ખેતરોમાં પાણી ભરાતા ઉભા પાકનો નાશ થતા સૌરાષ્ટ્રમાં લીલા દુકાળની સ્થિતિ

રાજકોટ,તા:૩૦   ખેતરોમાં ઉતારને આરે તૈયાર થઈને ઉભા કપાસ અને કઠોળના પાકો ઉપર સતત વરસાદ ચાલુ રહેતા કહોવાટ શરૂ થયો છે. દર વર્ષે જ્યાં વરસાદની અછત વર્તાતી હોય છે તેવા વિસ્તાર કચ્છમાં સારો એવો વરસાદ નોંધાયો છે તો રાજકોટમાં વરસાદે 100 વર્ષથી વધારે સમયનો રેકોર્ડ વરસાદે તોડી નાખ્યો છે.  નર્મદા ડેમ છલોછલ ભરાઈ જવાથી પાણીની તંગી નહીં રહે અને ખેડૂતો અન્ય સિઝનમાં પણ નહેરના પાણીથી પાક લઈ શકશે. આ બધાની વચ્ચે સતત વરસતા વરસાદના લીધે લીલા દુકાળ જેવી સ્થિતિનું નિર્માણ થયું છે.  કચ્છમાં આ વર્ષે 100 ટકા કરતા વધુ વરસાદ નોંધાયો છે તો ઉત્તર ગુજરાતમાં 100.71  ટકા વરસાદ નોંધાયો હતો. સૌરાષ્ટ્રમાં આ વર્ષે 132.86 ટકા વરસાદ નોંધાયો હતો. મધ્ય ગુજરાતમાં આ વર્ષે 122.69 ટકા વરસાદ નોંધાયો છે. જ્યારે સૌથી વધુ વરસાદ દક્ષિણ  ગુજરાત માં 142.05 ટકા નોંધાયો હતો.

કરોડો રૂપિયાની મહેનત ઉપર પાણી ફરતા રાજ્યભરના ખેડૂતોએ ગુજરાત સરકાર તત્કાળ વીમા કંપનીઓને આદેશ આપી, સર્વે કરાવીને પાક નુકશાનીનું વળતર ચૂકવે તેવી માંગણી કરી છે. રાજ્યના જિલ્લાઓની વાત કરીએ તો  91 જિલ્લામાં 40 ઈંચથી વધુ વરસાદ નોંધાયો થયો છે. 131 તાલુકાઓમાં 20 થી 40 ઈંચ વચ્ચે વરસાદ વરસ્યો છે જેના લીધે હવે ખેડૂતો પણ મેઘરાજા ખમૈયા કરે તેની રાહ જોઈ રહ્યાં છે. જ્યારે કપાસ જેવા પાકનું વાવેતર કરવામાં આવે અને સતત વરસાદ વરસે તો પાક બળી જાય છે અથવા છોડ પીળો પડી જાય છે. આમ વધારે વરસાદ હવે ખેડૂતો માટે ચિંતાજનક બન્યો છે.

લીલા દુષ્કાળને કારણે ઉત્તર ગુજરાતમાં કપાસના પાકમાં ૩૦ ટકા નુકશાન પહોંચ્યાનું ખેડૂત સંગઠનો જણાવી રહ્યા છે. નવરાત્રિ- દિવાળીમાં કપાસનો ઉતાર થતો હોય છે પણ આ વર્ષે કપાસના ફુલ સહિત આખા છોડ જ કહોવાઈ ગયાના દર્શ્યો સેંકડો ખેડૂતો ખેતીવાડી અધિકારીઓને મોકલી રહ્યા છે. જ્યાં છોડ સલામત છે ત્યાં નવા ફુલ ઉતરતા ૨૦ દિવસનો વિલંબ સાથે નુકાશન થશે એમ ખેડૂતો જણાવી રહ્યા છે. સૌરાષ્ટ્રમાં ગીર સોમનાથ, જૂનાગઢ જિલ્લાઓના ખેડૂતોએ પણ ખેતરમાં તૈયાર થયેલી ઉપર વરસાદના પાણીને કારણે મગફળીના બીજમાંથી ફરીથી અંકુરો ફુટી નિકળ્યાની ફરિયાદો સ્થાનિક ખેતીવાડી અધિકારીઓને કરી છે. સોરાષ્ટ્રમાં તો સરકારે રૂ.૧૦૧૮ના ટેકાના ભાવે મગફળી ખરીદવાની જાહેરાત કર્યા બાદ માર્કેટયાર્ડમાં બજારભાવ નીચે જતા ખેડૂતો પહેલાથી પરેશાન છે. ખેડૂતોએ તત્કાળ વીમા કંપનીઓના સર્વેક્ષણની માંગણી કરી છે.

કૃષિ વિભાગના અધિકારીએ જણાવ્યુ કે, ખરીફ સિઝનમાં રાજ્યમાં ૮૫.૮૭ લાખ હેક્ટરમાં વાવેતર થયુ હતુ. ઓગસ્ટના પહેલા સપ્તાહે અતિવૃષ્ટીને કારણે ૧૩ જિલ્લામાં ૨.૮૪ લાખ હેક્ટરમાં પાક નુકશાનીનો અહેવાલ હતો. મગફળી, તલ, કપાસ, કઠોળ અને શાકભાજીના પાકોમાં ૨૦-૨૫ ટકાથી વધારે નુકશાન થયુ છે. વિમા કંપનીઓ દ્વારા સર્વેક્ષણની કામગીરી ઝડપથી શરૂ થાય તેના માટે આગામી સપ્તાહે નિર્ણય કરવામાં આવશે.