ખાનગી કૃષિ કોલેજો સામે વિદ્યાર્થીઓનો વિરોધ

કૃષિ સ્નાતક અને અનુસ્નાતકની પદવી મેળવવા કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા સંચાલિત કૃષિ યુનિવર્સિટીઓ જ આ કૃષિ શિક્ષણ આપવાની માન્યતા ધરાવે છે. તેમ છતાં કેટલીક ખાનગી યુનિ.ઓ પણ વગર પરવાનગીએ આ પ્રકારના કોર્સ ચલાવતી હોઇ વિદ્યાર્થીઓને એડમીશન પણ આપી દીધા છે. ત્યારે સરકારી યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવવા માટે જે પરીક્ષા લેવાય છે તેના પર આ ખાનગી યુનિ.ઓએ સ્ટે લાવતાં પરીક્ષા રોકી દેવામાં આવી છે. જેના કારણે કૃષિ યુનિવર્સિટીઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી સંગઠનોમાં આક્રોશ છવાયો છે. ગુજરાતની ચારેય કૃષિ યુનિવર્સિટીઓમાં સોમવારથી બંધનું એલાન આપી આ લડતને ઉગ્ર બનાવવા આણંદ કૃષિ યુનિ.ખાતે ઓલ ઇન્ડિયા એગ્રીકલ્ચરલ સ્ટુડન્ટ્સ એસોસિએશન(AIASA) દ્વારા હોબાળો મચાવી બેનરો પ્રદર્શિત કરીને આક્રોશ વ્યક્ત કર્યો હતો.આ અંગે આઇસાના સ્ટેટ પ્રેસીડેન્ટ અનુરાગ ભાર્ગવ, હર્ષ પટેલ, અંજલિ કાછડિયા સહિતના વિદ્યાર્થી અગ્રણીઓએ હાઇકોર્ટના નિર્ણયનો વિરોધ કરતાં જણાવ્યું કે, જો ખાનગી યુનિ.ઓ જ આ કોર્સ ચલાવશે તો મેરીટનું ધોરણ નહીં જળવાય અને બોગસ ડિગ્રીધારીઓનો રાફડો ફાટી નીકળશે. જેના કારણે ખેડૂતોને અન્યાય થશે અને સરકાર જેમનું જીવનધોરણ ઉંચું લાવવા માગે છે તેવા ખેડૂતોને વૈજ્ઞાનિક ઢબે પૂરતું માર્ગદર્શન નહીં મળે જેથી ખેડૂતો જ બેહાલ બનશે. કારણકે જે કૃષિ નિષ્ણાતો ડીગ્રીવાળા આવશે તેમની પાસે જરૂરી પાયાનું જ્ઞાન નહીં હોય. સ્ટેને અમે પડકારીશું.