળશે. લાંબા સમય બાદ રાજકોટમાં આંતરરાષ્ટ્રીય કક્ષાની મેચ રમાઈ રહી હોય સૌરાષ્ટ્રભરમાં ક્રિકેટ ફીવર છવાયો છે.