ગટરના પાણીમાંથી ડીસાના નવા ગામના લોકો સ્મશાનયાત્રા કાઢવા મજબુર

ડીસા, તા.૨૫

ડીસા તાલુકાના નવા ગામમાં ગટરનું પાણી છલકાતાં રોડ પર દુર્ગંધ યુક્ત પાણી ફરી વળ્યું છે. જોકે પરિસ્થિતિ એટલી બગડી છે કે, ગામના લોકો ગટરના પાણીમાંથી  જ અંતિમયાત્રા કાઢવા માટે મજબૂર બન્યા છે. ગ્રામજનોએ આક્ષેપો કર્યા  છે કે વારંવાર રજૂઆત કરતા ગ્રામ પંચાયત આંખ આડા કાન કરી રહી છે.

ડીસાના નવા ગામમાં પાંચ હજાર કરતા વધુ વસ્તી છે. ગામમાં આવેલ શંકર ભગવાનના મંદિર પાસેના માર્ગ પર ગટરનું ગંદુ પાણી રોડ પર રેલાય છે. બીજી તરફ આ માર્ગે આંગણવાડી આવેલી હોવાથી બાળકોમાં રોગચાળો ફાટી નીકળવાની દહેશત વર્તાઈ રહી છે. ગટરનું પાણી રોડ પર રેલાતા આ માર્ગની એટલી બિસ્માર હાલત સર્જાઈ છે કે ગામમાં કોઈ દેહ છોડે તો અંતિમક્રિયા માટે સ્મશાને જવા આ ગટરના પાણીમાંથી પસાર થવાની ફરજ પડે છે.

ગ્રામપંચાયત અનેક ગ્રાન્ટ વાપરે છે, ગ્રામજનોએ માર્ગની સફાઈ માટે ગ્રામપંચાયતમાં રજુઆત કરવા છતાં તંત્ર આંખ આડા કાન કરી રહયા હોવાના આક્ષેપો કરી રહ્યા છે. જો આગામી સમયમાં આ માર્ગની સફાઈ કામ હાથ નહિ ધરાય તો ગમે ત્યારે રોગચાળો ભરડો લે તેવી ભીતિ ગ્રામજનોમાં ચર્ચાઈ રહી છે. તંત્ર હવે સફાઈ કામ હાથ ધરાવે તેવી ગ્રામજનો માંગ કરી રહ્યા છે.