ગુજરાતના ગાંધીનગરનું ગ્રીનસિટીનું બિરૂદ છીનવાઇ ગયું છે પરંતુ તેની નજીકમાં આવેલા સ્માર્ટ એવા ગિફ્ટ સિટીને ગ્રીન સિટીનું બિરૂદ આપવાની કાર્યવાહી થઇ રહી છે. ગિફ્ટ સિટીમાં 30 ટકા કામ પૂર્ણ થયું છે. ઇન્ડિયા ગ્રીન બિલ્ડીંગ કાઉન્સિલ દ્વારા ગિફ્ટ સિટીને ગ્રીન સિટીનો દરજ્જો આપવાની દરખાસ્ત કરી દેવામાં આવી છે.
ગિફ્ટ સિટીના એક અધિકારીએ કહ્યું હતું કે ગિફ્ટ સિટી આઇજીબીસી દ્વારા પ્રિ-સર્ટિફાઇડ પ્રોજેક્ટ છે અને હવે તેને હયાત સિટી તરીકે ગ્રીન સર્ટિફિકેટ આપવા માટે વિવિધ મુદ્દા ધ્યાનમાં લેવામાં આવી રહ્યા છે. આ મુદ્દાની ચકાસણી પ્રક્રિયા ચાલી રહી છે. આ વિધિ પૂર્ણ થયા પછી સર્ટીફિકેટ મળી શકે છે.
જે મુદ્દાઓની ચકાસણી પ્રક્રિયા ચાલી રહી છે તેમાં ગિફ્ટ સિટીમાં જમીનનો અસરકારકઉપયોગ, સેન્ટ્રલાઇઝ્ડ ડિસ્ટ્રિક્ટ કૂલિંગ પ્લાન્ટ દ્વારા 30-40 ટકા ઊર્જા બચત, સેન્ટ્રલાઇઝ્ડ વેસ્ટ મેનેજમેન્ટ પ્લાન્ટ, સેન્ટ્રલાઇઝ્ડ રેઇન વોટર હાર્વેસ્ટિંગ અને સેન્ટ્રલાઇઝ્ડ સુએઝ ટ્રિટમેન્ટ પ્લાન્ટનો સમાવેશ થાય છે. તદ ઉપરાંત સોલર થર્મલ, સોલર ફોટોવોલ્ટિક અને પવન ઊર્જા દ્વારા વીજળીની માંગમાં 10-12 ટકા ઘટાડાને પણ ધ્યાનમાં લેવામાં આવશે.
ગિફ્ટ સિટીમાં લાઇટનો વપરાશ લગભગ 25-30 ટકા ઘટાડો શક્ય બન્યો છે અને પાણીના ઉપયોગમાં પણ 15-20 ટકા ઘટાડો થયો છે. જાહેર પરિવહનમાં પણ 8-10 ટકા વૃદ્ધિ થઈ છે અને એકંદરે જીવનધોરણ સારું જોવા મળી રહ્યું છે. ગિફ્ટ સિટીમાં ઝીરો વેસ્ટ ડિસ્ચાર્જ, વેસ્ટ કલેકશન, ડિસ્ટ્રિક્ટ કૂલિંગ, જેવી પાયાની સુવિધાઓ તૈયાર કરવામાં આવેલી છે. જેના પગેલે અહીં ડેવલપરને 20 ટકા રેડીમેડ ગ્રીન ઇન્ફ્રાસ્ટ્રક્ચર પહેલેથી જ મળે છે. અને તેથી નવા બાંધકામમાં બાકીની કામગીરી તેઓ કરે છે, તેથી અહીં બિલ્ડિંગ બનાવનારને ગોલ્ડ અને પ્લેટિનમ રેટિંગ પણ તમામ જરૂરિયાત પૂરી કરવાને લીધે ઝડપથી મળે છે.
બે વર્ષ પહેલાં વડોદરા ખાતે એક પોલીસ સ્ટેશનને ગ્રીન બિલ્ડિંગ સર્ટિફિકેટ આપવામાં આવ્યું છે અને તે ભારતનું પ્રથમ ગ્રીન પોલીસ સ્ટેશન બન્યું છે. ગ્રીન બિલ્ડિંગમાં 40 ટકા જેટલી ઊર્જા બચત થતી હોવાનું જોવા મળ્યું છે. ગિફ્ટ સિટીમાં પોલ્યુશન ફ્રી સુવિધાઓ અને પોલ્યુશન ફ્રી ઇમારતોનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે તે જોતાં ભારતની આ સંસ્થાએ દેશના પ્રથમ ગ્રીન સિટી તરીકે ગિફ્ટ સિટીને પસંદ કરી તેની મોજણી શરૂ કરી છે જે પૂર્ણતાના આરે છે.