રાજકોટ, તા. ૧૭ : કેન્દ્રની મોદી સરકારે યાર્ડને રોકડ વ્યવહારો ઉપર બે ટકા ટિડીએસના નિયમમાંથી મુકિત આપતા સૌરાષ્ટ્રના ખેડૂતો તથા યાર્ડ વેપારીઓની માંગણીનો વિજય થયો છે. ખેડૂતોની માગણીનો સ્વિકાર કરવાના નિર્ણયને આવકારવામાં આવી રહ્યો છે. રૂપિયા એક કરોડથી વધુની રોકડના ઉપાડ ઉપર બે ટકા ટીડીએસ લાગુ કરવામાં આવતા રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરના માર્કેટ યાર્ડના વેપારીઓમાં વિરોધ વંટોળી ભભૂકી ઉઠયો હતો, અને ખેડૂતો માટે પણ સમસ્યા સર્જનારા નિર્ણય વિરૂદ્ધ બે દિવસ હડતાળ બાદ તેનો કચવાટ સાથે અમલ શરૂ થયો હતો, પરંતુ દરેક યાર્ડમાં પોતાની મોલ વેચવા આવતા કૃષિકારોને તુરત જ રોકડા પૈસા મળી જતા હતાં. હવે તાજેતરમાં સરકારે બેન્ક ખાતાઓમાંથી ૧ કરોડથી વધુના ઉપાડ પર બે ટકા ટીડીએસ લગાવવાનો નિયમ લાગુ કર્યો . તેમાં યાર્ડ પણ આવરા લવાયા હતા, યાર્ડના વેપારીઓ-કમિશન એજન્ટોએ એમ કહીને વિરોધ કર્યો હતો કે તમામ વ્યવહારો ચેકથી જ કરવાના હોય તો અનેક ખેડૂતોએ પોતાના બેન્ક એકાઉન્ટ ખોલાવવા પડશે, ચેક માટે વિગતો ભરવી પડશે અને કરોડોના વ્યવહાર કરતા વેપારીઓને આર્થિક ફટકો પડશે. ઉંઝા યાર્ડ દ્વારા હડતાળના અપાયેલા એલાનને સમર્થન આપવા રાજકોટ સહિત સૌરાષ્ટ્રના અનેક યાર્ડ દ્વારા પણ બંધ પાળવામાં આવ્યો હતો..રાજકોટ યાર્ડમાં દૈનિક ૧૦ કરોડ રૂપિયાના વ્યવહારો ચેકથી થતાં હતાં.