ગાંધીનગર,12
ગુજરાતના ૪૯ લાખ ખેડૂતો ઓછા વરસાદ, ત્યારબાદ વધુ વરસાદ અને છેલ્લે કમોસમી વરસાદના કારણે ભારે યાતના અને પાયમાલીમાં ધકેલાઈ ગયા છે. ગુજરાતમાં છેલ્લા ત્રણ વર્ષથી કુદરતી આપત્તીનો સતત ખેડૂતો ભોગ બની રહ્યા છે. ગુજરાત સરકારના કૃષિ વિભાગે ૨૦૧૭, ૨૦૧૮ અને ૨૦૧૯ માં ખેડૂતોને ત્રણેય સીઝનમાં પાકનો વિપુલ વળતર, ખેત પેદાશોની ગુણવત્તામાં વધારો, પાકની નુકસાની, સેટેલાઈટ સર્વે, ડેટાબેંક, ફરીયાદ માટે પોર્ટલ સહિતની તમામ બાબતો માટે એમનેક્ષ ઈન્ફો ટેકનોલોજી અને હિટાચી ઇન્ડિયાના સંયુક્ત ભાગીદારીને કરોડો રૂપિયાનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે. ત્યારે, છેલ્લા બે મહિનાથી ખેડૂતોને, ઓછા વરસાદ, અતિ વરસાદ અને કમોસમી વરસાદમાં પાકની નુકસાની અંગે સર્વેના નામે ભાજપ સરકાર, ખાનગી વીમા કંપની, કૃષિ વિભાગ ચલક ચલાણું રમી રહી છે જેનાથી ખેડૂતો ભારે આર્થિક નુકસાનીમાં સપડાયા છે.
એમનેક્ષ ઈન્ફો ટેકનોલોજી ભાજપના મોટા નેતાની પુત્રીની કંપનીને કરોડો રૂપિયાના કોન્ટ્રાક્ટની શરત મુજબ ખેડૂતોના હિતમાં પાક નુકસાની વિગતો કૃષિ વિભાગમાં તૈયાર હોવા છતાં ભાજપ સરકાર – કૃષિ વિભાગની આપદા – કસોમસી વરસાદનો ભોગ બનેલ ખેડૂતોને શા માટે સીધુ વળતર ચુકવવામાં વિલંબ કરી રહી છે ? તેનો જવાબ માંગતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના નેતા ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, કુદરતી આફતો સામેની નુકસાની માટે વીમા કંપનીઓ દ્વારા વીમા કવચ માટે ખેડૂતો પાસેથી મોટુ પ્રિમીયમ વસુલ કરવામાં આવે છે. પણ વીમા કંપનીઓ ખેડૂતોને નિયમ મુજબ આપવાના પાક વીમાના નાણાં આપવામાં ઠાગાઠૈયા કરે છે. રાજ્યમાં ખરીફ પાક માટે વર્ષ ૨૦૧૮માં પ્રિમીયમ પેટે ખેડૂતોએ રૂા. ૩૪૯,૪૬,૪૧, ૬૩૭ રાજ્ય સરકારે રૂા. ૧૨૩૬,૦૧,૨૬૪,૪૧ અને કેન્દ્ર સરકારે રૂા. ૧૨૩૬,૦૧,૨૬૪,૪૧ ખાનગી કંપનીઓને ચૂકવેલ છે છતાં ખાનગી વિમા કંપનીઓએ ઘણી ઓછી રકમ ચૂકવેલ છે. પ્રધાનમંત્રી ફસલ વીમા યોજનાએ ખાનગી વીમા કંપનીઓને કરોડો રૂપિયાની કમાણી માટે અને ખેડૂતોને લૂંટવા માટે હોય તેમ જણાય છે. અમુક જિલ્લાઓમાં એક પણ ખેડૂતને એક પૈસો પણ ચૂકવવામાં આવેલ નથી. જ્યારે, અમુક જિલ્લાઓમાં માત્ર મજાક સમાન ત્રણ, પાંચ કે નવ જેટલા ખેડૂતોને મામૂલી રકમ પાક વીમા પેટે ચૂકવવામાં આવી છે.
હવામાન ક્ષેત્રે કામ કરતી ‘‘સ્કાયમેટ’’ કંપનીએ પણ ૧૧ રાજ્યોમાં પાકનુકસાની અંગે વિસ્તૃત અહેવાલ આપેલ છે. જેમા ગુજરાતમાં મગફળી, કપાસ, ડાંગર સહિતના પાકોને ભારે નુકસાનીનો સમાવેશ થાય છે. ગુજરાતમાં ૭૧,૪૨૯.૯૦૦ હેક્ટર જમીન ભારે વરસાદમાં અસર થઈ હતી તેમાંથી ૬૮,૨૪૯.૫૮ હેક્ટર ખેતીની જમીન ભારે વરસાદનો સમાવેશ થાય છે. ભાજપ સરકારનો જવાબ માંગતા કોંગ્રેસ નેતા ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, ભાજપના મોટા નેતાની પુત્રીની કંપની એમનેક્ષ ઈન્ફો ટેકનોલોજી ને કરોડો રૂપિયા ખેડૂતો – ખેતીના સર્વે માટે કોન્ટ્રાક્ટ અપાયા તે કામ શરતો મુજબ કૃષિ વિભાગ – સરકારમાં જમા છે કે નહિ ? શરતો મુજબ જ કામ થયું હોય તો કૃષિ વિભાગ ખેડૂતોને પાક નુકસાની ના વળતર ચુકવામાં સર્વેના નામે કેમ વિલંબ કરી રહી છે ? એમનેક્ષ ઈન્ફો ટેકનોલોજી – હિટાચી ઈન્ડિયા એ સર્વે કામગીરી ના કરી હોય તો જવાબદાર કોણ ? ખેડૂતો – ખેતી અને સરકારી તિજોરીને નુકસાની માટે જવાબદાર કોણ ?
ભાજપ સરકારમાં જમીન માપણી, સેટેલાઈટ મેપીંગ, ટેકાના ભાવો ૪૦૦૦ કરોડ મગફળી, મગ, તુવેર, સહિતના ખરીદી કૌભાંડના નામે કરોડો રૂપિયાના કૌભાંડની થાહી સુકાઈ નથી ત્યારે, ફરી એક વખત ગુજરાતની તિજોરી અને ખેડૂતો – ખેતીને ચૂનો લાગી રહ્યો છે તેના માટે કોણ જવાબદાર ? કૃષિ મંત્રીશ્રી જાહેર સમારંભોમાં મોટી મોટી વાતો કરે છે પણ અન્ય વિભાગની જેમજ કૃષિ વિભાગ પણ કરોડો રૂપિયાના કૌભાંડીઓને રાજકીય આશ્રય મળતો હોય તેમ એક પછી એક કૌભાંડ એ ભાજપ સરકારની ઓળખ બની ગયું છે.
ઓછો વરસાદ, અતિ વરસાદ અને કમોસમી વરસાદમાં ભોગ બનેલ ગુજરાતના ૪૯ લાખ ખેડૂતોને તાત્કાલીક નાણાં ચુકવવામાં આવે. સર્વેના નામે કરોડો રૂપિયાના કોન્ટ્રાક્ટ ધરાવતી કંપનીએ શરતો મુજબ કામ કરેલ છે કે નહિ તે જાહેર કરવામાં આવે. નિયમ મુજબ કામ ન થયું હોય તો તાત્કાલીક કંપની સામે છેતરપીંડી, સરકારી તિજોરીને નુકસાન, શરતોનું ઉલ્લંઘન, જેવા ગુન્હા હેઠળ ફોજદારી પગલા ભરવામાં આવે.