પાટનગરમાં સ્વચ્છતા જાળવવાની કામગીરીને કેન્દ્ર સ્થાને રાખીને કામગીરી કરી રહેલા મ્યુનિસિપલ તંત્ર સામે મોટો પડકાર ઊભો થવાની આશંકા છે. કોન્ટ્રાક્ટ પદ્ધતિ રદ કરી સફાઈ કામદારોને કાયમી કરવાની માગણીનો સ્વીકાર ન થાય તો પાંચમી માર્ચથી હડતાલ પર ઉતરવાની ચીમકી સફાઈ કામદારોએ આપી છે.
ગુજરાત સફાઈ કામદાર વિકાસ નિગમનો ઉદેશ સફાઈ કામદારો અને તેમના આશ્રિતોને તેમના પરંપરાગત અમાનવીય ગુલામીગરીબીવાળા અસ્વચ્છ વ્યવસાયમાંથી મુકિત અપાવી તેઓ અને તેમના આશ્રિતો ગૌરવપૂર્ણ જીવન જીવી શકે તે માટે જરૂરી લોન સહાય પૂરી પાડી તેમનું પુનઃ સ્થાપન કરવાનો છે. પણ બોર્ડ દ્વારા કોઈ સાનુકુળ પગલાં લેવાયા નથી અને નવી ઓછા પગાર વાળી ગુલામગીરી વાળી નોકરી સફાઈ કામદારો કરી રહ્યાં છે.
વાલ્મિકી સમાજ ગુજરાત દ્વારા મ્યુનિ. કમિશનરને અપાયેલા આવેદન મુજબ, કોન્ટ્રાક્ટ પર કામ કરતાં સફાઈ કામદારોને કામયી કરવા જોઈએ અને કોન્ટ્રાક્ટ પ્રથા રદ કરવી જોઈએ. આ અંગે અલગ-અલગ સંગઠનોએ આવેદનપત્ર આપી રજૂઆતો કરી હોવા છતાં નક્કર પગલાં લેવાયા નથી. જેથી પાંચમી માર્ચછી સફાઈ કામદારો સફાઈ બંધ કરી હડતાળ પર ઉતરશે.
સફાઈ કામદારોના અધિકાર બાબતે યુનિયન દ્વારા મક્કમ પગલાં ન લેવાતા હોવાની લાગણી પણ બળવત્તર બની રહી છે. જેના પગલે ગાંધીનગર-અમદાવાદ શહેર સફાઈ કામદાર યુનિયનના કન્વીનર પદેથી ચૌહાણ ગૌવિંદભાઈએ રાજીનામું આપ્યું છે. તેમણે યુનિયનના પ્રમુખને સોંપેલા રાજીનામામાં જણાવ્યું હતું કે, યુનિયન તરફથી વાલ્મિકી સમાજના ભાગલા પાડવાનું કામ થાય છે. સફાઈ કામદારોના ઉદ્ધારના બદલે શોષણનું કામ થતું હોવાથી તેઓ આખરે રાજીનામું આપી રહ્યા છે.
ભરતી પ્રક્રિયા સામે સેનેટરી સબ ઈન્સ્પેક્ટરમાં રોષ
મ્યુનિ. કોર્પોરેશનમાં પાંચ વર્ષ કરતાં વધુ સમયથી આઉટસોર્સિંગમાં સેનેટરી સબ ઈન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા આઠ કર્મચારીઓએ ભરતી પ્રક્રિયા સામે રોષ ઠાલવ્યો છે. તેમણે મ્યુનિ. કમિશનર સમક્ષ કરેલી રજૂઆતમાં જણાવ્યું છે કે, તાજેતરમાં મ્યુનિ. દવારા ૧૬ સેનેટરી સબ ઈન્સ્પેક્ટરની નિયમિત નિમણૂક માટે જાહેરાત અપાઈ હતી, જેની લાયકાતમાં ગ્રેજ્યુએશન નિયત કરાયું છે. જો કે સેનેટરી ઈન્સ્પેક્ટરનો એક વર્ષનો કોર્ષ ધોરણ-૧૨ની પરીક્ષા પાસ કર્યા પછી કરી શકાય છે. ગ્રેજ્યુએટ ન હોવાથી આઉટસોર્સિંગના આઠ સેનેટરી સબ ઈન્સ્પેક્ટર ભરતી પ્રક્રિયામાં ભાગ લઈ શક્યા નથી. પાછલા પાંચ વર્ષથી દર વર્ષે ૨૪૦ દિવસ કરતાં વધુ સમય સતત ફરજ બજાવી હોવાથી પોતાને કાયમી કરવા માટે તેમણે માગણી કરી છે.
ધારાસભ્ય ઈશ્વર પરમાર, વાસણભાઈ આહીર, અગ્ર સચિવ મનોજ અગ્રવાલ તથા મેનેજીંગ નિયામક તરીકે કે. એચ.પંડયા છે. તેઓ પણ સફાઈ કામદારોના ઉત્થાન માટે કંઈ કરવા તૈયાર નથી.