ખેડૂતોના 15 ગંભીર મુદ્દા છતાં ભારતીય કિસાન સંઘ ભાજપના ખોળે છે

ગાંધીનગર
ગુજરાતમાં કિસાન આંદોલન કેમ થતું નથી તેની પાછળનું મુખ્ય કારણ ભારતીય કિસાન સંઘ છે. આ સંઘના નેતાઓ સરકાર સાથે બેસી ગયા હોવાથી રાજ્યના 60 લાખ કરતાં વધુ કિસાનોના 15 જેટલા મહત્વના પ્રશ્નો યથાવત રહ્યાં છે. ગુજરાતમાં કિસાનો માટે મજબૂત નેતાની આવશ્યકતા છે. જો કોંગ્રેસ તેની કિસાન વિંગને મજબૂત નેતા આપી વિસ્તાર કરે તો ભાજપ સમર્થિત ભારતીય કિસાન સંઘના ગુજરાતમાં બાર વાગી જાય તેમ છે.

દેશના ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને રાજસ્થાનમાં કિસાન આંદોલન સફળ જાય છે તેનું મુખ્ય કારણ કિસાન આંદોલન ચલાવતી સંસ્થાઓ સરકારના દબાવમાં કામ કરતી નથી. ગુજરાતમાં કોંગ્રેસે પેરેલલ એક કિસાન સંગઠન ઉભું કર્યું હતું પરંતુ કિસાનોને તેની પર ભરોસો નથી અને તેજાબી વક્તાઓ પણ નથી તેથી તે ફેઇલ ગયું છે. આ સંગઠન આંદોલનના કાર્યક્રમો આપી શકતું નથી.

એક સમયે ઉત્તમ ખેતી, મધ્યમ વેપાર અને છેલ્લે નોકરી ગણાતી હતી. આજે આ સૂત્ર બદલાઇ ગયું છે. ખેડૂતો તિરસ્કારને પાત્ર બન્યા છે. રાત-દિવસ કાળી મજૂરી કરે છે પરંતુ તેને પોષણક્ષમ ભાવ મળતા નથી. વચેટીયા તત્વો ખેડૂતો અને ગ્રાહકોને લૂંટી રહ્યાં છે, પરિણામે ખેડૂતોનું યુવાધન આજે ખેતીથી વિમુખ થઇ રહ્યું છે.

બિયારણના ઉંચા ભાવ, ઓછા કલાક વીજળી, સતત ભેલાણ, ઝેરી જીવજંતુઓનો ભય, અનિયમિત ઓછી ઉપજ, ખેડૂતોનું શોષણ અને ઉપજના ઓછા દામથી ખેડૂત ત્રાસી ગયો છે. સરકાર કહે છે કે ખેડૂતોને સસ્તાદરની લોન આપવામાં આવે છે પરંતુ બેન્કો ખેડૂતોને પઠાણી ઉઘરાણીનો ત્રાસ કરાવી દે છે.

ખેડૂતોના દેવાં માફ કરવામાં રાજ્યો રાજ્યો વચ્ચે અંતર છે. કોઇ રાજ્ય ખેડૂતોના દેવાં માફ કરે છે તો કોઇ રાજ્ય જક્કી છે અને એવું કહે છે કે અમે દેવાં માફ કરતા નથી પરંતુ ખેડૂતોને વિવિધ સહાય આપીએ છીએ. આ સ્થિતિમાં ગુજરાતની હાલત કફોડી છે.

ગુજરાતમાં ખેડૂતોની મુખ્ય માગણીઓ શું છે…

Ø ખેડૂતોના દેવાંની નાબૂદી ગુજરાતે કરી નથી

Ø ખેડૂતોના પાક વિમાનું યોગ્ય વળતર મળ્યું નથી

Ø ખેડૂતોને પેન્શન તેમજ પશુપાલકોને ઘાસચારાનો વિમો નથી

Ø ખેડૂતોને ટેકાના ભાવ તેમજ આકસ્મિક મૃત્યુ વિમો નથી

Ø અનાજમાંથી બનતી બનાવટોના નફામાં હિસ્સેદારી મળતી નથી

Ø ખેડૂતોને ઝીરો ટકાથી ધિરાણ મળ્યું નથી

Ø ખેડૂતના સંતાનોને ઉચ્ચ અભ્યાસ માટે ઝીરો ટકાએ લોન મળતી નથી

Ø ખેડૂત અનાજનું વેચાણ કરે તો ઝીરો ટકા ટેક્સ નથી

Ø ખેડૂતોના ઓજારોમાં ટેક્સનું ભારણ છે

Ø દર વર્ષના અંતે ખેડૂતોને મોંઘવારીના પ્રમાણમાં ઉપજના ભાવ નસીબ નથી

Ø શાકભાજી પકવતા ખેડૂતોને વિમાનું રક્ષણ છે પરંતુ વિમો પાસ થતો નથી

Ø સજીવ ખેતી કરતા ખેડૂતો માટે અલગ માર્કેટ યાર્ડ ઉપલબ્ધ નથી

Ø શાકભાજી પકવતા ખેડૂતોને આધુનિક કોલ્ડ સ્ટોરેજ નથી

Ø આત્મહત્યા રોકવાના કોઇ ઉપાય સરકાર પાસે નથી

Ø ખેતીમાં વચેટીયા પ્રથા દૂર કરી શકાઇ નથી, પરિણામે ખેડૂત લૂંટાય છે