ગાંધીનગરમાં એસ્ટેટ વિભાગની દબાણો પર લાલઆંખ

ગાંધીનગર,તા:૨

ગાંધીનગર કોર્પોરેશનના એસ્ટેટ વિભાગે ગેરકાયદે બાંધકામ અને ખાનગી બાંધકામમાં ગેરકાયદે કોમર્શિયલ પ્રવૃત્તિ કરનારા પર તવાઈ બોલાવી છે. જે મુજબ એસ્ટેટ વિભાગે સેક્ટર-2માં 84 એકમોને નોટિસ આપી છે.

ગાંધીનગરમાં ગેરકાયદે બાંધકામ કરનારા અને ઘરમાં જ પીજી ચલાવનારા લોકોનો રાફડો ફાટ્યો છે, જેને કોર્પોરેશને 15 દિવસમાં બંધ કરવાની નોટિસ આપી છે, જો હુકમનો અનાદર કરાશે તો કોર્પોરેશન દ્વારા કાર્યવાહી પણ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે શહેરની રચના સમયે રહેણાક અને કોમર્શિયલ વિસ્તારને અલગ રાખવામાં આવ્યા હતા, જેથી રહેણાક વિસ્તારમાં કોઈ અડચણ ઊભી ન થાય, પરંતુ સમય જતાં તંત્ર દ્વારા આંખ આડા કાન કરવામાં આવતાં બંને વિસ્તાર એક થઈ જવા પામ્યા છે.

ગાંધીનગરમાં હાલમાં રહેણાક પ્લોટમાં યેનકેન પ્રકારેણ કોમર્શિયલ બાંધકામ ઊભા થઈ ગયાં છે, જેથી સ્થાનિક રહીશોને અડચણ ઊભી થઈ રહી છે. આ અંગે રહીશો દ્વારા રજૂઆત કરવામાં આવતી હોવા છતાં કોઈ પગલાં પણ ભરવામાં નથી આવતાં. આ તબક્કે ચર્ચાઈ રહ્યું છે કે જો પાટનગરમાં જ આવા હાલ હોય, તો રાજ્યનાં અન્ય શહેરોની સ્થિતિ શું હશે..?

કોર્પોરેશને સેક્ટર-2નાં કુલ 84 યુનિટને આ અંગે નોટિસ પાઠવી છે, અને નોટિસરૂપે દબાણ તોડવાની અને રહેણાકમાં પીજી જેવી વ્યવસાયિક પ્રવૃત્તિને બંધ કરવાની અને જો બંધ ન થાય તો મકાન સીલ કરવા સુધી પગલાંની ચીમકી આપી છે. જો કે અગાઉ પણ કોર્પોરેશને આવાં બાંધકામ પર લાલ આંખ કરી હતી, પરંતુ એક મહિના બાદ બધું ઠંડું થઈ ગયું હતું. જોવાનું એ રહે છે કે ગાંધીનગર કોર્પોરેશન આ વખતે કેટલું મક્કમ રહી કાર્યવાહી કરે છે.