મહેસુલ વિભાગના પરિપત્રમાં જાહેરાત: કોઇ જમીનનો ઉપયોગ કરવાનનો હોય ત્યારે જિલ્લા કલેક્ટરની પૂર્વ મંજૂરી લેવાની રહેશે નહીં
ગાંધીનગર
ગુજરાત સરકારે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ એટલે કે એપીએમસીને જમીન મહેસૂલ સંહિતાની કલમ 65 (ખ)ના હેતુ માટે ખરેખર ઔદ્યોગિક પ્રવૃત્તિ (બોનાફાઇડ ઇન્ડસ્ટ્રીયલ પર્પજ) ગણવાનો નિર્ણય કર્યો છે, જેથી એપીએમસી માટેની જમીનમાં કોઇ અન્ય પૂર્વ મંજૂરી લેવાની રહેશે નહીં.
સરકારના મહેસૂલ વિભાગે તેના પરિપત્રમાં કહ્યું છે કે જમીન મહેસૂલ અધિનિયમમાં એવી કલમ ઉમેરવામાં આવી છે કે જેમાં એવી જોગવાઇ છે કે જ્યારે કોઇ જમીનનો ઉપયોગ ખરેખર ઔદ્યોગિક હેતુ માટે કરવાનો હોય ત્યારે કલમ 65 (ખ)ની જોગવાઇ પ્રમાણે કલેક્ટરની પૂર્વ મંજૂરીની જરૂરિયાત રહેશે નહીં.
આવી માગણીવાળી જમીન પરત્વે કલેક્ટરે ડીમ્ડ એનએ પરમીશન આપવાની રહે છે. આ કલમના સ્પષ્ટીકરણ-1માં કલમ 48 અને કલમ 67 (ક) ના હેતુઓ માટે ખરેખર ઔદ્યોગિક હેતુ એ શબ્દ પ્રયોગ એટલે કે માલના ઉત્પાદન, જાળવણી અને પ્રક્રિયાની પ્રવૃત્તિ (પર્યાવરણ સંરક્ષણ) અધિનિયમ 1986 હેઠળ કરેલા અને તે સમયે અમલમાં હોય તેવા જોખમી રસાયણોના ઉત્પાદન, સંગ્રહ અને આયાત નિયમો 1989ના અનુસૂચિ-1 ના ભાગ-2માં નિર્દેષ્ટ કરેલા (જોખમી અને ઝેરી રસાયણો સિવાય) અથવા કોઇ વ્યક્તિ દ્વારા ચલાવાતી કોઇ હસ્તકલા અથવા ઔદ્યોગિક પ્રવૃત્તિને ગણવામાં આવી છે
એટલું જ નહીં, તેમાં ઉત્પાદન પ્રક્રિયા અથવા તે હેતુ માટે ઉપયોગમાં લેવામાં આવતા ઔદ્યોગિક મકાનના બાંધકામ તેમજ પાવર પ્રોજેક્ટ અને સહાયક ઔદ્યોગિક પદ્ધતિ જેવી કે સંશોધન કે વિકાસ સબંધિત ઉદ્યોગોના ગોડાઉન, કેન્ટીન, કચેરીનું મકાન અને ઉદ્યોગોના કામદારો માટે રહેઠાણની સુવિધા પૂરી પાડવી, સહકારી એસ્ટેટ સહિત ઔદ્યોગિક એસ્ટેટની સ્થાપના કરવી, સેવા ઉદ્યોગ સ્થાપિત કરવો કે પર્યટન તેમજ કુટીર ઉદ્યોગનો સમાવેશ થાય છે.
ડીમ્ડ એનએ પરવાનગી આપવા અંગે કાર્યવાહી કરવા જીલ્લા કલેકટરોને સુચના
ઉદ્યોગ અને ખાણ વિભાગે તેની નોંધથી એપીએમસીને ઔદ્યોગિક પ્રવૃત્તિમાં સમાવેશ કરવાનો નિર્ણય કર્યો છે જેથી એપીએમસીને ઔદ્યોગિક પ્રવૃત્તિ ગણી કોઇ ઉદ્યોગ ગૃહ, વ્યક્તિ કે કંપની દ્વારા ખેતીની જમીન ખરીદવામાં આવે તો તેવા કિસ્સામાં ઉદ્યોગ ગૃહ, વ્યક્તિ કે કંપનીની પ્રવૃત્તિને જમીન મહેસૂલ અધિનિયમ 1979ની કલમ-48 તથા કલમ 65 (ખ) હેઠળ આવરી લઇ તેને ખરેખર ઔદ્યોગિક હેતુ ગણી ડીમ્ડ એનએ પરવાનગી આપવા અંગેની કાર્યવાહી કરવા તમામ કલેક્ટરોને સૂચનાઓ આપવામાં આવી છે.
રાજ્યના મહેસૂલ વિભાગના નાયબ સચિવ હરિષ પ્રજાપતિની સહીથી મહેસૂલ વિભાગે આ આદેશ બહાર પાડ્યો છે તેથી હવે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિઓ ગુજરાતમાં ઔદ્યોગિક પ્રવૃત્તિની વ્યાખ્યામાં આવશે કે જેથી ખેતીની જમીન ખરીદી શકશે અને ઔદ્યોગિક રીતે પ્રવૃત્તિ કરી શકશે.