ગાંધીનગર,તા.5
ગુજરાતમાં અત્યાર સુધીમાં મોસમનો 103 ટકા વરસાદ નોંધાયો છે જે ગયા વર્ષની સરખામણીએ 25 ટકા વધારે છે. હવામાન વિભાગની આગાહી છે કે આવનારા પાંચ દિવસમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે થી અતિ ભારે વરસાદ વરસી શકે છે.
અગાઉ 2017માં આટલો વરસાદ થયો હતો
ગુજરાતમાં સામાન્ય રીતે 15મી સપ્ટેમ્બરે ચોમાસુ પૂર્ણ થાય છે પરંતુ હજી 11 દિવસ બાકી છે ત્યારે ફરી પાંચ દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે તેથી આ વખતે મોસમનો કુલ સરેરાશ વરસાદ 110 ટકાથી પણ વધી શકે છે. અગાઉ 2017માં આટલો વરસાદ થયો હતો.
ગયા વર્ષે રાજયમાં 76.69 ટકા વરસાદ
ગયા વર્ષે 2018માં રાજ્યમાં 76.69 ટકા વરસાદ થયો હતો. સૌથી ઓછો વરસાદ ઉત્તર ગુજરાત અને કચ્છમાં હોવાથી બન્ને જગ્યાએ સરકારને દુકાળ જાહેર કરવો પડ્યો હતો. આ વર્ષે ચોમાસાની શરૂઆત મોડી થઇ હતી. આ વખતે 25 જૂન પછી વરસાદ થયો હતો જે સામાન્ય રીતે 7 થી 10 જૂને શરૂ થતો હોય છે.
કયા કેટલા ટકા વરસાદ?
રાજ્યના ઉત્તર ગુજરાતમાં 82.95 ટકા, દક્ષિણ ગુજરાતમાં 125.86 ટકા, મધ્ય ગુજરાતમાં 98.41 ટકા, સૌરાષ્ટ્રમાં 94.56 ટકા વરસાદ થયો છે. રાજ્યમાં સૌથી વધુ 114.44 ટકા વરસાદ વસલાડમાં થયો છે. આ જિલ્લામાં 2519 મીમી પાણી પડ્યું છે.
માછીમારોને દરિયો ના ખેડવા સુચના અપાઈ
ગયા વર્ષે ચોમાસાએ 22 જૂને પ્રવેશ કર્યો હતો અને 5મી સપ્ટેમ્બરે સિઝન પૂર્ણ થઇ હતી. કચ્છમાં માત્ર 26 ટકા વરસાદ નોંધાયો હતો. મોસમ વિભાગે એક બુલેટીનમાં જણાવ્યું છે કે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે થી અતિ ભારે વરસાદ થવાની સંભાવના છે. ખાસ કરીને દક્ષિણ અને સૌરાષ્ટ્રના ભાગોમાં ભારે વરસાદ થશે. સક્રિય ચોમાસાના કારણે ગુજરાતના દરિયાકાંઠે તેમજ દક્ષિણ અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં દરિયો તોફાની બની રહેશે, તેમજ હવામાન ખરાબ રહેશે. સમુદ્રમાં ઉંચી લહેરના કારણે 6 અને 7 સપ્ટેમ્બરે માછીમારોને દરિયો નહીં ખેડવાની સલાહ આપવામાં આવી છે.